આજે વહેલી સવારે જામનગરમાં ૨.૧ થી ૨.૮ની તિવ્રતાના બે આંચકા અનુભવાયા
ઠંડી વધવાની સાથે ભુકંપનાં આંચકા પણ વધી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ભુકંપનાં પાંચ આંચકા અનુભવવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે જામનગરમાં ૨.૧ થી ૨.૮ની તિવ્રતાના બે આંચકા અનુભવાયા છે. ભુકંપનાં આંચકાના પગલે સૌરાષ્ટ્ર-કચ્છની ધરતી ધણધણી ઉઠી હતી અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સીસ્મોગ્રાફી વિભાગે જણાવ્યા મુજબ જામનગરમાં બે ભુકંપનાં આંચકા તેમજ ગઈકાલે મોરબી, પાલિતાણા અને કચ્છનાં દુધઈમાં ૩ ભુકંપનાં આંચકા અનુભવાયા હતા.
મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે ૬:૦૬ કલાકે જામનગરથી ૨૭ કિલોમીટર દુર ૨.૧ની તિવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્ર બિંદુ સાઉથ સાઉથ ઈસ્ટ નોંધાયું હતું ત્યારબાદ વહેલી સવારે ૭:૧૧ કલાકે જામનગરથી ૨૭ કિલોમીટર દુર સાઉથ સાઉથ ઈસ્ટમાં ૨.૮ની તિવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો. આ ઉપરાંત ગઈકાલે બપોરે ૨:૧૨ કલાકે મોરબીથી ૧૪ કિલોમીટર દુર ઈસ્ટ નોર્થ ઈસ્ટમાં ૨.૧૨ની તિવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો ત્યારબાદ બપોરે ૨:૫૪ કલાકે પાલિતાણાથી ૨૧ કિલોમીટર દુર ઈસ્ટ સાઉથ ઈસ્ટમાં ૨.૩ની તિવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો. તેમજ સાંજે ૭:૪૨ કલાકે કચ્છનાં દુધઈથી ૧૫ કિલોમીટર દુર ઈસ્ટ નોર્થ ઈસ્ટમાં ૨.૪ની તિવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો.
સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ઘણા દિવસોથી ભુકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. ભુકંપનાં કારણે લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે. આજે વહેલી સવારે પણ જામનગરમાં ભુકંપનાં આંચકાનો લોકોએ અનુભવ કર્યો હતો. એકબાજુ વધતી ઠંડી અને બીજીબાજુ ભુકંપનાં આંચકા આવવાથી લોકો ભયભીત થયા છે.