છેલ્લા ૧૨ કલાકમાં ખાવડા અને વાગડમાં ભુકંપના ૫ આંચકાથી લોકોમાં ભયનો માહોલ.
કચ્છના ભચાઉમાં આજે વહેલી સવારે ફરી એક વખત ભુકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. છેલ્લા ૧૨ કલાક દરમિયાન કચ્છના ખાવડા અને વાગડમાં ભુકંપના પાંચ આંચકાઓ અનુભવાતા લોકોમાં ભયનું લખુ-લખુ પ્રસરી જવા પામ્યું છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે સવારે ૩:૧૮ કલાકે કચ્છના ભચાઉમાં ત્રણની તીવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો. ભુકંપનું કેન્દ્રબિંદુ નોર્થ- નોર્થ ઈસ્ટ, ભચાઉથી ૧૨ કિમી દુર હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે ભુકંપના આંચકાની તીવ્રતા ખુબ જ ઓછી હોય અને વહેલી સવારે જયારે ભુકંપનો આંચકો આવ્યો ત્યારે લોકો મીઠી નિંદ્રા માણી રહ્યા હોવાના કારણે વધુ અફડા-તફડી ફેલાઈ ન હતી. છેલ્લા ૧૨ કલાક દરમિયાન કચ્છના ખાવડા અને વાગડમાં ૫ ભુકંપના આંચકા આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૦માં ગુજરાતમાં આવેલા વિનાશકારી ભુકંપમાં સૌથી વધુ તારાજી કચ્છમાં સર્જાઈ હતી. કચ્છવાસીઓ હવે ભુકંપના નામથી પણ રીતસર ફફડી ઉઠે છે.