દાયકાઓ બાદ આગોતરા ચોમાસા અને વહેલી વાવણીના સંજોગો, ખેતી માટે લાભપ્રદ નિવડશે: સતત ત્રીજુ વર્ષ ભરપુર વરસાદ આપનારૂ બની રહે તેવા સંકેતોને લઈને સારા વર્ષના અણસાર કૃષિ, અર્થતંત્ર માટે ઓણસાલ લાભપ્રદ નિવડે તેવા સંજોગો: આગોતરી વાવણી અને ભરપુર વરસાદ રામમોલની સાથે ઉનાળુ પાકમાં પણ ફાયદો અપાવે તેવા વર્ષ દાયકામાં ક્યારેક-ક્યારેક પાકે છે
ખેડ, ખેતર ને પાણી લાવે સમૃધ્ધી તાણી… કૃષિ પ્રધાન ગણાતા ભારતની વસ્તીની 80 ટકાથી વધુ આબાદી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે અને તેમાં મોટાભાગના લોકો ખેતી સાથે જોડાયેલા હોવાથી ખેતી દેશની મુખ્ય આર્થિક ધરોહર ગણાય છે. વળી ખેતી જ માનવ સમાજ માટે મુળ પોષણ અને આર્થિક આધાર ગણવામાં આવે છે. ખેડ, ખેતર ને પાણીને સમૃધ્ધીના મુખ્ય સ્ત્રોત ગણવામાં આવે છે ત્યારે ચોમાસાના વરસાદ પર નિર્ભર ખેતી માટે આ વર્ષનું સતત ત્રીજુ વર્ષ સારૂ પાકે તેવા અણસાર સાથે વહેલુ ચોમાસુ આવી રહ્યું છે તેવા સંજોગોમાં આગોતરી વાવણી અને પુષ્કળ વરસાદની આગાહીથી આવનાર વર્ષ સારૂ પાકે તેવું દેખાઈ રહ્યું છે. 1980ના દાયકા બાદ ફરી એકવાર ચોમાસા પૂર્વે ઉભી થયેલી વાવાઝોડાની પરિસ્થિતિ આ વખતે ચોમાસાની દસ્તક વહેલી આપી દેશે. દક્ષિણ ભારત અને હિંદ મહાસાગરમાં ઉભી થયેલી હળવા દબાણની પરિસ્થિતિને કારણે વાવાઝોડુ તૌકતેની પરિસ્થિતિ અને 150 થી 175 કિ.મી.ની ઝડપે ફૂંકાનારા પવનની સાથે વરસાદની શકયતા છે. બીજા શબ્દોમાં કહીએ તો 15 જૂનથી સત્તાવાર રીતે ચોમાસુ બેશે તે પહેલા વાવાઝોડાની અસરથી આગોતરા વરસાદની આગાહી પ્રવર્તી રહી છે. જો પાંચથી સાડા પાંચ ઈંચ જેટલા વરસાદના રાઉન્ડની પરિસ્થિતિ સર્જાય તો ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અને જ્યાં જ્યાં વાવાઝોડા બાદ વરસાદ આવે ત્યાં રામ મોલની વાવણી આ વખતે વહેલી થાય તેવી શકયતા છે.
આગોતરા વરસાદની વાવણી ખેડૂતો માટે સાહસરૂપ ગણાય છે. જો આગોતરા વરસાદમાં થયેલી વાવણીને સમયસર વરસાદની મોસમ મળી રહે તો મગફળી, કપાસ, કઠોળ અને ધાન સહિતના ચોમાસામાં વાવવામાં આવતા રામ મોલના પાકમાં રોગનો ઉપદ્રવ ઓછો રહે છે અને મૌલાત ઝડપથી અને જંતુનાશક ખાતરના ઓછા ખર્ચે મબલખ ઉત્પાદન આપે છે.
વાવાઝોડા તૌકતેની સ્થિતિને લઈને આગોતરા વરસાદની શકયતાને લઈ આ વખતે વર્ષ સારૂ થાય તેવી ઉમીદ બંધાય છે. જો કે કહેવત છે કે, આભ અને ગાભની આગોતરી ગણતરી ન કરી શકાય. જો બધુ સમુસુતરુ ઉતરી જાય અને ચોમાસુ વહેલુ આવી જાય તો રામ મોલની સાથે સાથે શિયાળુ પાકમાં પણ આ વખતે જગતાતને લાભ સવાયો મળે તેવો માહોલ ઉભો થયો છે.