Abtak Media Google News

મોરના ઈંડા ચિતરવા ન પડે…

શિકાગો ખાતે યોજાયેલી સ્વિમિંગ સિરીઝમાં પોતાનો જ રેકોર્ડ તોડતો આર્યન નેહરા

રાજકોટ મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલમાં તાલીમ મેળવનાર આર્યન વિજય નેહરાની એશિયન ગેમ્સ માટે પસંદગી થઈ છે. હવે આર્યન સપ્ટેમ્બર-2023માં ચાઇનાનાં હેંગઝોઉં શહેરમાં યોજાનાર એશિયન ગેમ્સની સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તદુપરાંત જુલાઇ-2023માં જાપાન ખાતે યોજાનારી આગામી વર્લ્ડ ચેમ્પિયનશિપ્સમાં પણ તે જોડાશે.

યુ.એસ.એ.ના શિકાગો ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત સ્વિમ સિરીઝમાં 800 ફ્રી સ્ટાઇલને 8 મિનિટ 03.15 સેકન્ડમાં પૂર્ણ કર્યું હતું અને આ સાથે જ તેણે પોતાનો જ શ્રેષ્ઠ રેકોર્ડ તોડીને છ સેકન્ડથી વધુ સમયના તફાવત સાથે નવો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આર્યન નેહરા રાજકોટ મહાનગરપાલિકાનાં પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાના સુપુત્ર છે અને દેશ-વિદેશમાં યોજાતી અનેક સ્વિમિંગ કોમ્પિટિશન ઉચ્ચ ક્રમાંક હાંસલ કરી ચુક્યા છે. રાજકોટ સહિત રાજ્યમાં જુદી-જુદી જગ્યાએ યાદગાર ફરજ બજાવનાર વિજય નેહરાના સુપુત્ર આર્યન નેહરા અગાઉ રાજકોટ મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલમાં પણ તાલીમ લઇ ચુક્યા છે તેમજ રાજકોટ ખાતે યોજાયેલી અનેક રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પોતાનું હીર ઝળકાવી ચુક્યા છે. અલબત્ત હવે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે કૌશલ્ય બતાવી ભારતનું નામ રોશન કરી રહ્યા છે. આર્યનની એશિયન ગેમ્સમાં પસંદગી થતા ગુજરાતભરમાં પણ ખુશીની લહેર પ્રસરી ગઇ છે.

રાજકોટ સિવાય અમદાવાદ શહેરમાં પણ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચૂકેલા આએએસ અધિકારી વિજય નેહરાનાં નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. અમદાવાદમાં મહાનગર પાલિકા કમિશનર તરીકે વિજય નહેરાએ વર્ષ 16/07/18થી 17/5/20 સુધી કાર્યભાળ સંભાળ્યો હતો. વિજય નહેરાએ અમદાવાદ શહેરના કમિશનર તરીકે માત્ર 22 મહિના કામ કર્યું હતુ . કોરોના મહામારી વચ્ચે તેઓને અચાનક બદલી થતા અનેક તર્ક-વિતર્ક થતા હતા. કોરોના બાદ તેઓને ગ્રામ્ય વિકાસ સચિવ વિજય નેહરાને બનાસકાંઠામાં પ્રભારી સચિવ તરીકે નિમણૂંક આપવામાં આવી. જો કે, કોરોના સમયે તેનું નામ ખૂબ જ ચર્ચાયું હતુ ત્યારે આજે ફરી તેમના દીકરાના કારણે તેઓ ચર્ચામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.