ચોથા વર્ગ કર્મચારી એકતા મંડળ દ્વારા મેયર ડો.પ્રદિપ ડવ સમક્ષ ધગધગતી ફરિયાદ

રાજકોટ મહાનગરપાલિકામાં લાયકાત ધરાવતા કર્મચારીઓ કરતા લાગવગ ધરાવતા કર્મચારીઓને વહેલા પ્રમોશન આપવામાં આવતા હોવાની ધગધગતી ફરિયાદ ચોથા વર્ગ કર્મચારી એકતા મંડળ દ્વારા મેયરને કરવામા આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ચોથા વર્ગ કર્મચારી એકતા મંડળના મહામંત્રી રાહુલ પરમાર દ્વારા મેયર ડો.પ્રદિપ ડવને એક પત્ર લખવામાં આવ્યો છે. જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાજકીય ઓથ ધરાવતા અધિકારીઓની ચાપલુસી કરતા કર્મચારીઓ પાસે કોઇપણ પ્રકારની લાયકાત ન હોવા છતાં તેઓને વહેલા પ્રમોશન આપી દેવામાં આવે છે. જ્યારે લાયકાત ધરાવતા કર્મચારીઓએ વર્ષો સુધી રાહ જોવી પડે છે. અમુક વર્ગ-4ના કર્મચારીઓ ટેબલ વર્ક જ કરે છે. તેઓને પ્રમોશન આપી દેવું જોઇએ અથવા તેઓની મૂળ જગ્યાએ મોકલી દેવા જોઇએ. શહેરનો વિસ્તાર સતત વધી રહ્યો છે. એક છેડાથી બીજા છેડે અંતર કાપીને જતા કર્મચારીઓને સાયકલ એલાઉન્સ પેટે માત્ર રૂ.200 આપવામાં આવે છે. જેમાં પણ વધારો કરવો જોઇએ. કર્મચારીઓનો ક્યારેય નિયત ડ્રેસ કોડ હોતો નથી.  દર ત્રણ વર્ષે કાપડ આપવામાં આવે છે. ગરમ કાપડ શિયાળાને બદલે ઉનાળામાં આપવામાં આવે છે. જ્યારે રેઇન કોટ ચોમાસાને બદલે શિયાળામાં મળે છે. બૂટ ક્યારે મળે તે નક્કી હોતું નથી. હલકી કક્ષાનું ગણવેશનું કાપડ ધાબડી દેવામાં આવે છે. ત્રણ જોડી કાપડ અપાય છે.

પરંતુ સિલાઇ માત્ર એક જોડીની જ આપવામાં આવે છે. ઘર વિહોણા કર્મચારીઓને આવાસ મળી રહે તેનું પણ આયોજન કરવું જોઇએ. અલગ-અલગ મુદ્ાઓ સાથે મેયરને રજૂઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.