શહેરથી 1.7 કિ.મી. દક્ષિણ-પશ્ર્ચિમમાં કેન્દ્રબિંદુ ધરાવતા ભૂકંપના આંચકાથી શહેર આખુ હચમચી ઉઠ્યું: લોકોમાં ભયનો માહોલ
જૂનાગઢમાં અતિ પ્રાચીન અને વિશ્ર્વ પ્રસિધ્ધ ગિરનારનો અડીખમ પહાડ સક્રિય જવાળામુખી અને લાવા પર ઉભો છે ત્યારે જૂનાગઢ નજીક ભૂકંપની ફોલ્ટલાઈન સક્રિય થઈ હોય તેમ જૂનાગઢ અને ગિર સોમનાથમાં વારંવાર ભૂકંપના આંચકા સર્જાતા રહે છે. આજે પણ ભરબપોરે 12:13 કલાકના સુમારે ભેદી ધડાકાની ઘટનાએ લોકોમાં ભય સાથે અચરજની મિશ્રીત લાગણીનું વાતાવરણ ઉભુ કર્યું હતું. ભૂકંપના આંચકાનો અનુભવ કરાવતા આ ધડાકાના પગલે મકાનોના બારી-બારણા ધણધણી ઉઠ્યા હતા અને લોકોને ભૂકંપના આંચકાનો અનુભવ થતાં ઘર બહાર દોડી આવ્યા હતા. જૂનાગઢ શહેર મહાનગરમાં આજે બપોરે 12:13 કલાકે જ્યારે ઉનાળાના ધગધગતા તડકા વચ્ચે લોકો ઘરમાં અને પોતાના ધંધા-રોજગારના સ્થળે કામમાં હતા ત્યારે ભૂકંપનો આંચકો અને ભૂગર્ભ થડાકો થયો હોય તેવો ભયંકર ધડાકો સર્જાયો હતો.
જૂનાગઢમાં થયેલા ભેદી ધડાકાનું શહેરથી 1.7 કિ.મી. દૂર દક્ષિણ-પશ્ર્ચિમ કેન્દ્ર બિંદુ ધરાવતા ધડાકાને લઈ જૂનાગઢ શહેર અને ખાસ કરીને ગિરનારનો જંગલ વિસ્તાર ધણધણી ઉઠ્યું હતું. સૌરાષ્ટ્ર, ગુજરાત જ નહીં સમગ્ર વિશ્ર્વના પર્યાવરણ જગતમાં ગિર અને ગિરનારનું જંગલ અલભવ્ય વનસ્પતિ અને કુદરતી સંપતિઓથી સમૃધ્ધ છે. ત્યારે છેલ્લા કેટલાંક સમયથી પર્યાવરણને ડિસ્ટર્બ કરતી પ્રવૃતિને લઈ જૂનાગઢ અને ગિર સોમનાથની ઈકો સીસ્ટમમાં મોટા અવરોધ ઉભા થયા હોય તેમ ભૂકંપના આંચકા, વાવાઝોડા જેવી આફતોની હારમાળા વધી છે. ગિરનારનું જંગલ અને ગિર સોમનાથમાં ભૂગર્ભીય ભેદી ધડાકા અને ભૂગર્ભની હલચલના કારણે છેલ્લા કેટલાંક સમયથી ગિર સોમનાથ અને જૂનાગઢની સરહદીય વિસ્તારમાં આવેલા ગીરના જંગલમાં તાલાલા, હરીપુર અને આસપાસના ગામડામાં લાંબા સમય સુધી નિરંતર ભેદી ધડાકા સંભળાતા આવ્યા છે. આજે જૂનાગઢમાં પણ આ જ રીતે ભેદી ધડાકાએ લોકોના જીવ અધ્ધર કરી દીધા હતા.
જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લામાં ગિર અને ગિરનારનું જંગલ એશિયાટીક સિંહો સહિતની દુર્લભ પ્રાણી અને પશુ-પક્ષીઓની પ્રજાતિથી ખીચોખીચ છે. તેવા આ વિસ્તારમાં પર્યાવરણ સાથેના ચેડા કુદરતની ઈકો સાઈકલને મોટો વિક્ષેપ કરનાર બની રહે છે. જૂનાગઢ અને ગિરનાર લાવાથી રચાયેલી ભૂમીમાં સક્રિય જવાળામુખી અને ભૂકંપની ફોલ્ટલાઈન સક્રિય થઈ હોય તેમ વારંવાર ભેદી ધડાકાઓને લઈને પર્યાવરણવાદી પણ વારંવાર ચિંતામાં મુકાઈ જાય છે. શું લાવાની આ ભૂમીમાં ફરીથી ભેદી હલચલ શરૂ થઈ છે કે કેમ, ભૂકંપના ભેદી ધડાકાના પેટાળમાં ફોલ્ટલાઈન સક્રિય થઈ ગઈ હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.
જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લામાં ગિરની સમૃધ્ધ વનસ્પતિ, ગિરના સિંહોની અલભ્ય પ્રજાતિ, ચિલોત્રા, સુરખાબ જેવા પક્ષીઓ અને સુક્ષમ જીવોની આ ભૂમિમાં પર્યાવરણની ઉલટ-પુલટ મોટા અનર્થ સર્જશે. તાલાલાની કેસર કેરી અને વનસ્પતિ જગતને પણ બદલાતી જતી પર્યાવરણની પરિસ્થિતિ ભવિષ્યમાં અસર કરે તેવી પરિસ્થિતિ ભૂકંપના આ ઝટકા પર્યાવરણવાદીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.
સમગ્ર શહેરમાં આ ધડાકાનો અવાજ ફેલાઈ ગયો હતો અને લોકો ભૂકંપ આવ્યો, કંઈક અજૂગતુ થયુંની આશંકાએ બહાર દોડી આવ્યા હતા. અલબત આ ધડાકાથી કંઈ નુકશાન કે જાનહાનીના સમાચાર નથી. જો કે જિલ્લા કલેકટર કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટના કંટ્રોલરૂમમાં આ સમાચારની વિગતો માટે ટેલીફોનના તાર ધણધણી ઉઠ્યા હતા અને જિલ્લા કલેકટરના ડિઝાસ્ટર મેનેજમેન્ટને આ અંગેની કોઈ જાણકારી નહોતી. ભુગર્ભ ધડાકાની આ ઘટનાએ ભરબપોરે લોકોના જીવ અધ્ધર ચડાવી દીધા હતા.