ધોકા-પાઇપ અને પથ્થર સાથે મકાનમાં ઘુસેલા છ શખ્સોએ દંપતીને જગાડી પાંચ તોલા સોનું અને એક કિલો ચાંદીની લૂંટ ચલાવી
30 થી 40 વર્ષના ગુજરાતી ભાષા બોલતા લૂંટારા ખેતમજૂર હોવાની શંકા: લગ્ન પ્રસંગ માટે રાખેલા ઘરેણાની લૂંટ
કુવાડવા અને ક્રાઇમ બ્રાન્ચ સહિતના પોલીસ સ્ટાફ રાણપુર-નવાગામ દોડી ગયા: હાઇ-વે પરના સીસીટીવીના આધારે લૂંટારૂનું પગેરૂ દબાવ્યું
રાજકોટ શહેરમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાથી ચોરી, લૂંટ અને મારામારી જેવા બનાવોનો ગ્રાફ શેરબજારના સેન્સેક્સની જેમ વધી રહ્યો છે. તાજેતરમાં રાજકોટની ભાગોળે આવેલી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કારખાનાને ચડ્ડી બનિયાનધારી ટોળકીએ નિશાન બનાવી લાખોની ચોરીના બનાવના ભેદ ઉકેલાયા નથી ત્યારે રાજકોટના કુવાડવા રોડ નજીક આવેલા રાણપુર નવા ગામે વહેલી સવારે બુકાની ધારી ગેંગ હથિયારો સાથે ધાડ પાડી હતી.
દંપતિને ભય બતાવી લગ્ન પ્રસંગ માટે ઘરમાં રહેલા પાંચ તોલા સોનાના ઘરેણા અને એક કિલો ચાંદી મળી રૂા.3.47 લાખની સનસનાટી ભરી લૂંટની ઘટનાને પગલે ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર અને કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ નાકાબંધી કરી લૂંટારાનું પગેરૂ દબાવ્યું છે.
વધુ વિગત મુજબ રાજકોટ તાલુકાના રાણપુર નવાગામ પાસે શિવધારા પાર્કમાં રહેતા ચિરાગભાઇ વિજયભાઇ પટેલ અને પોતાના પત્નીને બુકાની ધારી ગેંગના છ શખ્સોએ ભય બતાવી સોના-ચાંદીના ઘરેણા મળી રૂા.3.47 લાખની લૂંટ ચલાવ્યાની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસની પ્રાથમિક તપાશમાં ચિરાગભાઇ અને તેના પત્ની સૂતા હતા ત્યારે બુકાની ધારી ગેંગના છ શખ્સે વહેલી સવારે ઘરમાં ત્રાટક્યા હતા. છ પૈકી એક શખ્સે પરિણીતા પર ટોચ કરતા જાગી જતા તેમણે તેમના પતિ ચિરાગભાઇને જગાડ્યા હતા બાદ બુકાનીધારી ગેંગે ભય બતાવતા દંપતિએ કબાટની ચાવી આપતા જેમાંથી શખ્સોએ પાંચ તોલા સોનાના ઘરેણા અને એક કિલો ચાંદીના ઘરેણા તફડાવ્યા બાદ સેટ્ટીમાંથી રોકડ મળી રૂા.3.47 લાખની સનસનાટી ભરી લૂંટ ચલાવ્યાની કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફને થતા ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર સહિતનો કાફલો દોડી જઇ નાકાબંધી કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાશમાં લૂંટારા વાડી વિસ્તારના જે રસ્તેથી આવ્યા હતા તે જ રસ્તે ગયા છે. તમામ શખ્સોએ શર્ટ ન હોતા પહેર્યા હતા અને એકની બુકાની પડી ગઇ છે. પોલીસે વહેલી સવારની હાઇ-વે પરના સીસીટીવી ફૂટેજ મેળવી લૂંટારૂનું પગેરૂ દબાવ્યું છે. કુવાડવા રોડ પોલીસ મથકના પી.એસ.આઇ. પાંડાવદરા સહિતના સ્ટાફે ફરિયાદ નોંધી વિશેષ તપાશ હાથધરી છે.
જેતલસર: પેટ્રોલપંપમાં બાઈક પર આવેલા બુકાનીધારીઓએ રૂ.18 હજારની લૂંટ ચલાવી
પ્રથમ બનાવની વિગતો મુજબ જેતપુર તાલુકાના જેતલસર નજીક આવેલ પેટ્રોલપંપમાં બે બુકાની ધારીઓએ લૂંટ બે ચલાવી હતી. પેટ્રોલ પંપ પર રહેલા ફિલમેન અને વોચમેનને છરી તેમજ લાકડાના ધોકા બતાવી ધમકાવી ફિલરમેનના ખીસ્સામાં રહેલા રૂા. 1700 તથા ઓફિસના ટેબલમાં ખાનામાં રહેલા રૂા. 16,200 તેમજ લૂંટારૂઓએ તેમના મોટર સાયકલમાં 650 રૂપિયાનું પેટ્રોલ ભરાવી એમ કુલ મળી 18,550ની લૂંટ કરી રફુચક્કર થઈ ગયા છે. પેટ્રોલ પંપના માલિક વિશાલ બારૈયાએ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવીના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે ધોરાજીના મોટી મારડ ગામ નજીક આવેલા મહેશ્વરી પેટ્રોલ પંપમાં ગત રાત્રીના સમયે લૂંટના પ્રયાસની ઘટના બની હતી. જેમાં બે બુકાની ધારી લૂંટના ઇરાદે ઘસ્યા હતા.પરંતુ પેટ્રોલ પંપના કર્મચારીઓને સતર્કનાં લીધે લૂંટનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. જ્યારે આ ઘટનાસીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.