ઈન્કમટેકસ વિભાગે છેલ્લી ઘડીએ પગારદાર વર્ગ માટેના ઈ-રિટર્નમાં ફેરફાર કરતા દેકારો
ઈન્કમ ટેકસ ભરવાની મુદતમાં વધારા બાદ છેલ્લી ઘડીએ ITR-૧ અને ૨ માં ફેરફાર કરાયો
ઈન્કમ ટેકસ વિભાગ દ્વારા રીટર્ન ભરવાની મુદતમાં એક મહિનાનો વધારો કરાયા બાદ આઈટીઆર-૧ અને ૨ રીટર્ન ફાઈલ કરતા પગારદાર વર્ગ માટેના ઈ-રીટર્નમાં મોટા બદલાવ કરતા પગારદાર વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે અને વારંવારના ઈ-રીટર્ન ફેરફારના કારણે રીટર્ન ફાઈલ કરનારાઓ મુશ્કેલીમાં મુકાયા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ ઈન્કમ ટેકસ વિભાગ દ્વારા રીટર્ન ફાઈલ કરવાની મુદતની છેલ્લી ઘડીએ આઈટીઆર-૧ અને આઈટીઆર-૨ના ઈલેકટ્રોનિક વર્ઝનમાં અનુક્રમે ૧ ઓગસ્ટ અને બાદમાં ૯મી ઓગસ્ટના રોજ સુધારા કર્યા છે. ખાસ કરીને અન્ય સ્ત્રોતમાંથી થતી આવક સંદર્ભમાં વધારાની માહિતી ઉમેરી કર બચત, બેંક ખાતાઓ, મુદતી થાપણો, આવકવેરાનું રીફંડ ભરનાર વ્યાજ અને અન્ય વ્યાજને દર્શાવવા માટે ફેરફાર કરવામાં આવ્યો છે.
દિલ્હી સ્થિત ચાર્ટડ એકાઉન્ટન્ટ રાજીવ ખંડેલવાલે કહ્યું હતું કે, ઈન્કમ ટેકસ વિભાગે ગુપ્તતાપૂર્વક ફેરફાર કર્યા છે. અગાઉથી જાણ કરીને વિભાગ ફેરફાર કરતું નથી પરંતુ ઈ-રીટર્ન સિસ્ટમમાં ફેરફાર કરાયો છે. મોટાભાગે રીટર્નના થઈ ફાઈલીંગ ફરજીયાત છે અને કરદાતાઓ તથા વ્યવસાયિકો પહેલેથી જ આવા રીટર્ન ફાઈલ કરતા હોય છે ત્યારે છેલ્લી ઘડીએ આવા ફેરફારો આવતા ઈ-રીટર્ન ફાઈલ કરવામાં કરદાતાને મુશ્કેલી પડી રહી છે.
વધુમાં ખંડેલવાલે જણાવ્યું હતું કે, મોટાભાગના કરદાતાઓ પોતાની બેંક ખાતાની વિગતો તો રીટર્ન ફાઈલ કરતા જ હોય છે પરંતુ મોટાભાગના લોકો આઈ.ટી. રીફંડ પ્રત્યે રસ દાખવતા નથી કારણકે કરદાતાઓને આઈ.ટી. રીફંડ મેળવવાની બાબતથી અજાણ હોય છે. આ ઉપરાંત ઈ-રીટર્ન સોફટવેર બેઈઝ હોય મોટાભાગના લોકો રીટર્ન ફાઈલ કરવામાં આવી કાળજી લઈ રહ્યા નથી ત્યારે અચાનક પગારદાર વર્ગ મુશ્કેલીમાં વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે.