છેલ્લા કેટલાક સમયથી ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ભૂકંપની ઘટનાઓએ લોકોના મનમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. દરેક વ્યક્તિને આશંકા છે કે આ ઘટનાઓ કોઈ મોટી દુર્ઘટનાનો સંકેત છે. દરમિયાન, મંગળવારે સવારે પાકિસ્તાન, ચીન અને ન્યૂ ગિનીના દરિયાકાંઠે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ ભૂકંપ વિશે વિગતવાર માહિતી આપી છે.
ન્યૂ ગિનીમાં 6.5, પાકિસ્તાનમાં 4.2 અને તિબેટમાં 5.0ની તીવ્રતાનો જોરદાર ધરતીકંપ
મંગળવારે સવારે ન્યૂ ગિનીના ઉત્તરી દરિયાકાંઠે એક જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેના કારણે લોકોમાં ભય ફેલાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ અહેવાલ આપ્યો છે કે ન્યૂ ગિનીના ઉત્તરી કિનારે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.5 માપવામાં આવી હતી. ભૂકંપનો આંચકો સવારે 3.16 કલાકે અનુભવાયો હતો અને તેનું કેન્દ્રબિંદુ ધરતીથી 10 કિમીની ઊંડાઈએ હતું.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મંગળવારે સવારે 3.38 કલાકે પાકિસ્તાનની જમીન પણ ભૂકંપથી ધ્રૂજી ઉઠી હતી. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી છે. કેન્દ્રના અહેવાલ મુજબ, આ ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 10 કિલોમીટર નીચે હતું. અગાઉ સપ્ટેમ્બરમાં પાકિસ્તાનમાં 10 કિલોમીટરની ઊંડાઈએ 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
મંગળવારે સવારે જ તિબેટમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા, જેને ચીન હવે જિઝાંગ કહે છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે જિઝાંગ વિસ્તારમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 માપવામાં આવી હતી. આ ભૂકંપ સવારે 3:45 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર પૃથ્વીથી 140 કિલોમીટરની ઊંડાઈ પર હતું.
ભૂકંપ શા માટે થાય છે?
પૃથ્વીની અંદર કુલ સાત પ્લેટ છે. જે હંમેશા કાર્ય કરતી રહે છે. જ્યાં આ પ્લેટ્સ એકબીજા સાથે અથડાઈ છે તેને ફોલ્ટ ઝોન કહેવામાં આવે છે. જ્યારે આ પ્લેટો અથડાય છે, ત્યારે ઊર્જા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. આ પ્લેટની હિલચાલ ભૂકંપ બની જાય છે. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી જેટલું નજીક હોય તેટલી વધુ તબાહી સર્જાતી હોય છે.
કેટલી તીવ્રતા પર કેવો ભૂકંપ અનુભવાય છે?
જો ભૂકંપની તીવ્રતા 0 થી 1.9 રિક્ટર હોય તો તેનો અનુભવ થતો નથી. તેની જાણકારી સિસ્મોગ્રાફ દ્વારા મેળવવામાં આવે છે. બીજી તરફ 2 થી 2.9 રિક્ટર પર હળવી ધ્રુજારી અનુભવાય છે. આ સિવાય તેની તીવ્રતા જો 3 થી 3.9 હોય તો થોડા વધારે આંચકા અનુભવાય છે. આ ઉપરાંત 4 થી 4.9 રિક્ટર હોય તો બારીઓ તૂટી શકે છે જ્યારે 5 થી 5.9 રિક્ટર પર સામાન અને પંખા હલવા લાગે છે. જ્યારે ભૂકંપની તીવ્રતા 6 થી 6.9 હોય ત્યારે ઘરના પાયામાં તિરાડો પડી શકે છે અને જ્યારે તેની તીવ્રતા 7 થી 7.9 સુધી પહોંચે છે ત્યારે મકાનો પડી જાય છે અને ઘણો વિનાશ થઈ શકે છે. અને જો 8 થી 8.9ની તીવ્રતાનો ભૂકંપ આવે તો સુનામીનો ભય પણ રહે છે. જો ભૂકંપની તીવ્રતા 9 હોય તો ત્યારે પૃથ્વી હલતી હોય તેવી નજર આવે છે.