ગીરનારની ૩૬ કિ.મી. લાંબી લીલી પરિક્રમાનો પ્રારંભ ભગવાન શ્રીકૃષ્ણના સંગાથે પાંડવોએ કર્યો હતો
કાળક્રમે ભૂતકાળ બનેલી આ ભવ્ય ગાથાને ભગત અજા ભગતે ફરીથી ઉજાગર કરીને એકલા શરૂ કરેલી પરિક્રમા આજે લાખો ભાવિકોની આસ્થાની યાત્રા બની રહી છે, દાયકાઓ પછી પરિક્રમા નહીં યોજાય, ભાવિકોમાં નિરાશા
પાવનકારી ગીરનારની લીલી પરિક્રમાની દાયકાઓ જૂની પરંપરાને આ વખતે કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેમ મહામારીના સંક્રમણના દહેશતના પગલે સામાજીક હિતને ધ્યાને લઈ આ વર્ષે યોજાનારી લીલી પરિક્રમાનું આયોજન રદ કરવાનો નિર્ણય લેવાયો છે. જ્યાં ૩૬ કરોડ દેવી-દેવતાઓનો વાસ છે ત્યાં ભગવાન શ્રીકૃષ્ણ સાથે પાંડવોએ મોક્ષ પ્રાપ્તી માટે ગીરનારની પરિક્રમા કરી હતી. ભવનાથ થી ભવનાથ સુધીની ૩૬ કિ.મી.ની પ્રકૃતિના ખોળે ધર્મભક્તિ સાથે ભોજન-ભજનનો નિજાનંદ આસ્વાદ આપતી પરિક્રમામાં દર વર્ષે ૧૫ લાખથી વધુ ભાવિકો પૂણ્યનું ભાથુ બાંધે છે.
આ વખતે કોરોનાના સંભવિત નવા રાઉન્ડની શરૂઆતને પગલે સોશિયલ ડિસ્ટન્સ અને સામૂહિક ભીડ નિવારવા માટે જાહેર આયોજનો, તહેવારોની ઉજવણી સાદગીથી કરવાની ફરજ પડી છે ત્યારે કોરોનાને લઈને અગાઉ જ સંતો-મહંતો અને વહીવટી તંત્રએ વિ.સં.૨૦૭૭ની લીલી પરિક્રમા ન યોજવાનું નક્કી કર્યું હતું પરંતુ આજે જૂનાગઢ જિલ્લા તંત્રએ સત્તાવાર રીતે પરિક્રમા ન યોજવાની જાહેરાત કરી હતી. અત્યાર સુધી પરિક્રમાના મુદ્દે પ્રવર્તતી અનિશ્ર્ચિતતા મુદ્દે આજે જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારઘી દ્વારા પરિક્રમા ન યોજવાની સત્તારવાર જાહેરાત કરવામાં આવી હતી.
પરિક્રમામા દર વર્ષે અગીયારસથી પૂનમ સુધી યોજાય છે અને તેમાં લાખો ભાવિકો રાત-દિવસ વનવિહાર સાથે ભજન-ભોજન અને ભક્તિનો આ સ્વાદ માણે છે. સંપૂર્ણપણે પ્રકૃતિના સાનિધ્યમાં યોજાતી લીલી પરિક્રમામાં લાખો ભાવિકો એક પંગતે જાત-જાતના ભોજન જમીને રાતવાસા દરમિયાન અવધુતોના ઉતારામાં ભજન અને સંતવાણીના આનંદ માણે છે. આ વખતે ફરીથી કોરોનાના વાયરનાની સંભાવનાના પગલે અગાઉ સંતો મહંતો દ્વારા પરિક્રમા ન યોજવાના નિર્ણયની આજ જિલ્લા વહીવટી તંત્રએ સત્તાવાર જાહેરાત કરી દીધી હતી.
ગીરનારી ભગત અજા ભગત દ્વારા દાયકાઓ પૂર્વે શરૂ કરવામાં આવેલી આ પરિક્રમા આ વર્ષે વર્ષો પછી બંધ રહેશે. પરિક્રમાની પરંપરા આમ તો આદિકાળથી માનવામાં આવે છે. પરંતુ અજા ભગતે એકલે શરૂ કરેલી પરિક્રમાની પરંપરા આજે લાખો ભાવિકોની આસ્થાનું કેન્દ્ર બની ગઈ છે.