કેરળમાં સોમવારથી મેઘસવારી ઉતરશે: પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં પ્રિ-મોન્સુન એક્ટિવીટી

દક્ષિણ-પશ્ર્ચિમ અરબી સમુદ્રમાં ઉભા થયેલા લો-પ્રેસરના કારણે દેશમાં ચોમાસાનો પગરવ વહેલો થશે. કેરળમાં સોમવારથી મેઘ સવારી આવે તેવી આશા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. બીજી તરફ પંજાબ, હરિયાણા, દિલ્હીમાં પ્રિ-મોન્સુન એક્ટિવીટીના કારણે હળવા ઝાપટા પડતા લોકોને ગરમીમાં રાહત મળી છે.

ટૂંકા સમયમાં પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં વાવાઝોડા અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદની શકયતા પણ વ્યકત કરવામાં આવી છે. એમ્ફાન સાયકલોનની અસરના કારણે વરસાદની એક્ટિવીટીમાં કેટલાક ફેરફાર પડી શકે છે. આગામી અઠવાડિયામાં જ દેશમાં વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થશે.

ગુરુવારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વહેલું આવ્યું છે, જેમાં બંગાળની ખાડીમાં દક્ષિણ અને આંદામાન સમુદ્ર અને આંદામાન તથા નિકોબારમાં વરસાદ થયો. આ સાથે અહીંના કેટલાક વિસ્તારોમાં ચોમાસું વહેલું બેસવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. પશ્ચિમ મધ્ય અને દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન ઉભું થયું છે. જે લો પ્રેશરમાં પરિવર્તિત થઇ જશે. આગામી દિવસોમાં આ લો પ્રેશર મજબૂત થઇને ડિપ્રેશનમાં ફેરવાઇ શકે છે.  જે ઉત્તર-પશ્ચિમ તરફ દક્ષિણ ઓમાન અને પૂર્વ યમનના દરિયા કિનારા તરફ જશે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી સાથે કેરળના દરિયામાં તોફાની અસર રહેવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આ આગાહી કરાઈ છે.

ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે કેરળમાં ૧ જૂનથી ચોમાસું બેસી જવાની સંભાવના પ્રબળ છે. આ સાથે જણાવવામાં આવ્યું કે, દક્ષિણ-પૂર્વ અને મધ્ય અરબી સમુદ્રમાં ૩૧મી મેએ લો-પ્રેશર સર્જાશે. ભારત જેવા કૃષિ પ્રધાન દેશ માટે ચોમાસુ ખૂબ જ જરૂરી છે. અર્થતંત્રનો મોટો હિસ્સો કૃષિ આધારિત છે. દેશમાં અડધો અડધથી વધારે ખેતી સિંચાઈ માટે વરસાદ પર આધાર રાખે છે. ચોખા, મકાઈ, શેરડી, કપાસ અને સોયાબીન જેવા પાકો માટે વરસાદ ખૂબ જ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.