10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારી પૃથ્વીએ ટ્રોફીમાં 827 રન બનાવ્યા, મુંબઇને ચોથીવાર જીત અપાવી!!
મુંબઈની ટીમે ચોથી વાર વિજય હઝારે ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. રવિવારે થયેલી ફાઇનલમાં દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે મુંબઈની ટીમે ઉત્તર પ્રદેશને 6 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે જ મુંબઈ કર્ણાટક સાથે સંયુક્તપણે ટૂર્નામેન્ટની બીજી સૌથી સફળ ટીમ બની ગઈ છે.
તમિલનાડુ 5 વાર આ ટૂર્નામેન્ટ જીત્યું છે. જ્યારે મુંબઈ અને કર્ણાટક 4-4 વાર વિજય હઝારે ટ્રોફી જીત્યું છે. મુંબઈના કપ્તાન પૃથ્વી શો ટૂર્નામેન્ટમાં એક સીઝનમાં 800થી વધારે રન કરનાર પ્રથમ પ્લેયર બન્યો છે. તેણે આ સીઝનની 8 મેચમાં 4 સદીની મદદથી 827 રન બનાવ્યા છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં માધવ કૌશિક અને સમર્થ સિંહે યુપીની ટીમને સારી શરૂઆત આપી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 122 રન ઉમેર્યા હતા. સમર્થ 55 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન કરણ શર્મા શૂન્ય રને અને પ્રિયમ ગર્ગ 21 રન કરીને પેવેલિયન પરત ફર્યા હતા. અક્ષદીપ નાથે 40 બોલમાં 55 રન બનાવ્યા હતા. તે જ સમયે માધવ કૌશિકે 156 બોલમાં 158 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી પરિણામે યુપીની ટીમે 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 312 રન બનાવ્યા હતા. મુંબઇ તરફથી તનુષ કોટિઆને 2 અને પ્રશાંત સોલંકીએ 1 વિકેટ લીધી હતી.મુંબઈનો કેપ્ટન પૃથ્વી શો પણ વિજય હઝારે ટ્રોફીની ફાઇનલમાં ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટના ઉત્તર પ્રદેશની ઇનિંગ્સની 24મી ઓવરમાં બની હતી. તે સમયે પૃથ્વી ફર્સ્ટ સ્લિપમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો. યુપી તરફથી બેટિંગ કરી રહેલા માધવ કૌશિકે લેગ સ્પિનર સોલંકીના બોલ પર શોટ માર્યો હતો. બોલ સીધો પૃથ્વીના ડાબા પગ પર વાગ્યો હતો. આ પછી તરત જ, ફિઝિયોને મેદાન પર બોલાવવામાં આવ્યો. પૃથ્વીને તરત જ મેદાનની બહાર લઈ જવામાં આવ્યો. જો કે, તે થોડા સમય પછી મેદાનમાં પાછો ફર્યો હતો. પૃથ્વી અને યશસ્વીએ 313 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં મુંબઈની ટીમને શાનદાર શરૂઆત આપી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 55 બોલમાં 89 રન જોડ્યા હતા. આ સમય દરમિયાન પૃથ્વીએ પોતાની ફિફટી પૂરી કરી હતી. પૃથ્વી 39 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 73 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી યશસ્વી પણ 29 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી વિકેટકિપર બેટ્સમેન આદિત્ય તારે અને શમ્સ મુલાનીએ ત્રીજી વિકેટ માટે 88 રન જોડ્યા હતા.મુંબઈએ 41.3 ઓવરમાં 4 વિકેતે ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આદિત્યની 107 બોલમાં 118 રનની ઇનિંગ્સ નિર્ણાયક સાબિત થઈ હતી. આ માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો. યુપી તરફથી યશ દયાલ, શિવમ માવી, શિવમ શર્મા અને સમીર ચૌધરીએ 1-1 વિકેટ લીધી હતી.
ઇજાગ્રસ્ત હોવા છતાં પૃથ્વીએ બાજી પલટાવી
મુંબઈના કેપ્ટન પૃથ્વી શોને 24માં ઓવરમાં ડાબા પગે ઇજા થઇ હતી. તેમ છતાં પુથ્વી શોએ તેનો ’શો’ યથાવત રાખ્યો હતો. પૃથ્વીએ 39 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 73 રનની ઇનિંગ રમીને મુંબઈને જિતની નજીક પહોંચાડી દીધી હતી. સાથે જ વિજય હજારે ટ્રોફીમાં 827 રન બનાવ્યા હતા. જે રોકર્ડ પણ ખૂબ મહત્વપૂર્ણ છે. પુથ્વી શોની શાનદાર ઇનિંગને કારણે મુંબઇ ચોથી વાર વિજય હજારે ટ્રોફીમાં વિજેતા બન્યુ હતું.