કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય : હવે સંક્રમણ ઓછું થયા બાદ નવી તારીખો જાહેર કરાશે
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીને કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય, કેસ વધતા અપીલ બોર્ડ, લેન્ડ ગ્રેબિંગ અને ફૂડ કોર્ટ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે સંક્રમણ ઓછું થયા બાદ આ બોર્ડ અને બેઠકોની નવી તારીખો જાહેર કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. દૈનિક કેસોની સંખ્યામાં દરરોજ ઉછાળો આવી રહ્યો છે. તેવામાં કોરોનાના સંક્રમણના ફેલાવામાં સરકારી કચેરીઓ પણ બાકાત રહી નથી. કલેક્ટર કચેરીમાંથી અગાઉ એક મામલતદાર પોઝિટિવ આવ્યા બાદ છેલ્લા બેથી ત્રણ દિવસમાં છ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે.
કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું હોય, અરજદારોમા તથા સ્ટાફમાં ચેપ ન પ્રસરે તે માટે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા આજ રોજ યોજાનાર અપીલ બોર્ડ રદ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત આજ રોજ લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક પણ યોજાનાર હતી. પણ કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને લઈને આજની લેન્ડ ગ્રેબિંગની બેઠક મુલતવી રાખવામાં આવી હતી. આ સાથે આજ રોજ અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં ફૂડ કોર્ટ પણ યોજાવાની હતી. આ કોર્ટ પણ આજે મોકૂફ રાખવામાં આવી હતી.
આમ જિલ્લા કલેક્ટર કચેરીમાં કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. જેને કારણે કામગીરી ખોરવાઈ જવા પામી છે. જો કે સ્ટાફ અને અરજદારોની સલામતી માટે જિલ્લા કલેક્ટર દ્વારા આ નિર્ણયો લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ત્રણેય બોર્ડ અને બેઠક હવે સંક્રમણ ઓછું થાય ત્યારબાદ જ યોજાઈ તેવી શકયતા સેવાઈ રહી છે.
અરજદારોને નિયમોના પાલન સાથે જ એન્ટ્રી
કલેક્ટર કચેરીમાં કોરોનાના કેસો આવવાનું શરૂ થઈ ગયું હોય, સ્ટાફની તથા તમામ અરજદારોની સુરક્ષા ઉપર પૂરતું ધ્યાન દેવામાં આવી રહ્યું છે. જેને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા માસ્ક પહેરવા સહિતના તમામ નિયમોનું કડક પાલન કરાવવાના આદેશો આપ્યા છે. જેને પગલે સુરક્ષા કર્મીઓ દ્વારા અરજદારોને માસ્ક પહેરવાની ટકોર કરવામાં આવી રહી છે. સાથે બન્ને ડોઝ લીધા હોય તેવા અરજદારોને જ કચેરીમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
જિલ્લા પુરવઠા અધિકારી થયા કોરોના સંક્રમિત
રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીને આજ રોજ કોરોનાના સામાન્ય લક્ષણો દેખાતા તેઓએ કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. આ રિપોર્ટમાં તેઓ કોરોનાથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ઝોનલ ઓફિસમાં જે માથાકૂટ થઈ હતી. તેમાં પુરવઠા અધિકારી અને પ્રાંત બન્ને ત્યાં દોડી ગયા હતા. આમ ગઈકાલે પુરવઠા અધિકારીના સંપર્કમાં અનેક લોકો આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.