કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ 55 સ્થળોએ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદથી એક વર્ષમાં માત્ર દેખાવ પૂરતી જ કરાઇ કામગીરી: દંડ પેટે રૂ.28100ની વસૂલાત
શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા 55 સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. કરોડો રૂપિયાનું આંધણ કરવા છતાં આ સીસીટીવી કેમેરાનો જોઇએ તેટલો ઉપયોગ કરવામાં આવતો નથી. સોલીડ વેસ્ટ શાખા દ્વારા છેલ્લા એક વર્ષમાં રાજમાર્ગો પર પાનની પિચકારી મારનાર 1103 આસામીઓને સીસીટીવી ઇ-મેમા ફટકારવામાં આવ્યા છે. જો કે, દંડ માત્ર 138 વ્યક્તિઓએ જ ભર્યો છે.
કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે એચ.જે.સ્ટીલ ચોક, આજી વસાહત, એચ.જે. સ્ટીલ વિસ્તાર, ગીરીરાજ પાર્ટી પ્લોટ ચોક, ગુંદાવાડી, પટેલ વાડી, રામનગર, આંબેડકર કોલોની, આનંદ બંગલા ચોક, અટિકા રેલવે ફાટક, બેડી ચોકડી, ભગવતીપરા, ભક્તિનગર સર્કલ, ભક્તિનગર સ્ટેશન ચોક, ભીલવાસ, ચુનારાવાડ ચોક, ક્રિસ્ટલ મોલ, દેવપરા, ઢેબર ચોક, રેલવે ક્રોસિંગ, ઇન્દિરા સર્કલ, જામટાવર ચોક, જિલ્લા ગાર્ડન ચોક, જ્યુબેલી ચોક, જ્યુબેલી માર્કેટ, જંક્શન પ્લોટ, રૂખડીયાપરા, કનૈયા ચોક, કાંતા વિકાસ ગૃહ ચોક, મક્કમ ચોક, કોટેચા ચોક, માલવિયા સર્કલ, મવડી ચોક, મોરબી રોડ જકાતનાકા, નાગરિક બેંક ચોક, નાનામવા સર્કલ, પારેવડી ચોક, પરસાણાનગર, પેડક રોડ, પુષ્કરધામ, રૈયા ચોકડી, પ્રદ્યુમન પાર્ક, ત્રિકોણ બાગ, ઉમિયા ચોક, નીલકંઠ સિનેમા પાસે, શ્રોફ રોડ અને ગોવિંદ બાગ પાસે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
ગત 1લી એપ્રિલથી 31 માર્ચ સુધીના એક વર્ષના સમયગાળામાં માત્ર 1103 આસામીઓને જાહેરમાં થૂંકવા ગંદકી કરવા સબબ ઇ-મેમા આપવામાં આવ્યા છે. જેની દંડની રકમ રૂ.235800 જેવી થવા પામી છે. પરંતુ માત્ર 138 લોકોએ જ દંડની રકમ પેટે માત્ર 28100 જમા કરાવ્યા છે. અધિકારીઓ એવું બહાનુ આપી રહ્યા છે કે કોઇ વ્યક્તિ સ્કૂટર પર હોય અને પાનની પીચકારી મારે તો વાહનની નંબર પ્લેટના આધારે તેના ઘરનું એડ્રેસ મેળવી ઇ-મેમા મોકલી શકાય. કોઇ વ્યક્તિ હાલતા-ચાલતા રોડ પર થૂંકે કે ગંદકી ફેલાવે તો તેને ક્યા આધારે પકડવો તે સૌથી મોટો પ્રશ્ર્ન રહેલો છે.જેના કારણે ઇ-મેમાની સંખ્યા માસિક 100એ પણ પહોંચતી નથી.