ભચાઉ પંથકમાં બે અને દૂધઇ પંથકમાં એક આંચકાથી લોકોમાં ભયનું લખલખું પ્રસર્યુ
કચ્છની ધરા ધ્રુજી ઉઠતા લોકોના ભયનું લખલખું પ્રસરી ગયું છે.
ભચાઉ પંથકમાં બે અને દૂધઇ પંથકમાં એક મળી કુલ ૩ આંચકા ૧.૯થી લઈને ૩ની તીવ્રતાના આવ્યા હતા. ભૂકંપનો આ સિલસિલો યથાવ રહેતા સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે.
હાલ શિયાળામાં અનેકવિધ જગ્યાએ ભૂકંપના આંચકા નોંધાઇ રહ્યા છે.
તાજેતરમાં તળાજા પંથકમાં અનેક આંચકા નોંધાયા હતા. ત્યારે હવે ફરી કચ્છમાં ૩ આંચકા નોંધાયા છે.
મળતી માહિતી પ્રમાણે કચ્છમા ગઈકાલે તા. ૬ના રોજ બપોરે ૧:૪૨ના અરસામાં ૧.૯ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જેનું એપી સેન્ટર ભચાઉથી ૯ કિમિ નોર્થ ઇસ્ટ રહ્યું હતું. ત્યારબાદ ગઈકાલે જ રાતે ૧૧:૧૪ કલાકે ફરી ૨.૮ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જેનું એપી સેન્ટર દૂધઈથી ૧૨ કિમિ નોર્થ ઇસ્ટ તરફ નોંધાયું હતું.
બાદમાં ફરી આજે વહેલી સવારે ૩:૧૭ના અરસામાં ૩ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી ૧૩ કિમિ નોર્થ ઇસ્ટ તરફ નોંધાયું છે.
ગઈકાલે બપોરથી આજે વહેલી સવાર સુધીમાં કચ્છમાં સતત ૩ ભૂકંપના આંચકા નોંધાતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.