સ્ટેનલેસ સ્ટીલ, પિત્તળ જેવા વાસણોમાં આયુર્વેદ શાસ્ત્ર ભોજન કરવાની ના પાડે છે: આપણે કેવા પ્રકારના વાસણોમાં ખાઇ રહ્યા છીએ, તેની અસર પણ આપણાં આરોગ્ય અને સ્વભાવમાં જોવા મળે છે: આજે પણ આપણાં અમુક રાજ્યોમાં મોટાપાનમાં ભોજન ગ્રહણ કરે છે: આપણાં રાજા-મહારાજા સોનાની થાળીમાં ભોજન કરતાં હતા
પૃથ્વી પર વસતો માનવી હવા, પાણી અને ખોરાક વગર જીવી શકતો નથી. પ્રાચિનકાળથી આજની 21મી સદીના વિકસતા યુગમાં આપણી જીવનશૈલીમાં બદલાવ આવતાં આપણી રહેણી-કરણી સાથે સાધનોના ઉપયોગમાં પણ બદલાવ જોવા મળ્યો છે. પ્રાચિનકાળમાં માટીના વાસણો હતા. માનવી પોતાના રોજીંદા જીવનમાં માટીમાંથી બનાવેલ વાસણો ઉપયોગ કરતો. રાજાશાહી યુગમાં રાજા સોનાની થાળીમાં ભોજન ગ્રહણ કરતાં વિકસતા માનવી ચાંદી, તાંબુ, પિત્તળ, લોખંડ, સ્ટીલ, એલ્યુમિનિયમ, માટી બાદ કાચનાને આજે પ્લાસ્ટીક (મેલેમેટ)ના વાસણોમાં જમતો થઇ ગયો છે.
આપણે કેવા પ્રકારના વાસણોમાં ખાઇએ છીએ તેની અસર આપણાં આરોગ્ય અને સ્વભાવ પર જોવા મળે છે. આ પૌરાણિક ગ્રંથો, આયુર્વેદના શાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. આજે પણ અમુક રાજ્યોમાં મોટા પાંદડામાં ભોજન કરવાની પ્રથા છે, તો કેટલાક આજે પણ બાજોઠ ઉપર થાળી રાખીને પુજા કર્યા બાદ જ અન્નગ્રહણ કરે છે. આપણાં પરિવારમાં પણ ભગવાનને થાળ ધરાવીને પછી જ બધા જમવા બેસે છે. સ્ટેનલેસ સ્ટીલ, પિત્તળ જેવા વાસણોમાં આયુર્વેદ શાસ્ત્ર ભોજન કરવાની ના પાડે છે.
કેવા ધાતુના વાસણમાં જમવાથી તમારા આરોગ્ય ઉપર કેવી અસર પડે છે તે સૌ એ આજના યુગમાં જાણવાની જરૂર છે. ભગવાનને સુંદર વાસણોમાં થાળ ધરાવવાથી ઘરમાં સુખ-સમૃધ્ધિ વધે છે.
– સોનું : આ એક ગરમ ધાતુ હોવાથી તેમાં બનાવેલ ખોરાક બનાવવાથી શરીરનાં આંતરિક-બાહ્ય ભાગ મજબૂત બને સાથે તે આંખો માટે ફાયદાકારક છે. સોના-ચાંદી બંનેમાં ભોજન કરવું આરોગ્યપ્રદ છે. પુરૂષો માટે સોનાની થાળીમાં ભોજન કરવું લાભદાયક છે.
– ચાંદી : સોનાથી વિપરીત ચાંદી ઠંડી ધાતુ છે તેથી તમે જો આ વાસણોમાં જમો તો શરીર ઠંડક મળે છે, શાંત રાખે છે. આ પ્રકારનાં વાસણોથી મગજ તેજ થાયને બુધ્ધીમાં વધારો થાય છે. પિત્ત, દોષ, કફ, વાયુદોષને નિયંત્રિત કરે છે ને સાથે આંખોની રોશની વધારે છે.
– તાંબુ : ભોજનના વાસણોમાં તાંબા જેવી કોઇ ધાતુ નથી. આજે પણ ઘણા લોકો આખી રાત તાંબાના લોટામાં પાણી રાખીને સવારે પીવે છે. તાંબાના ઘણા ફાયદાઓ છે. લોહીમાં સુધારો, બળ, બુધ્ધિમાં વધારો સાથે ભૂખ પણ ઉઘડે છે. જો તમને રક્તપિત્ત હોય તો તે શાંત રહે છે. આ વાસણોમાં ખાટી વસ્તુ ન પીરસવી કારણ કે ખટાશ ધાતુ સાથે પ્રતિક્રિયા કરતાં ઝેરી બને છે જે નુકશાન કરે છે. લોહી ચોખ્ખુ થાય, યાદશક્તિ વધે છે. તાંબુ ભોજનના પોષ્ટિક ગુણોને જાળવી રાખે છે. આવા વાસણો ક્યારેય દૂધ ન પિવાની આયુર્વેદ ના પાડે છે.
– પિત્તળ : આના વાસણોમાં ખોરાક રાંધવાથી કે તે ગ્રહણ કરવાથી કૃમિ, રોગ, કફ કે વાયુજન્ય રોગ મટે છે. પિત્તળમાં ખોરાક બનાવો તો માત્ર 7 ટકા જ પોષક તત્વો નાશ પામે છે. પિત્તળના વાસણો નકકશીદાર અને સુંદર આવતા હોવાથી પુજા સામગ્રી કે મંદિરના ભગવાનને ભોગ ચડાવવા વધુ ઉપયોગ થાય છે.
– લોખંડ : આયર્નના વાસણોમાંથી શરીરને આયર્ન કે લોહતત્વ મળે છે. શરીરને પુષ્કળ એનર્જી મળે છે. આવા વાસણોમાં બનાવેલ ખોરાક શરીરને ભરપૂરશક્તિ આપે છે. આ ઉપરાંત લોખંડ કેટલાય રોગોનો નાશ કરે છે. દૂધ પીવા માટે આના પાત્રો આરોગ્ય માટે સારા છે. શરીરનો સોજો, કમળો કે પોલિયો જેવા રોગને દૂર રાખે છે.
– સ્ટીલ : આજકાલ બહુ ચલણમાં વપરાતા સ્ટીલ વાસણો છે. આ ધાતુ ન તો ગરમ કે ન તો ઠંડુ એટલે તે નુકશાનકર્તા નથી. આ પાત્રોમાં બનાવેલ ખોરાક ખાવાથી શરીરને કોઇ લાભ નથી થતો તો કોઇ નુકશાન પણ કરતું નથી.
– એલ્યુમિનિયમ : વાસણોની આ શ્રેણી ખૂબ જાણિતી છે. તે બોક્સાઇટમાંથી બને છે. આ વાસણોમાં ખોરાક રાંધવાથી નુકશાન થાય છે. ચા ની હોટલવાળા તે જલ્દી ગરમ થતું હોવાથી વધુ વાપરે છે. તેનાથી કેન્સર થવાનો ભય રહે છે. તે આયર્ન અને કેલ્શિયમ ચુસી લેતું હોવાથી ભારે નુકશાન કરે છે. આનાથી હાડકા નબળા પડે, માનસિક રોગો થાય, લીવર સાથે નર્વસ સિસ્ટમ નબળી પડે છે. કિડની, ટીબી, અસ્થમા, દમ, વાતરોગ, મધુપ્રમેહ જેવો રોગોનો ખતરો રહે છે. આના પ્રેસરકૂકરનું બહું ચલણ છે પણ તેમાં 87 ટકા પોષક તત્વો નાશ પામે છે.
– માટીના વાસણો : આદીકાળથી વાસણો આપણે વાપરીએ છીએ પણ અત્યારે પાણીનો ગોળ એક જ જોવા મળે છે. અમુક રાજ્યોમાં ચા ની કુલડી પણ જોવા મળે છે.
આવા વાસણોમાં જમવાથી નુકશાન નહી ફાયદા હી ફાયદા છે. ભોજનના બધા તત્વો મળવાથી બધા રોગોથી દૂર રાખે છે. જો તમને રોગો થાય તો આ વાસણોમાં જમવાથી રોગ દૂર પણ થાય છે. દૂધ અને દૂધની બનાવેલી બનાવટ માટે આના વાસણો શ્રેષ્ઠ છે. માટીના વાસણોમાં રાંધેલા ખોરાકનો સ્વાદ ફરી જાય છે.
અત્યારના મોર્ડન યુગમાં સૌથી વધુ ઉપયોગ ‘નોનસ્ટીક’નો થાય છે. આ વાસણોથી બનેલ ખોરાકનો કોઇ ફાયદો નથી ઉલ્ટાનું રસોઇ બનાવો ત્યારે પોલીટેટ્રાફલૂરો ઇથેલીન ગેસ નીકળે છે. જે માનવી સાથે જાનવરો માટે પણ ખતરનાક છે. આમાં રસોઇ બનાવો તો ઘી, તેલ ઓછુ વપરાય તે તેનો ફાયદો કહેવાય છે.
– વૃક્ષના પાન (પાતળ)માં ભોજન : તાજા પાનની બનેલી પાતળમાં ભોજન કરવાથી ઝેરીલા તત્વો નાશ પામે છે, ભૂખ વધે છે સાથે પેટની બળતરાનો નાશ કરે છે. શાસ્ત્રોમાં પણ આનો ઉલ્લેખ જોવા મળે છે. દેવી-દેવતાઓ પણ આમાં ભોજન કરતાં હતાં.
પહેલાના જમાનામાં આપણાં પૂર્વજો માટીના વાસણનો ઉપયોગ વધુ કરતાં જેને કારણે તેનું આયુષ્ય લંબાતુ હતું. આ વાસણોમાં ધીમા તાપે ભોજન બનાવવાથી તમામ પોષક તત્વો જળવાઇ રહે છે. એમાં બનાવવામાં આવેલ ખોરાક, દાળ, શાકભાજી 100 ટકા માઇક્રોન્યુટ્રીએન્ટ રહે છે. આજે તો ડાઇટિશિયન અને ન્યુટ્રિશિયન પણ લોકોને માટીના વાસણોમાં બનેલ ખોરાક લેવાની સલાહ આપે છે.
સૌથી અગત્યની વાત કે આ વાસણોમાં બનેલ ખોરાક લાંબો સમય સુધી બગડતો નથી. સાથે માટીની મીઠી-મીઠી સુગંધ ઠંડક અને ભોજનનો ટેસ્ટ વધારે છે. આ વાસણોમાં રસોઇ બનાવતી વખતે ધીમો તાપ જ રાખવો જરૂરી છે. આજે તો કાચના વાસણોમાં ઘણા લોકો જમે છે. હોટલોમાં પણ કાચની પ્લેટમાં જ લોકો જમે છે.
તાંબાના વાસણોમાં ભોજન સૌથી શ્રેષ્ઠ
આજના યુગમાં માનવી સોનુ, ચાંદી, પિત્તળ, તાંબુ, લોખંડ, સ્ટીલ, કાચ, એલ્યુમિનિયમ કે માટી જેવા અનેક વાસણોમાં ખોરાક લઇ રહ્યા છે. આ પૈકી સૌથી શ્રેષ્ઠ તાંબાના વાસણોમાં ભોજન ગ્રહણને આયુર્વેદ શાસ્ત્રએ શ્રેષ્ઠ ગણાવ્યું છે. આજે પણ લોકો આખી રાત તાંબાના લોટાનું પાણી રાખીને સવારે ઉઠતાવેંત નરણાકોઠે પીવે છે. તાંબુ બળ, બુધ્ધિના વિકાસ સાથે આપણાં લોહીમાં સુધારો કરે છે. આ થાળીમાં ખાટી વસ્તું ક્યારેય ન પીરસવી કારણ કે તાંબા સાથે ખટાશ ભળવાથી ઝેરી બને છે. તાંબુ ખોરાકની પોષ્ટિકતાને જાળવી રાખવાની સાથે આપણી યાદશક્તિ વધારે છે. એક વાત શાસ્ત્રોમાં લખેલી છે કે આવા વાસણોમાં દૂધ ક્યારેય ન પીવું.