વીરાણી બહેરા મુંગા શાળામાં આયોજીત વર્કશોપમાં ૫૧ બાળકોએ ભાગ લઈ માટીની મૂર્તિનું સર્જન કર્યું
અબતક, રાજકોટ
ગણપતિ મહોત્સવની રંગીલા રાજકોટ શહેરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે શહેરની છ.શા. વિરાણી બહેરા મુંગા સ્કુલ તથા પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્રના સંયુકત ઉપક્રમે શાળાના દિવ્યાંગ મૂક બધીર બાળકો માટે માટીમાંથી ગણપતિ બનાવવાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં શાળાના ધો.૬ થી ધો.૧૧ના ૫૧ જેટલા બાળકોએ વર્કશોપમાં ભાગ લીધો હતો. અને માટીમાંથી સુંદર ગણપતિની મૂર્તિ બનાવી હતી અને આવતીકાલે આ તમામ ૫૧ મૂર્તિનું સ્થાપન શાળાના પટાંગણમાં કરવામાં આવશે. બાળકોએ ઉત્સાહભેર ગણપતિ બનાવવાના વર્કશોપમાં ભાગલીધો હતો.
અબતક સાથેની વાતચીત દરમિયાન વિરાણી બહેરા મુંગા શાળામાં સેવા આપનાર કશ્યપભાઈ પંચોલીએ જણાવ્યું હતુ કે અમારી શાળાના ટ્રસ્ટીઓ, પ્રમુખના માર્ગદર્શન હેઠળ આજરોજ માટીના ગણપતિ બનાવવાના વર્કશોપનું આયોજન કરાયું છે. બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો બાળકો નવુ નવુ શિખે માટે આયોજન કરવામાં આવ્યું છે. ધો.૬ થી ૧૧ના ૫૧ બાળકો દ્વારા ગણપતિ બનાવવામાં આવ્યા છે. જેને પેઈન્ટ કરી આવતીકાલે શાળાના પટાંગણમાં ભાવભેર સ્થાપના કરવામા આવશે.