પુનર્વસનમાં વસાવાયેલા ગામોના ગામ તળ નીમ કરાશે:: ભૂકંપગ્રસ્તોના લાંબાગાળાથી પડતર પ્રશ્નના નિવારણનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રયાસ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લામાં ભૂકંપ પછીના પુનર્વસન અન્વયે નિર્માણ પામેલા આવાસોમાં વસવાટ કરતા પરિવારોને મકાન માલિકી હક -સનદ આપવાનો માનવીય સંવેદનાપૂર્ણ સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે
મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ નિર્ણયની જાણકારી આપતા કહ્યું કે, કચ્છમાં 2001માં આવેલા ભયાવહ ભૂકંપ પછી પુનર્વસન માટે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા તત્કાલીન સમય સંજોગોને આધીન રહીને અલગ-અલગ સ્થળોએ મકાન- આવાસ બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ઉપાડવામાં આવી હતી
કચ્છ જિલ્લામાં મોટા પ્રમાણમાં ગામો ભુકંપ અસરગ્રસ્ત થયેલા અને વિશાળ સંખ્યામાં આવાસોની જરૂરિયાત ઉભી થતાં ખૂબ મોટાપાયે આવા આવાસો નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી આવા ઘણા બધા ગામોમાં વસવાટ કરી રહેલા અસરગ્રસ્તો પાસે મકાનનો કબજો છે પરંતુ મકાન ધારકો પાસે માલિકી હક-સનદ નથી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ અંગેની રજૂઆતો આવતાં તેમણે માનવીય અભિગમ દર્શાવી આવા મકાન ધારકોને માલિકી હક-સનદ આપવાનો સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે. માત્ર કચ્છ જિલ્લામાં ભૂકંપ પુનર્વસન અન્વયે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા નિર્માણ કરાયેલા મકાનોને જ આ નિર્ણય લાગુ પડશે.
ભૂકંપ પછી બચી ગયેલા નિરાધાર લોકો, પરિવારોને તાત્કાલિક આવાસ-છત આપવા સ્વૈચ્છિક સંસ્થાઓએ જ્યાં મકાનો બનાવેલા છે તે જગ્યાને ગામતળ નીમ કરવાનો અભિગમ પણ મહેસુલ વિભાગે અપનાવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હંમેશા સામાન્ય, મધ્યમવર્ગના કે ગરીબ પરિવારોની પડખે સદાય ઉભા રહેવાનો સંવેદનાસભર અભિગમ દાખવ્યો છે. મૃદુ છતાં મક્કમ અને નિર્ણાયક મુખ્યમંત્રી તરીકે ખ્યાતિપ્રાપ્ત ભૂપેન્દ્ર પટેલે કચ્છના ભૂકંપ પછીના પુનર્વસનમાં આવાસ મેળવેલા લોકોને આવાસ માલિકી અને સનદ આપવાનો જવાબદાર અને સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે.
મુખ્યમંત્રીના આ લોકહિત સૈદ્ધાંતિક નિર્ણયને પરિણામે કચ્છમાં ભૂકંપ પુનર્વસન માટે આવાસ-મકાન મેળવેલા અનેક પરિવારોની લાંબાગાળાની પડતર સમસ્યાનું નિવારણ થશે, આવા પરિવારો -લોકોને પોતિકા મકાન- સનદનો લાભ મળવા સાથે સ્વૈચ્છિક સંસ્થાઓએ બનાવેલા મકાન-આવાસના ગામોના ગામતળ નીમ થવાથી મહેસુલી નિયમ અનુસારના લાભો પણ હવે તેમને મળતા થશે એમ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ઉમેર્યું છે