દેશના ૨૯ શહેરો ભૂકંપ ઝોન-૪ અને ૫માં
આસામમાં આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ભયભીત થઈ ગયા હતા અને ઘણા સ્થળોએથી લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. આસામ અને આસપાસનો વિસ્તાર સક્રિય ટેકટોનીક પ્લેટ ધરાવતો હોવાથી વારંવાર ભૂકંપના આંચકા આવતા રહે છે. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ જારી કરેલા એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ભુજ સહિત દેશના ૨૯ શહેરો તીવ્રથી અતી તીવ્ર ભૂકંપના ઓઠા હેઠળ છે.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ૨૯ શહેરોમાંથી મોટાભાગના વિસ્તારો હિમાલય નજીકના છે. કારણ કે, હિમાલય નીચે આવેલી ટેકટોનીક પ્લેટ સૌથી વધારે સક્રિય ગણવામાં આવે છે. વધુમાં કચ્છનું રણ, દિલ્હી, પટણા, શ્રીનગર, કોહીમા, પોંડીચેરી, ગુવાહાટી, ગંગટોક, સીમલા, દહેરાદૂન સહિતના વિસ્તારો ભૂકંપ ઝોન-૫ હેઠળ આવે છે.
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા ભૂકંપના જોખમને ધ્યાને લઈને અલગ-અલગ ઝોન નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ઝોન-૨ થી ઝોન-૫માં શહેરોની વહેંચણી થઈ છે. આ વર્ગીકરણમાં ઝોન-૪ અને ૫માં આવતા શહેરો તીવ્રથી અતી તીવ્ર ભૂકંપની ભીતિ ધરાવે છે. આ વહેંચણીમાં કચ્છનું રણ ભૂકંપ ઝોન-૫માં આવે છે અને સતત ભૂકંપના આંચકાઓ અનુભવાતા રહે છે.
આ ૨૯ શહેરો નીચે ભૂકંપની સક્રિય પ્લેટ આવે છે જેમાં હિમાલયન આર્ક સૌથી સક્રિય છે જે આસામથી જમ્મુ-કાશ્મીર તરફ ખસી રહી છે. જેના પરિણામે સતત આંચકાઓ અનુભવાતા રહે છે. આવી જ રીતે કચ્છનું પેટાળ પણ સક્રિય છે અને સતત ઉર્જા છુટી પડતી રહે છે.