આ હેમ અને મેઘ સાહિત્યનું અનેરું સન્માન છે : મોરારી બાપુ
ગત વર્ષ 2020 અને 21ના લોક સાહિત્યકાર અને લોકગાયકોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા
હેમુભાઇ ગઢવી એવોર્ડ મેળવનાર નાથાભાઈ ગમાર કે જેમને આદિવાસીઓની પોતીકી રામાયણની પ્રસ્તુતિકરણ કર્યું છે તેની કુલ 150 કેસેટ કેમ્બ્રિજ અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસક્રમમાં ભણાવામાં આવે છે
ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે વર્ષ 2020 અને 21 માટે ઝવેરચંદ મેઘાણી એવોર્ડ અને હેમુભાઇ ગઢવી એવોર્ડ ચાર લોક સાહિત્યકાર અને લોકગાયકોને એનાયત કરવામાં આવ્યા હતા. કોરોના ની કપરી પરિસ્થિતિને ધ્યાને લઇ વર્ષ 2020માં એવોર્ડ આપવાનું શક્ય રહ્યું ન હતું ત્યારે રાજકોટ ખાતે આયોજિત આ એવોર્ડ ફંક્શનમાં પૂજ્ય મોરારીબાપુ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નીતિન પેથાણી તથા ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર ના વિષ્ણુભાઈ પંડ્યા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વર્ષ 2020 માટે ઝવેરચંદ મેઘાણી એવોર્ડ નારોતમભાઈ પલાણ અને 2021નો એવોર્ડ અમૃતભાઈ પટેલ ને એનાયત કરવામાં આવ્યો હતો. એવીજ રીતે હેમુભાઇ ગઢવી એવોર્ડ વર્ષ 2020 માટે કાશીબેન ગોહિલ અને 2021 નો એવોર્ડ નાથાભાઈ ગમારને આપવામાં આવ્યો હતો.
આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઝવેરચંદ મેઘાણી કેન્દ્ર અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ કેન્દ્ર લોક સંવર્ધન સહિતની અનેક પ્રવૃત્તિઓ કરે છે ગુજરાતના ભિન્ન ભિન્ન પ્રદેશની સંસ્કૃતિ અને કલાનું સંવર્ધન કરી જે વ્યક્તિ દ્વારા આ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હોય તેઓને મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ થી સન્માનિત કરવામાં આવતા હોય છે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આ વંદના કરવાનો ઉપક્રમ છે અને સાધુ પુરુષ ના હસ્તે જ વિદ્યાપુરુષ નું અભિવાદન થતું હોય છે.
યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર વિજય દેસાણી એ જણાવ્યું હતું કે આ એવોર્ડ થકી લોક સાહિત્ય અને લોક સંગીત નું જતન કરવામાં આવે છે અને આજની યુવાપેઢીને એ વાતથી માહિતગાર કરવામાં આવે છે કે લોકસાહિત્ય અને લોકસંગીત નું ભવિષ્ય ઉજ્જ્વળ બનાવવું જોઈએ અને તે દિશામાં દરેક પગલાં લેવા જોઈએ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણી જણાવતા કહ્યું હતું કે યુનિવર્સિટી માત્ર શિક્ષણકાર્ય નહીં પરંતુ અન્ય કાર્યો કે જે સમાજ માટે ખુબ જ ઉપયોગી સાબિત થતા હોય સંસ્કૃતિ માટે જરૂરી હોય તેવા તમામ કાર્યો કરે છે સાથોસાથ બાળકોના અભ્યાસક્રમમાં પણ આ તમામ મુદ્દાઓ ને સમાવેશ કરી તેમને પણ આ તમામ મુદ્દાઓનું અભ્યાસ કરાવવામાં આવે છે જેથી ગુજરાત સાથે સૌરાષ્ટ્રની સંસ્કૃતિ ખૂબ સારી રીતે ઉજ્જવળ બની શકે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રામચરિત માનસ અને ભાગવતગીતાના પાઠ ભણાવાશે
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ભારતીયકરણ પર વિશેષ ધ્યાન આપવા આવ્યું છે. જેને લઈ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ આર્ટ્સ ફેકલ્ટીમાં વિવિધ કોર્ષ ઉમેરવામાં આવશે. જે અંતર્ગત સાયકોલોજી ભવન, ફિલોસોફી ભવન, ગુજરાતી ભવન, અર્થશાસ્ત્ર ભવનમાં આગામી વર્ષથી રામચરિત માનસ અને ભાગવત ગીતાના પાઠ ભણાવવામાં આવશે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓને આપણાં પુરાણ અને વૈદોની પણ અલગ સમજ મળશે તેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
હું લોકસાહિત્યનો માણતલ માણસ છું જાણતાલ માણસ નથી : મોરારીબાપુ
મોરારીબાપુએ અબતક સાથે વાતચીત દરમિયાન જણાવતા કહ્યું હતું કે તેઓ લોકસાહિત્યના માણતલ માણસ છે નહીં કે જાણતાલ માણસ. વધુમાં તેઓએ કહ્યું હતું કે જે લોકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે તે ઋષિ કાળના તપસ્વીઓનું નવું રૂપ છે.
સાથોસાથ તેમણે જણાવ્યું હતું કે જે સાત્વિકતા થી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તે ખરા અર્થમાં અનેરો છે અને આ પ્રકારના આયોજનમાં રજોગુણ નહીં માત્ર સાત્વિક ગુણ જ હોવું જોઈએ. લોક સાહિત્યકાર અને લોકગીતો ગાનાર તમામે દરેક દિશાના દરવાજા ખોલી નાખ્યા છે. બાપુએ કહેતા કહ્યું હતું કે મેઘાણી મેઘ લોક સાહિત્યકાર છે જ્યારે હેમુભાઈ હેમ લોકગાયક છે.
ત્યારે આગામી દિવસોમાં ઝવેરચંદ મેઘાણી માટે એક અલગ જ કથા કરવાનો સંકલ્પ કરેલો છે જેને પૂર્ણ કરવામાં આવશે. અંતમાં તેઓ એ જણાવતાં કહ્યું હતું કે આ હેમ અને મેઘ સાહિત્ય નું સન્માન છે. કોઈપણ વિદ્યા ધામ માં વિવાદ નહીં પરંતુ સંવાદ જ હોવો જોઈએ.