ઓસમ ડુંગર આસપાસ ઇસ્ટ સાઉથ ઇસ્ટ ખાતે ભૂકંપનો આંચકો અનુભવાયો જેની ઉંડાઇ જમીનથી 11.02 કિમીની હતી
અબતક-રાજકોટ
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ હજુ પણ યથાવત જ છે. ત્યારે છેલ્લાં 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના કુલ 3 આંચકા અનુભવાયા હતા.જેમાં કચ્છના રાપર અને ભચાઉમાં તેમજ સૌરાષ્ટ્રના ઉપલેટામાં પણ આંચકો આવતા લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો હતો. સીસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યું મુજબ ગઇકાલે સાંજે 6:08 કલાકે કચ્છના ભચાઉથી 23 કિલોમીટર દૂર 1.8 તીવ્રતાનો ઇસ્ટ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયો હતો. જેની ઉંડાઇ જમીનથી 28.7 કિલોમીટરની હતી. ત્યારબાદ 7:46 વાગ્યે સૌરાષ્ટ્રના ઉપલેટાથી 23 કિલોમીટર દૂર 1.3ની તીવ્રતાનો આંચકો ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયો હતો. જેની ઉંડાઇ જમીનથી 11.02 કિલોમીટરની હતી. ત્યારબાદ મોડી રાતે 1:39 વાગ્યે કચ્છના રાપરથી 15 કિલોમીટર દૂર 1.6ની તીવ્રતાનો આંચકો વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયો હતો. જેની ઉંડાઇ જમીનથી 20.6 કિલોમીટરની હતી.વારંવાર આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે. ગઇકાલે સાંજે આવેલા ઉપલેટાનો ભૂકંપ ઓસમ ડુંગર આસપાસ તેનું કેન્દ્રબિંદુ નોંધાયુ હતું. અગાઉ પણ સૌરાષ્ટ્રમાં ઘણા બધા આંચકા આવી ચુક્યા છે. તાજેતરમાં જ 26મી જાન્યુઆરી-2021ની વરસી ગઇ છે. ત્યારે હજુપણ સૌરાષ્ટ્ર-કચ્છમાં આંચકાનું પ્રમાણ યથાવત જ છે.
ભુકંપના આંચકા વધતા ‘અબતક’ દ્વારા એક વૈજ્ઞાનિકનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે આ તમામ આંચકાઓ જે અનુભવાઇ રહ્યા છે તે સામાન્ય જ છે. 3ની તીવ્રતાથી નીચે આવેલા આંચકા ગંભીર હોતા નથી અને તેનાથી લોકોએ ગભરાવવાની પણ જરૂર નથી.