અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના આર્થિક રીતે નબળાં લોકોને રોજગારી પુરી પાડવા પ્રયાસ
સ્ટેન્ડઅપ ઈન્ડિયા સ્કીમ હેઠળ દરેક બેંકની તમામ બ્રાન્ચે ઓછામાં ઓછા એસસી, એસટીના એક વ્યકિત અને કોઈ પણ એક મહિલાને રૂપિયા એક કરોડ સુધીની લોન આપવી અનિવાર્ય
વાણિજિયક બેંકોની દરેક બ્રાંચે હવે, ફરજીયાત પણે અનુસુચિત જાતી અને અનુસૂચિત જનજાતીનાં ઓછામાં ઓછા એક વ્યકિતને રૂ.10 લાખથી માંડી 1 કરોડ સુધીની લોન ચૂકવવી પડશે. રોજગારી અર્થે કોઈપણ એક મહિલાને પણ 1 કરોડ રૂપીયા સુધીની લોન સહાય આપવી અનિવાર્ય બનાવાઈ છે. આર્થિક રીતે નબળા એસસી, એસટીનાં લોકોને રોજગારી મળે તે હેતુથી કેન્દ્ર સરકારની સ્ટેન્ડઅપ ઈન્ડિયા યોજના હેઠળ જોગવાઈ કરવામાં આવી છે જે વર્ષ 2016માં 5 એપ્રીલે લોન્ચ થઈ હતી.જેને હવે વર્ષ 2025 સુધી વિસ્તારી ફરજીયાત કરાઈ છે.
લઘુ નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને નાણાંકીય સહાય પુરી પાડવાની સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી પૂરી પાડતા રાજયસભામાં રાજય કક્ષાના નાણાંમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, ઈમરજન્સી ક્રેડીટ લાઈન ગેરંટી સ્ક્રીમ હેઠળ 92 લાખ બેંક ખાતાઓમાં 3 લાખ કરોડ રૂપીયા ઠાલવવાનો સરકારનો લક્ષ્યાંક હતો. જે અત્યાર સુધીમાં 2.46 લાખ કરોડ રૂપીયા ચૂકવાઈ ગયા છે. નેશનલ ક્રેડીટ ગેરંટી ટ્રસ્ટી કંપનીના જણાવ્યા મુજબ 92.27 લાખ ખાતેદારો છે. જેમને 3 લાખ કરોડ રૂપિયાની લોન સહાય આપવાની છે. આ 92.27 લાખમાંથી 87.50 લાખ ખાતેદારો સુક્ષ્મ,નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો સાથે સંકળાયેલા છે.જયારે બાકીનાં 4.77 લાખ ખાતેદારો અન્ય મોટા બિઝનેશ સાથે સંકળાયેલા છે.
રાજયસભામાં પ્રશ્ર્નોતરીકાળ દરમિયાન જવાબ આપતા મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, સ્ટેન્ડઅપ ઈન્ડિયા સ્ક્રીમ હેઠળ 31મી જાન્યુઆરી 2021 સુધીમાં 1,10,019થી વધુ લોન ચૂકવાઈ છે. આ યોજનાનો લાભ લઈ નાના અને મધ્યમ વર્ગનાં લોકો રોજગારી પ્રાપ્ત કરી આર્થિક રીતે સધ્ધર બને તે સરકારનો હેતુ છે.