- પર્યાવરણ અને અર્થતંત્ર બન્ને માટે ઇ-વ્હીકલનો વધુ ઉપયોગ ફાયદાકારક
- હાલ ઇ-વ્હીકલનો ક્રેઝ વધી રહ્યો છે. જે પર્યાવરણ અને અર્થતંત્ર બન્ને માટે ફાયદાકારક છે. ઇ-વ્હીકલના રજિસ્ટ્રેશનમાં અધધધ 1475 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે.
ઇલેક્ટ્રિક વાહનોની લોકપ્રિયતા ખૂબ ઝડપથી વધી રહી છે. વાહનોથી થતું કાર્બન ઉત્સર્જન, ગ્લોબલ વોર્મિંગ અંગે વધી રહેલા જાગૃતિ, ઉત્સર્જન અંગેના કડક માપદંડ અને સરકાર દ્વારા મળતા પ્રોત્સાહનના કારણે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતને ઇલેક્ટ્રિક વ્હીકલ અને તેને આનુષંગિક સાધન-સામગ્રીનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાના ઉદ્દેશથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021માં ઇ-વ્હીકલ પોલિસી જાહેર કરવામાં આવી હતી. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ઇ-વ્હીકલની દિશામાં ગુજરાત સતત આગળ વધી રહ્યું છે.
ગુજરાતમાં ઇ-વ્હીકલ પોલિસી અમલી થયા બાદ ઇ-વ્હીકલના રજિસ્ટ્રેશનમાં 1475 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં આજે રજીસ્ટર્ડ ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા 1,18,086 સુધી પહોંચી છે, જે અગાઉ માત્ર 7240 હતી. છેલ્લા પાંચ મહિનામાં દર મહિને 8,858 ઇલેક્ટ્રિક વાહનોની નોંધણી કરવામાં આવી છે. ગુજરાતમાં સૌથી વધુ 31,561 ઈલેક્ટ્રીક વાહનો સુરતમાં નોંધાયા છે. તે પછી, અમદાવાદમાં 20,937, વડોદરામાં 7,648, રાજકોટમાં 6,678 અને જામનગરમાં 3,259 ઇ-વ્હીકલ નોંધાયા છે. ગુજરાતમાં નોંધાયેલા કુલ 1,18,086 ઇ-વ્હીકલમાંથી 1,06,341 ટુ વ્હીલર, 4039 થ્રી વ્હીલર્સ અને 5646 ફોર વ્હીલર્સ છે અને બાકીના 2006 અન્ય કેટેગરીમાં આવતા ઈલેક્ટ્રીક વાહનો છે. ગુજરાતના અલગ-અલગ શહેરોમાં ઝડપથી ઇ-વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. હાલ રાજ્યમાં કુલ 152 ચાર્જિંગ સ્ટેશન છે.
આગામી સમયમાં 250 નવા પબ્લિક ચાર્જિંગ સ્ટેશન બનાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં છે. સરકાર દ્વારા રાજ્યના દરેક વિસ્તારમાં સમાન ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા અને ચાર્જિંગ સ્ટેશન સાઈટ પસંદગીની પ્રક્રિયાને સરળ બનાવવા માટે બીસાગ – એન સાથે મળીને ઝોન/હોટસ્પોટ ડિઝાઇન કરવામાં આવ્યા છે. તેના અનુસાર મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં 91, મ્યુનિસિપાલિટી અંતર્ગત આવતા વિસ્તારોમાં 48, રાજ્ય ધોરીમાર્ગો/રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર 96 હોટસ્પોટ અને પ્રવાસન સ્થળો પર 15 હોટસ્પોટની પસંદગી કરવામાં આવી છે. વર્ષ 2021માં લાગુ કરવામાં આવેલ આ પોલિસી અંતર્ગત ટુ-વ્હીલર પર મહત્તમ રૂ.20,000, થ્રી-વ્હીલર પર મહત્તમ રૂ.50,000 અને ફોર વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો પર મહત્તમ રૂ.1,50,000ની સબસીડી આપવામાં આવે છે. અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા રૂ.133.83 કરોડની સબસીડી ચૂકવવામાં આવી છે.