- રૂપિયા છાપવાનો ખર્ચ ઘટાડવા અને ટ્રાન્ઝેક્શન ઉપર નજર રાખવા સરકારનો માસ્ટર પ્લાન
- પ્રથમ તબક્કામાં દિલ્હી, મુંબઈ, બેંગ્લોર અને ભુવનેશ્ર્વરમાં પાયલોટ પ્રોજેકટની અમલવારી: બાદમાં અમદાવાદ, ગંગટોક, ગુવાહાટી, હૈદરાબાદ, ઈન્દોર, કોચી, લખનૌ, પટના અને શિમલામાં અમલ થશે
હવે સામાન્ય લોકો પણ ઈ-રૂપિયામાં ટ્રાન્ઝેક્શન કરી શકશે. આ માટે, ભારતીય રિઝર્વ બેંકે દેશના ચાર શહેરોમાં કાલે 1 ડિસેમ્બરથી ડિજિટલ રૂપિયાના છૂટક ઉપયોગ સાથે સંબંધિત પ્રથમ પાયલોટ પરીક્ષણ હાથ ધરશે. ચાર જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો એસબીઆઈ, આઇસીઆઇ સીઆઇ,યસ બેંક અને આઇડીએફ સી ફર્સ્ટ ટેસ્ટમાં સામેલ થશે. સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી ડિજિટલ ટોકનના સ્વરૂપમાં હશે. આ લીગલ ટેન્ડર હશે, એટલે કે તેને લીગલ કરન્સી ગણવામાં આવશે. ઇ-રૂપી એ જ મૂલ્ય પર જારી કરવામાં આવશે જે હાલમાં ચલણી નોટો અને સિક્કા જારી કરવામાં આવે છે.
આરબીઆઈએ મંગળવારે જણાવ્યું હતું કે 1 ડિસેમ્બરના રોજ ક્લોઝ્ડ યુઝર ગ્રૂપમાં પસંદગીના સ્થળો પર પરીક્ષણ હાથ ધરવામાં આવશે. પાયલોટ પ્રોજેક્ટ વાસ્તવિક સમયમાં ડિજિટલ રૂપિયાના સર્જન, વિતરણ અને છૂટક ઉપયોગની સમગ્ર પ્રક્રિયાની મજબૂતતાની ચકાસણી કરશે. અગાઉ, તેના બલ્ક ઉપયોગ માટે પાયલોટ પરીક્ષણ 1 નવેમ્બરથી શરૂ થયું હતું. ડિજિટલ ફોર્મમાં ચલણી નોટોની તમામ સુવિધાઓ હશે. લોકો ડિજિટલ મનીને રોકડમાં ક્ધવર્ટ કરી શકશે. ખાસ વાત એ છે કે ક્રિપ્ટોકરન્સીની જેમ તેની કિંમતમાં કોઈ વધઘટ નહીં થાય.
આ પાયલોટ પ્રોજેકટની પ્રથમ તબક્કામાં દિલ્હી, મુંબઈ, બેંગ્લોર અને ભુવનેશ્વરમાં અમલવારી થશે. ત્યારબાદમાં અમદાવાદ, ગંગટોક, ગુવાહાટી, હૈદરાબાદ, ઈન્દોર, કોચી, લખનૌ, પટના અને શિમલામાં અમલ થશે. આરબીઆઈએ 8 બેંકોની પસંદગી કરી છે. પ્રથમ તબક્કામાં તેની ચાર બેંકો છે. બાદમાં જરૂરિયાતના આધારે અન્ય બેંકોને સામેલ કરી શકાય છે.
ભારતના ડિજિટલાઇઝેશનની નવી સફર થશે શરૂ
ડિજિટલ રૂપિયો એ ભારતની ડિજિટલ સફરનું આગલું પગલું બનવા જઈ રહ્યું છે. જ્યારે વિશ્વભરના દેશો ડિજિટલ કરન્સીના બંધારણ, જોખમો અને અમલીકરણ સંબંધિત વ્યૂહરચનાઓ પર ઝઝૂમી રહ્યા છે, ત્યારે ભારત આ ક્ષેત્રમાં વૈશ્વિક બેન્ચમાર્ક સેટ કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. ખરેખર, ભારત પહેલાથી જ વૈશ્વિક સ્તરે માહિતી ટેકનોલોજી અને ડિજિટલ સોલ્યુશન્સના વિકાસમાં અગ્રેસર રહ્યું છે.
ઇ-રૂપી મોબાઈલ સહિતની ડિવાઇસમાં રાખી શકાશે
ડીજીટલ રૂપિયા મોબાઈલ ફોન અને અન્ય ડીવાઈસમાં રાખી શકાય છે. તેનું વિતરણ બેંકો દ્વારા કરવામાં આવશે. વપરાશકર્તાઓ પાયલોટ ટેસ્ટમાં ભાગ લેનાર બેંકો દ્વારા પ્રદાન કરવામાં આવેલ ડિજિટલ વોલેટ દ્વારા ઈ-રૂપીમાં વ્યવહાર કરી શકશે.
ક્યુઆર કોડથી થઈ શકશે પેમેન્ટ:
ઇ-રૂપી દ્વારા, વ્યક્તિ-થી-વ્યક્તિ અને વ્યક્તિ-થી-મર્ચન્ટ બંને વ્યવહારો કરી શકાય છે, રિઝર્વ બેન્કે જણાવ્યું હતું. વેપારી પર ઇન્સ્ટોલ કરેલા ક્યુઆર કોડ દ્વારા ચુકવણી કરી શકાય છે.
કોઈ વ્યાજ નહીં મળે :
રોકડની જેમ, ધારકને ડિજિટલ ચલણ પર કોઈ વ્યાજ નહીં મળે. તેનો ઉપયોગ બેંકોમાં થાપણ તરીકે કરી શકાય છે.
અનેક ફાયદો થશે:
બેંકોમાં નાણાં ટ્રાન્સફર કરવામાં સરળતા, ચલણ છાપવાનો ખર્ચ ઘટશે, ગેરકાયદે ચલણને રોકવામાં આવશે, સરળ ટેક્સ વસૂલાત, કાળું નાણું અને મની લોન્ડરિંગ પર અંકુશ આવશે.