રિક્ટર સ્કેલ પર 4.7 અને 5.3ની તિવ્રતા નોંધાઇ: નેપાળના બાગલુંગ જિલ્લામાં મોડી રાત્રે 1:23 કલાકે 4.7નો ભૂકંપ આવતા ખળભળાટ
નેપાળ અને ઉત્તરાખંડમાં ગત રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે, ભૂકંપના આ આંચકાઓ દરમિયાન કોઇ જાનહાનિ કે માલ મિલકતને નુકશાન પહોંચ્યુ હોવાના અહેવાલ મળ્યા નથી. સ્થાનીક સમય મુજબ મોડી રાત્રે 1 અને 2 વાગ્યાની વચ્ચે નેપાળના બાગલુંગમાં 4.7 અને 5.3ની તીવ્રતાના બે ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. નેપાળના નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર અનુસાર, બુધવારે વહેલી સવારે નેપાળના બાગલુંગ જિલ્લામાં 4.7 અને 5.3ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા હતાં.
સીસ્મોલોજી ડીપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ બાગલુંગ જિલ્લાના અધિકારી ચૌરા પાસે રાત્રે 1:23 કલાકે 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ સિવાય ભારતના ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મધરાત્રે 2:19 વાગ્યે 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જેનાથી કોઇ નુકશાનીના અહેવાલ નથી.
આ ઉપરાંત ગઇકાલે અંદમાન અને નિકોબાર ટાપુઓમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અંદમાન અને નિકોબાર ટાપુમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અગાઉ આ જ મહિનાની 9 અને 10મી તારીખે મહારાષ્ટ્ર, હિમાચલ અને મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. 10મી ડિસેમ્બરે 33 મિનિટની અંદર ત્રણ રાજ્યોની ધરા ધ્રૂજી હતી.
ભૂકંપના આંચકા સૌ પ્રથમ મણિપુરના ચંદેલમાં સવારે 11:28 વાગ્યે અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 માપવામાં આવી હતી. મણિપુરના ચાંદેલમાં અનુભવાયેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 93 કિ.મી.ની ઊંડાઇએ હતી. તેની બે મિનિટ બાદ એટલે કે 11:30 વાગ્યે હિમાચલ પ્રદેશના ચંબામાં પણ ધરતી ધ્રૂજી હતી. જેની તીવ્રતા 2.8ની નોંધાઇ હતી.