રાજકોટ-જામનગર રૂટ પર ચાલતી ૩૫૦ જેટલી ઈકોનો એક દિવસનો સંપૂર્ણ ધંધો સેવા કેમ્પમાં અપાશે
જય માતાજી ગ્રુપનો નવરાત્રી સુધી સેવાયજ્ઞ
કચ્છમાં માતાના મઢે જતા પદયાત્રીઓની સેવા કરવા અનેક ગ્રુપો તન, મન અને ધનથી પોતાનું યોગદાન આપી રહ્યાં છે ત્યારે રાજકોટ-જામનગર રૂટ પર ચાલતી ઈકોના ચાલકોએ પોતાનો એક દિવસનો જે કંઈ ધંધો થાય તે સેવામાં આપવાનો આવકાર્ય નિર્ણય કર્યો છે.
રાજકોટ-જામનગર ટ પર અંદાજે ૩૫૦ જેટલી ઈકો દરરોજ પેસેન્જરની હેરાફેરી કરે છે. ઈકો ચાલકોએ છેલ્લા બે વર્ષથી જય માતાજી ગ્રુપ બનાવી માં આશાપુરાના દર્શને જતાં પદયાત્રી શ્રધ્ધાળુઓને સેવા માટે એક દિવસનો જે કંઈ ધંધો થાય તે ભંડોળમાં આપવાનું નક્કી કર્યું છે.દરરોજની પાંચ ઈકો ચાલકો પોતાનું ભંડોળ જય માતાજી ગ્રુપને જમા કરાવે છે. આ રીતે નવરાત્રી સુધીમાં ૩૫૦ જેટલી ઈકો ચાલકો સ્વૈચ્છીક રીતે આપેલા ભંડોળમાંથી પદયાત્રી શ્રધ્ધાળુઓને રહેવા-જમવાની સગવડ આપતા કેમ્પોને આપવામાં આવશે.
સેવા કેમ્પમાં જય માતાજી ગ્રુપ દ્વારા આઈસ્ક્રીમ, પાણીની બોટલ, બિસ્કીટ, ફ્રૂટ જેવી વસ્તુ લઈ આપશે. જય માતાજી ગ્રુપ દ્વારા અંદાજે ૨ થી ૨.૫ લાખ જેટલું ભંડોળ એકઠુ થાય તેવો ટાર્ગેટ છે.
૩૫૦ પૈકી ૧૮૦ ઈકો ચાલકોએ સ્વૈચ્છીક રીતે એક દિવસનો ધંધો આપવાની સહમતી આપી છે. હજુ નવરાત્રી સુધીમાં અન્ય ઈકો ચાલકો પોતાની સહમતી આપશે તેવું જય માતાજી ગ્રુપના હડમતીયા જંકશન ગામના દશરથસિંહ વનુભા જાડેજા, રઘુવીરસિંહ મંગળસિંહ જાડેજા (મોડા), પરાક્રમસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (દુમાડા), હરપાલસિંહ મહાવીરસિંહ જાડેજા (મોટા વાગુદડ), યોગેન્દ્રસિંહ દોલતસિંહ જેઠવા (ગોસા), પ્રતિપાલસિંહ મહાવીરસિંહ ગોહિલ (માલપર), ધર્મેન્દ્રસિંહ પદુભા જાડેજા (હડમતીયા જંકશન) અને સંજયભાઈ પરમાર (રાજકોટ)એ જણાવી મુસ્લિમ ઈકો ચાલકો પણ સેવાયજ્ઞમાં જોડાયા હોવાનું કહ્યું હતું.