બાન લેબ્સ પરિવાર આયોજીત શ્રીકૃષ્ણ ચરિત્રકથા સત્સંગમાં ભાવિકો રસતરબોળ: મહાનુભાવોની ઉપસ્થિતિ
બાન લેબ્સના પરમ ભગવદીય મૌલેશભાઈ ઉકાણી પરિવાર દ્વારા માતા-પિતાનું ઉપકારી ઉત્તરદાયિત્વ નિભાવવા તેઓની સાક્ષાત ઉપસ્થિતિમાં ચરણકમલમાં શ્રીકૃષ્ણ ચરિત્રકથા સત્સંગનું તા.૧૫ થી ૨૧ માર્ચ ૨૦૧૭ના સાત દિવસ દરમ્યાન રાજકોટથી ૧૫ કિ.મી દુર કાલાવડ રોડ પાસેના ઈશ્ર્વરીયા ગામે ઉકાણી પરિવારના મનોરમ્ય ફાર્મમાં આયોજન થયું છે. વલ્લભકૂળના મુઠી ઉંચેરા યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદય દરરોજ સાંજે ૫ થી ૮ શ્રીમદ ભાગવતના ૧૦માંસ્કંધ આધારિત ભગવાન શ્રીકૃષ્ણની દિવ્ય લીલાઓનું શ્રીમદ વલ્લભાચાર્યજી લિખિત દિવ્ય ગ્રંથ ‘સુબોધિની’ને કેન્દ્રમાં રાખીને શ્રોતાઓને દિવ્ય રસપાન કરાવી રહ્યા છે.
કથાના દ્વિતીય દિને સમગ્ર ઉકાણી પરીવારના ડો.ડાહ્યાભાઈ પટેલ, લાભુબેન ડાહ્યાભાઈ, ડો.નટુભાઈ ઉકાણી, અમિતાબેન નટુભાઈ, મૌલેશભાઈ ડી.ઉકાણી, સોનલબેન એમ.ઉકાણી તથા ઉકાણી પરીવારના બાળકો લવ, રીશા, જય, વિધિ, રાધા વગેરે પરિવારજનોએ પંડાલમાં આચાર્યપીઠે ભાગવતાજી અને જેજેશ્રીને વંદના કરીને માલ્યાર્પણ કરીને આરતી કરી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમ ગુજરાતી ભકિત ગીતોના શ્રોતાઓએ મોડીરાત સુધી મોજ માણી હતી.
કથાધારાને આગળ વધારતા આચાર્યપીઠે બિરાજમાન પૂ.વ્રજરાજકુમારજી મહોદયએ શ્રોતાઓ સાથે સંવાદ કરતા કહ્યું કે, શ્રીકૃષ્ણ જન જન અને કણ કણમાં છે, જયાં સુધી મન કૃષ્ણ સાથે ન જોડાઈ ત્યાં સુધી હૃદયમાં અનુભવ થતો નથી, ભાગવત કથા કૃષ્ણ યોગ છે, તેમાં સ્વયંને સમર્પિત કરવાનું હોય છે. આજે વ્યકિતનું મન અનેક પ્રવૃતિઓમાં મગ્ન બન્યું
છે. ઈચ્છા, અપેક્ષાઓ વધે તેમ માનવી વધારે વ્યસ્ત થતો હોય છે. આપણામાં એકાગ્રતાનો અભાવ છે. આપણે જે જગ્યાએ હોય ત્યાં ૧૦૦ ટકા સમર્પિત થાવ તો જ મન જાગૃત થાય છે. જે વ્યકિતમાં એકાગ્રતા નથી એવી વ્યકિતનો ઈશ્ર્વર સાથે યોગ-જોડાણ શકય નથી. એકાગ્રતા માટે કથા શ્રવણ કરતા કરતા કથા બની જાઓ, ગાતા ગાતા સ્વયંગીત બની જાઓ, આ મન સ્થિતિ યોગની અવસ્થા છે જેની સાથે જોડાઈએ ત્યારે ખોવાઈ જવું જોઈએ. મનમાં વિસ્મરણ થઈ જવું જોઈએ. કથામાં મનને ચોટાડી રાખો, ભગવાન સાથે લગ્ન-જોડાણ થવું જોઈએ. કથા જીવનમાં પરિવર્તન લાવે છે. કોઈપણ કાર્ય એકાગ્રતાથી કરો, ભયથી નહીં ભાવથી કરો, સમર્પિત થઈને કરો. તમે જયાં છો ત્યાં ૧૦૦ ટકા સમર્પિત થાવ ત્યારે મન જાગૃત થાય છે. મનમાંથી વેસ્ટને જયાં સુધી કાઢીશું નહીત્યાં સુધી મન શુઘ્ધ નહી થાય. માનવીના જીવનમાં ઈચ્છનીય, અનિચ્છનીય ઘટના બની તેમાંથી છેલ્લે બદલો લેવાની ભાવના જાગૃત થાય છે. આપણે દુનિયાને સુધારવાના અનેક અભિયાનો કરીએ છીએ પણ પોતાની જાતને સુધારવા ‘સ્વસુધારણા’ના અભિયાન કરતા નથી. મગજમાં ભરાયેલા કચરાને ડિલીટ કરો, વ્યકિત વસ્તુ-વિષય માટે ભરાયેલો છે. તેને પણ ડિલીટ કરો.
કથા વિરામના અંતિમ ચરણોમાં પૂ.જેજેશ્રીએ કહ્યું કે, આપણા અંદરના વિષયને બદલવા-સુધારવા પ્રયાસ કરો, સ્વીકારવાદ જીવનમાં મહત્વનો છે. જયાં સુધી અહંકાર ઉપર વિજય ન થાય ત્યાં સુધી આનંદની અનુભૂતિ થતી નથી. લૌકિક ઉદ્વેગ આનંદ આડેનું આવરણ છે. શ્રીકૃષ્ણ પ્રાગટય પૂર્વે આચાર્યપીઠેથી જેજેશ્રીએ કેટલાક પ્રેરક વિધાનો અને આધ્યાત્મિક વાર્તાલાપ દરમ્યાન કહ્યું કે, કૃષ્ણને આત્મસાત કરવા માટે પાત્ર ખાલી હોવું જોઈએ. શ્રીકૃષ્ણએ બતાવેલા જ્ઞાન, કર્મ અને ભકિત માર્ગ- આ ત્રણ સિવાય માનવ કલ્યાણનો કોઈ માર્ગ નથી. વ્યકિત કે વસ્તુ સાથેનું જોડાણ હોય ત્યારે માનવી દુ:ખી થાય છે. જોડાણ જ‚રી છે પણ ભગવાનની ભકિતના રક્ષણ સાથેનું આ જોડાણ હોવું જોઈએ.