મહાપાલિકાના જંગમાં યાદી જાહેર થવા સાથે જ અસંતોષનો ઉકળાટ
કેટલાંક મોટા માથા અન્ય પક્ષોના સંપર્કમાં આયાતી ઉમેદવારોથી કાર્યકરો પણ મુંઝવણમાં
કોંગ્રેસ ભાજપ સામે ત્રીજા વિકલ્પ તરીકે આપ ત્રીજા પરિબળ તરીકે સક્રિય
જામનગર મહાપાલિકાના ચૂંટણી જંગમાં ઉમેદવારોની યાદી જાહેર થતા સાથે જ ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. વધુ ત્રણ કોર્પોરેટરોએ રાજીનામા આપ્યા છે તો વોર્ડ નં.૨,૫,૯,૧૦ અને ૧૧ના કાર્યકરોમાં પણ ભારે રોષ પ્રવર્તે છે. પૂર્વ ડે.મેયર કરમુર આપમાં જોડાયા છે તો અન્ય કેટલાંક મોટા માથાઓ અન્ય પાર્ટીના સંપર્કમા હોવાની વિગતોથી ભાજપના આગેવાનો-કાર્યકરોમાં હલચલ મચી ગઈ છે. પોતાના વિસ્તારમાં નવા જોગીઓ આવતા કાર્યકરો મુંઝવણમાં મુકાઈ ગયા છે.
જામનગર શહેર ભાજપ દ્વારા મહાનગરપાલિકાના ૬૪ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરાયા પછી વિરોધના સૂર ઉઠ્યા હતા અને અનેક લોકો દ્વારા ટિકિટના મુદ્દે હોબાળો મચાવ્યો હતો. ઉપરાંત ટિકિટ મળી ન હોવાના કારણે અથવા તો તેઓના જણાવ્યા અનુસારના ઉમેદવારને પણ તક નહીં મળી હોવાના કારણે રાજીનામાનો દોર શરૂ થયો હતો. જે અવિરત ચાલુ રહ્યો છે. અને પૂર્વ ત્રણ કોર્પોરેટરો સહિતના મોટા માથા એ રાજીનામા આપ્યા છે.
જામનગરના વોર્ડ નંબર ત્રણ ના પૂર્વ કોર્પોરેટર ઉષાબેન કંટારીયા તેમજ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ એવા તેમના પુત્ર આશિષ કંટારીયા એ પક્ષમાંથી રાજીનામા આપ્યા છે. લોહાણા સમાજને અન્યાય કરાયો હોવાનું પણ જણાવાયું છે.
ત્યારબાદ વોર્ડ નંબર સાતમા ભાજપના પૂર્વ નગર સેવિકા મિતલબેન ફળદુએ પણ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. જેઓ અગાઉ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા પછી ભાજપ સાથે જોડાયા હતા. અને ફરીથી ટિકિટ માંગી હતી. પરંતુ તેઓના જણાવ્યા અનુસાર તેમના સગા મામા ગોપાલભાઈ સોરઠીયા ને ભાજપે ટિકિટ આપી છે જેઓના પ્રવેશના કારણે પાટીદાર ઉમેદવાર તરીકે પોતાનું નામ કટ થયુંછે. જેથી પોતાના મામાનો જ વિરોધ દર્શાવ્યો છે, અને હવે પાર્ટીમાંથી રાજીનામું આપીને વોર્ડ નંબર સાત માંથી પોતે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવશે તેમ પણ જણાવ્યું છે.
ભાજપના વોર્ડ નંબર છના પૂર્વ કોર્પોરેટર જ્યોતિબેન ભારવાડીયા અને તેમના પતિએ પણ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યા છે. પોતે ઘણા વર્ષ થી પાર્ટી સાથે જોડાઈને ખંતથી કામ કરી રહ્યા છે. પરંતુ તેઓની ઉપેક્ષા કરવામાં આવી છે અને આયાતી ઉમેદવારને ટિકિટ આપી પોતાની સાથે તેમ જ પોતાની જ્ઞાતિ સાથે અન્યાય કર્યો હોવાનું જણાવી વિરોધ દર્શાવ્યો છે. કોંગ્રેસ અને ભાજપ બંનેની સામેના ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીનું ત્રીજું પરિબળ સક્રિય બન્યું છે, અને કેટલાક મોટા માથાઓ આમ આદમી પાર્ટીનો સંપર્ક કરી ચૂંટણી જંગમાં આવે તેવી પણ કવાયત હાથ ધરવામાં આવી રહી છે.
મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૨માં એક માત્ર સ્થાનિક ઉમેદવારની ભાજપ દ્વારા પસંદગી કરવામાં આવી છે જ્યારે અન્ય ત્રણ ઉમેદવારો બીજા વિસ્તારમાં વસવાટ કરતા હોવાથી અને જે તે વોર્ડની ભૌગોલિક પરિસ્થિતિ થી અજાણ હોવાના કારણે સ્થાનિક કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા અનામતની બેઠક પર જામનગર શહેર ભાજપના મંત્રી તરીકે જવાબદારી સંભાળતા હંસાબેન ત્રિવેદી કે જેઓને ટિકિટ નહીં આપતાં નારાજ થયા હતા અને તેઓએ પોતાના સમર્થકોની સાથે કોંગ્રેસનો હાથ પકડી લીધો છે ત્યારે વોર્ડ નંબર બે માં ભારે દોડધામ મચી ગઈ છે. અન્ય કેટલાક હોદ્દેદારો પણ રાજીનામું આપવાના મૂડમાં છે. વોર્ડ નંબર પાંચમાં પણ આવી જ પરિસ્થિતિ છે. અને એકમાત્ર બીનાબેન કોઠારીને રીપિટ કરાયા છે. જ્યારે બાકીના ત્રણ ઉમેદવારોના નવા નામો જાહેર કરાયા છે.
વોર્ડ નંબર ૯માં પણ બહારથી આયાતી ઉમેદવારને લેવામાં આવ્યા છે અને એક માત્ર પૂર્વ કોર્પોરેટરના ટિકિટ અપાઈ છે. જ્યારે ત્રણ નામો બદલાયા છે. જેને લઇને પણ વાંધા ઉભા થયા છે. શહેરના પૂર્વ મેયર રાજુ શેઠની આગેવાની હેઠળ અનેક સ્થાનિક કાર્યકરો ભાજપ કાર્યાલય પર પહોંચ્યા છે અને ટિકિટ ફાળવણી મુદ્દે ફેરવિચારણા કરવાની માંગણી કરી છે. વોર્ડ નંબર ૧૦માં પણ સગાવાદ અપનાવીને મયરના પુત્રને તેમજ પૂર્વ કોર્પોરેટરના પત્નીને ટિકિટ આપી દેવામાં આવી છે અને અન્ય કોઈને સ્થાન મળ્યું ન હોવાથી ભોય સમાજ સહિતના સ્થાનિકો વિરોધ દર્શાવી રહ્યા છે.
વોર્ડ નંબર ૧૧માં પૂર્વ કોર્પોરેટર મનસુખભાઈ ખાણધર કે જેઓ ઘણા વર્ષોથી ભાજપ સાથે સક્રિયતાથી જોડાયેલા છે અને પાંચ વર્ષ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે. તેઓની બાદબાકી કરી નાખવામાં આવી હતી. જેથી તેમનો પરિવાર નારાજ થયો છે. અને જામનગર ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર મનસુખભાઈ ખાણધરના પુત્ર પુનિત ખાણધરે કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. જેને લઈને શહેર ભાજપમાં ભારે ભાગદોડ મચી ગઇ છે.