દેશભરમાં સોલાર રૂફટોપ યોજનામાં સરળ ફાયનાન્સિંગ નાના ઉદ્યોગ સાહસિકોને આકર્ષે તેવો આશાવાદ
ટાટા પાવરએ મંગળવારે રૂફટોપ સોલાર ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને લોન યોજનાનો લાભ આપવા એસઆઈડીબીઆઈ સાથે ભાગીદારી કર્યાની જાહેરાત કરી છે. હાલના સમયમાં પણ સોલાર રૂફટોપમાં લોનની સહાય ઉપલબ્ધ છે પરંતુ તે સહાય ગ્રાહકવર્ગ માટે છે. સોલાર રૂફટોપમાં રાજ્ય સરકાર દ્વારા મળતી સબસીડીમાં ઉદ્યોગ સાહસિકોના નાણાં એક ચોક્કસ સમય માટે રોકાઈ જતા હોય છે જેના કારણે નાના ઉદ્યોગ સાહસિકો આ ક્ષેત્રમાં આવવાની ઈચ્છા પ્રકટ કરતા નથી જેથી ટાટા પાવર્સ દ્વારા ઉદ્યોગ સાહસિકોને લોન સહાય થકી તેમના સબસીડીમાં ફસાયેલા નાણાં ન આવે ત્યાં સુધી લોન સ્વરૂપે સહાય આપશે અને ઉદ્યોગ સાહસિકો આ લોન હપ્તાના સ્વરૂપમાં પરત કરી શકશે.
ટાટા પાવરે જણાવ્યું હતું કે, એમએસએમઇ ક્ષેત્રે સોલારના પ્રવેશ માટે મહત્વનું વિઘ્ન સરળ ફાઇનાન્સિંગનું છે. આ પડકારને પહોંચી વળવા માટે ટાટા પાવરએ એમએસએમઇ ગ્રાહકોને છત સોલાર સેગમેન્ટમાં સરળ ફાઇનાન્સિંગ યોજના પ્રદાન કરવા માટે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા(એસઆઈડીબીઆઈ) સાથે ભાગીદારી કરી છે.
ટાટા પાવર અને એસઆઇડીબીઆઈએ એમએસએમઇને ૧૦ ટકા કરતા પણ ઓછા વ્યાજ પર આર્થિક સહાય વિનાના સોલાર ફાઇનાન્સિંગ આપવા માટે ભાગીદારી કરી પ્રયત્નો હાથ ધર્યા છે. એક નિવેદનમાં જણાવાયું છે કે આ યોજના થકી ફક્ત સાત દિવસમાં લોનને મંજૂરી અને ચાર દિવસમાં અરજદારના હાથમાં પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ યોજનાનો લાભ ઓફ ગ્રીડ અને ઓન ગ્રીડ બંને સોલાર કનેક્શન્સમાં મેળવી શકાય છે.
ટાટા પાવરના મેનેજિંગ ડિરેક્ટર પ્રવીર સિન્હાએ જણાવ્યું હતું કે, અમારા એમએસએમઇ ગ્રાહકો માટે નવીન ફાઇનાન્સિંગ સોલ્યુશન માટે એસઆઈડીબીઆઈ સાથે ભાગીદારી કરવામાં અમને ખુશીની લાગણી અનુભવી રહ્યા છીએ. આ યોજના એમએસએમઇ ગ્રાહકોને સસ્તું ધિરાણ સોલ્યુશન સાથે સોલર એનર્જી અપનાવવા માટે ટેકો અને પ્રોત્સાહન આપશે.
એસઆઈડીબીઆઈના નાયબ મેનેજિંગ ડિરેક્ટર મનોજ મિત્તલે જણાવ્યું હતું કે, સોલાર રૂફટોપ ક્ષેત્રમાં વૃદ્ધિના આયોજનો સક્રિય કરવા માટે ગ્રાહકોના નવા વર્ગો પર નવીનીકરણ અને ધ્યાન આપવાની જરૂર હતી. મોટાભાગના એમએસએમઇ નાના કદ અથવા અપૂરતા નાણાકીય ભંડોળને કારણે વિકાસકર્તાઓને આકર્ષવામાં નિષ્ફળ જાય છે. આ યોજના ધિરાણની જરૂરિયાતને પૂર્ણ કરશે.