ઈ–વેસ્ટ એટલે શું?
કમ્પ્યુટર, મોબાઈલ હેન્ડસેટ,ટેલિવિઝન સેટ, ફ્રીજ,એરકન્ડિશનર અને એવી અસંખ્ય ઇલેક્ટ્રૂોનિક્સ ચીજોનું વેચાણ વધી રહ્યું છે, એવી મતલબના સમાચારો આવતા રહેતા હોય છે. આ બધી ચીજોનું આયુષ્ય પૂરું થાય ત્યારે ભંગારમાં જતી ઇલેક્ટ્રોનિક ચીજો (ઈ-વેસ્ટ)નો નિકાલ કરવાની આપણે ત્યાં કોઈ સિસ્ટમ નથી. પરિણામે ભારત વિશ્વ માટે ઇ-વેસ્ટ ઠાલવવાનું ગોડાઉન બની રહ્યું છે.ભારતમાં ઇ-વેસ્ટ ૨૦૨૦ સુધીમાં પાંચ ગણો વધી જશે. તેની વાત કરીએ તે પહેલાં સમજી લઈએ કે ઈ-વેસ્ટ એટલે શું?
સરળ શબ્દોમાં ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો નકામાં બને ત્યારે સર્જાતો ભંગાર એટલે ઈ-વેસ્ટ. તેમાં કમ્પ્યૂટર, લેપટોપ, મોબાઈલ, ફ્રીજ, ટીવી, વગેરેનો સમાવેશ થાય છે. બહારથી સારા લાગતાં આ સાધનો ઘરને શણગારે છે, પણ તેની અંદર ઝેરી ધાતુઓ ભરેલી હોય છે. આ બધાં સાધનોમાં સીસું, પારો, કેડેમિયમ અને ક્રોમિયમ નામની ધાતુઓ હોય છે. આમ તો સરેરાશ ઇલેક્ટ્રોનિક ઉપકરણમાં લગભગ 60 કરતાં વધુ જાતની ધાતુઓ વપરાય છે, પણ બધી હાનિકારક નથી હોતી.
જો તમે નોકિયાનો મોબાઈલ ફોન વાપરતા હો તો સમજી લેવાનું કે તેમાં ૪૩ ધાતુઓ વપરાયેલી હશે. આ બધી ધાતુઓમાં રહેલું ઝેર નુકસાન કરે છે. ઉપર નામ આપ્યાં એ ચારેય ધાતુઓ જ્યારે જમીનમાં ભળે ત્યારે પાણીને પ્રદુષિત કરે છે. ખુલ્લામાં પડી રહે તો હવા પ્રદૂષિત થાય અને ભંગારમાં પડી હોય ત્યારે તેની સાથે કામ કરતાં લોકોના સ્વાસ્થ્યની પડતી શરૂ થાય.
અમેરિકા-યુરોપના દેશોમાં દરેક કાયદાની માફક ઈલેક્ટ્રોનિક વેસ્ટના કાયદા બહુ કડક છે. અને વળી ત્યાં તેનું કડકપણે (હમેશ મુજબ) પાલન પણ થાય છે. અમેરિકાની નજર એશિયાના ભારત જેવા વિકાસ માટે મથતા દેશો તરફ હોય છે. આપણે ત્યાં ઈ-વેસ્ટના કડક કે નરમ કોઈ કાયદા જ નથી. અત્યારે તો હેઝાર્ડસ વેસ્ટ એક્ટ અને મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એક્ટથી કામ ચાલે છે. હંમેશાં બનતું હોય એમ આ કાયદાઓની છટકબારીઓનો લાભ લેવાઈ રહ્યો છે. ભારતની વિદેશનીતિ પ્રમાણે આપણે દસ વર્ષ કે તેથી ઓછો જૂનો આવો ઈલેક્ટ્રોનિક સામાન આયાત કરી શકીએ છીએ. બસ ત્યાં જ મળી જાય છે સામાન ઘુસાડવાની ડોકાંબારી.
સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૪ કરોડ ટન ઈ-વેસ્ટ નીકળે છે. અમેરિકા સૌથી મોટું કચરા ઉત્પાદક છે. ત્યાં વર્ષે ૩૦ લાખ ટન કચરો પેદા થાય છે. ચીનમાં આ આંકડો ૨૫ લાખ ટનનો છે. દરેક વાતે નંબરવન રહેતું અમેરિકા આ કચરાના સંગ્રહમાં નંબરવન નથી. એ કચરો ભારતમાં કે એવા બીજા પ્રગતિનાં ભાંખોળિયાં ભરી રહેલા દેશોમાં મોકલી આપવામાં અમેરિકા નંબરવન જરૂર છે. અમેરિકા પોતાને ત્યાં નીકળતો ૮૦ ટકા ઈ-વેસ્ટ ચીનને મોકલી આપે છે. બાંગ્લાદેશ, નેપાળ,ચીન વગેરે આ કચરામાંથી બ્રાન્ડ ન્યૂ આઈટેમ બનાવી ભારતીય ગ્રાહકોને પધરાવે છે. ચીનના નાનકિંગ સહિતનાં બંદરો સુધી ઈ-વેસ્ટ ભરેલું જહાજ પહોંચે તેનું ભાડું પણ અમેરિકા ચૂકવે છે.
ચાઈનીઝ બંદરો પર અમેરિકાએ ભંગારમાં કાઢી નાખેલાં સાધનોમાંથી કામના પાર્ટ્સ કાઢી તેમાંથી ‘નવાં’ ઈલેક્ટ્રોનિક ઉપકરણો બનાવાય છે. એ ઉપકરણો વાયા નેપાળ સરહદ થઈ પહોંચે ભારતમાં. દિલ્હીના માયાપુરી (જ્યાં થોડા દિવસ પહેલાં ઝેરી ધાતુ કોબાલ્ટ લીક થતા થોડાં મોત થયાં હતાં) માં આ પ્રકારનાં ઉપકરણોનો ઓપન-એર શોપિંગ મોલ ભરાય છે. ત્યાંથી આ ઈન્ફર્મેશન ટેક્નોલોજીનાં સાધનો આખા દેશમાં રવાના થાય અને ખરીદદારોને સસ્તાં સાધનો વસાવ્યાનો સંતોષ થાય.
આપણને જે નવાં લાગતાં હોય એ ઉપકરણો ઘણી વખત અમેરિકા જેવા દેશોમાં રિજેક્ટ થયેલાં હોય છે. ત્યાંના કાયદા પ્રમાણે જો ક્મ્પ્યુટરનું આયુષ્ય દસ વર્ષ હોય તો દસ વર્ષ બાદ ચાલુ હાલતમાં પણ ત્યજી દેવું રહ્યું.એ ચાલુ ક્મ્પ્યૂટર પેલા જહાજમાં વાયા ચીન ભારત પહોંચે. તેમાં કોઈ મોટી ખરાબી ન હોય એટલે તેનું માર્કેટ પણ મળી રહે.
ઇ-વેસ્ટથી આપણને શું નુકસાન એમ વિચારવાથી છટકી નહી શકાય, કેમ કે તમારા ઘરમાં વપરાતી કેટલીક ઇલેક્ટ્રોનિક ચીજો હકીકતમાં કચરામાંથી બનેલી હોઈ શકે. ઈ-વેસ્ટ સાથે કામ પાડતા લોકોનાં શરીરને નુકશાન થાય છે, પણ એ ભંગારમાંથી બનેલી ચીજો ઘરમાં આવે તો સમસ્યાઓ સાથે લેતી આવે છે. ચીનથી સસ્તાં ઈલેક્ટ્રોનિક રમકડાં હકીકતમાં ભંગાર છે. એટલે જ તો વચ્ચે સરકારે તેના પર પ્રતિબંધ મૂકવો પડેલો.
એ રમકડાંના પ્રતાપે ઘણાં બાળકો બીમાર પડયાં છે. ચાઈનીઝ બેટરીવાળા લેપટોપ-મોબાઈલ ફાટવાના અને તેના કારણે ઈજા થવાના બનાવો નોંધાતા જ રહે છે. પછાત ગણાતા પાકિસ્તાને તો અમેરિકાથી આવી ઈ-આયાત બંધ કરવાનું નક્કી કર્યું છે. આ સમસ્યાના મૂળમાં જોકે સસ્તાની લાલચ છે. ચીનથી આવતી ચીજો અત્યંત સસ્તી હોય છે (કેમ કે તે ચીનને મફતમાં પડે છે, વાયા જહાજ ઉપર કહ્યું તેમ). ચીનમાં આવાં ઉપકરણોમાં જરૂરી પણ લાંબા ગાળે જીવલેણ સાબિત થતા સુધારા થઈ એ ચીજો આપણા ગુજરી માર્કેટમાં પહોંચી જાય છે. બસ પછી સસ્તું ખરીદનારાઓની તો ક્યાં કમી છે.
ચારે બાજુ ઈ-વેસ્ટની હો-હા થાય છે, પણ ઈ-વેસ્ટના કિસ્સામાં દુર્યોધનને જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ દેખાતું હતું એવી સ્થિતિ છે. હકીકતમાં જે દેખાય છે એ બધો ઈ-વેસ્ટ ખરેખર વેસ્ટ નથી હોતો. એન્વાયરન્મેન્ટ પ્રોટેક્શન સોસાયટીના દિપેન શાહ સરપ્રાઈઝ ખુલાસો કરતાં કહે છે, ‘ઈ-વેસ્ટના જથ્થાની ગણતરી ગોળગોળ રીતે થાય છે. ધારો કે મોબાઈલ હેન્ડસેટનું આયુષ્ય પાંચ વર્ષ ધારવામાં આવ્યું હોય તો પાંચ વર્ષ પહેલાં ૨૦૦૫માં જેટલા મોબાઈલ હેન્ડસેટ વેચાયા હોય તેને ૨૦૧૦માં ઈ-વેસ્ટ ગણી લેવામાં આવે છે.’
ઈ-વેસ્ટની તોડફોડ શરૂ થાય એટલે તેમાં રહેલી હાનિકારક ધાતુઓ હવા કે પાણી કે મનુષ્યોના સંપર્કમાં આવવાનું શરૂ થાય. નુકસાન કરવાનું પણ ત્યારે જ શરૂ થાય છે. મતલબ કે કમ્પ્યૂટર કે મોબાઈલ કે બીજા કોઈ પણ ઉપકરણનું આયુષ્ય પૂરું થવા છતાં તે વપરાશમાં હોય તો હકીકતમાં તે ઈ-વેસ્ટ નથી.
ભારતમાં વર્ષે દોઢ લાખ ટન ઈ-વેસ્ટ નીકળે છે, જ્યારે ૫૦ હજાર ટન પરદેશથી આવે છે. ૨૦૦૬માં ભારતમાં ૫૦ લાખ પર્સનલ કમ્પ્યુટરો વપરાશમાં આવ્યાં. દર વર્ષે તેમાં ૨૫ ટકા વધારો થાય છે. મતલબ કે ૨૦૧૦માં ભારતમાં સવા કરોડ ક્મ્પ્યુટર વપરાતાં હોય. બેંગલુરૂનો આઈટી ઉદ્યોગ વર્ષે ૩૦ ટકા કમ્પ્યુટરો કચરામાં ફેંકે છે. ૨૦૦૭માં ભારતે ૧,૪૦,૮૦૦ ટન અને ચીને ૪,૧૯,૧૦૦ ટન ઇ-વેસ્ટ કાઢયો હતો. ૨૦૧૨ સુધીમાં ૮ લાખ ટન થશે ભારતનો ઈ-વેસ્ટ.
ઈ–વેસ્ટ ઉત્પાદન કરતાં રાજ્યો
૧. મહારાષ્ટ્ર
૨. તમિલનાડુ
૩. આંધ્રપ્રદેશ
૪. ઉત્તરપ્રદેશ
૫. મધ્યપ્રદેશ
૬. પશ્ચિમ બંગાળ
૭. દિલ્હી
૮. કર્ણાટક
૯. ગુજરાત
૧૦. પંજાબ
ક્યાં કેટલો ઇ-વેસ્ટ નીકળે છે?
શહેર | ઈ-વેસ્ટ (ટન) |
મુંબઈ | ૧૧,૦૧૭ |
દિલ્હી | ૯,૭૪૦ |
બેંગલુરૂ | ૪,૬૪૮ |
ચેન્નાઈ | ૪,૧૩૨ |
કોલકાતા | ૪,૦૨૫ |
અમદાવાદ | ૩,૨૮૭ |
હૈદરાબાદ | ૨,૮૩૩ |
ભારતની શું સ્થિતિ?
સરકારે સ્વચ્છ ભારત અભિયાન અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પર ભાર મુક્યો હોવા છતાં ભારતે ચીન, અમેરિકા, જાપાન અને જર્મની જેવા દેશોની જેમ મોટી માત્રામાં ઇ-વેસ્ટ પેદા કરવાનું સતત રાખ્યું છે એમ એસોચેમ-એનઇસીએ પર્યાવરણ દિને રજૂ કરેલો એક અભ્યાસ જણાવે છે. ભારતમાં મહારાષ્ટ્ર સૌથી વધુ 19.8 ટકા ઇવેસ્ટ પેદા કરે છે પરંતુ ફક્ત 47,810 ટીપીએનું રિસાયકલ કરે છે,
જ્યારે તામિલનાડૂ 13 ટકા ઉત્પાદન કરે છે 52, 427, ઉત્તરપ્રદેશ (10.1 ટકા) 86. પશ્ચિમ બગાળ 9.8 ટકા, દિલ્હી 9.5 ટકા, કર્ણાટક 8.9 ટકા, ગુજરાત 8.8 ટકા અને મધ્યપ્રદેશ 7.6 ટકા ઇ-વેસ્ટ પેદા કરે છે. વૈશ્વિક ઇ-વેસ્ટનું વોલ્યુમ 2021 સુધીમાં 20 ટકા સીએજીઆર દરે વધીને 522 લાખ સુધી પહોંચે તેવી સંભાવના છે, જે 2016માં 447 લાખ ટનના સ્તરે હતું એમ ઇલેક્ટ્રીકલ્સ એન઼્ડ ઇલેક્ટ્રોનીક્સ મેન્યુફેક્ચરીંગ ઇન ઇન્ડિયા પરનો એક અહેવાલ જણાવે છે, જે એસોચેમ અને એનઇસીના સંયુક્ત ઉપક્રમે હાથ ધરાયો હતો.
2016માં પેદા કરવામાં આવેલા કુલ ઇવેસ્ટમાંથી ફક્ત 20 ટકા એટલેકે 8.9 એમટીનું યોગ્ય રીતે એકત્રીકરણ કરવામાં આવ્યુ હોવાનો અને રિસાયકલ કરાયુ હોવાનો રેકોર્ડ છે, જ્યારે બાકીના ઇ-વેસ્ટનો કોઇ જ રેકોર્ડ નથી. વૈશ્વિક સ્તરે ઉત્પન્ન કરાયેલ ઇ-વેસ્ટ 3.15 સીએજીઆર દરે વધે તેવી શક્યતા છે કેમ કે 2018નો અંદાજ વધીને 47.55 એમટી કરાયો છે એમ સંયુક્ત અભ્યાસમાં નોંધવામાં આવ્યું હતું.