સાયકલોનીક સરકયુલેશન સિસ્ટમ સક્રિય થવાનાં કારણે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી: રાજયભરમાં વરસાદી માહોલ જોવા મળશે

ગુજરાત રાજયમાં અલગ-અલગ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે રાજયમાં આગામી ૨૪ કલાકમાં ચોમાસાનું વિધિવત આગમન થશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે જોકે દર વર્ષે રાજયમાં ૧૫મી જુને ચોમાસાનો પ્રારંભ થતો હોય છે જોકે આ વર્ષે નિર્ધારીત સમય કરતા એક દિવસ વહેલું ચોમાસું બેસશે તેમ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એટલે કે આવતીકાલથી રાજયભરમાં વિવિધત ચોમાસાનું આગમન થશે. સાયકલોનીક સરકયુલેશન સિસ્ટમ સક્રિય થતા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી તેમજ રાજયભરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે. દર વર્ષ કરતા આ વર્ષે વહેલું ચોમાસું બેસતા ધરતીપુત્રોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે અને વાવણીલાયક વરસાદ થતા ખેડુતો ખુશખુશાલ થયા છે.

ઉલ્લેખનીય છે કે, આગામી ૧૪મી અને ૧૫મી જુન એટલે કે આવતીકાલથી ૩ દિવસ સુધી સૌરાષ્ટ્રનાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ અને મોરબીમાં વરસાદી માહોલ જોવા મળશે જોકે હવામાન વિભાગની આગાહી મુજબ રાજયભરમાં સાર્વત્રિક રીતે વરસાદ પડશે તેમજ ગુજરાતનાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્યમમાં ભારે વરસાદની વકી જોવામાં આવી રહી છે.

ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરતા હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીમાં પ્રેશર સર્જાતા આવો માહોલ સર્જાશે.

આમ તો ૨૧ તારીખે ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થવાનો હતો પરંતુ કેરળમાં ચોમાસાનો પ્રવેશ નિસર્ગ વાવાઝોડાની અસરનાં કારણે સર્જાયેલા વાતાવરણનાં કારણે અત્યારથી જ પ્રિ-મોનસુન એકટીવીટી શરૂ થઈ ગઈ હોવાનાં કારણે ગુજરાતનાં અનેક વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે. હવે હવામાન વિભાગ દ્વારા સતાવાર રીતે જાહેરાત કરાઈ છે આગામી ૨૪ કલાકમાં રાજયભરમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થશે અને ખાસ તો વાવણીલાયક વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.