વધુમાં વધુ શ્રમિકોને ઇ- શ્રમ કાર્ડ કઢાવીને સરકારી યોજનાઓનો લાભ મેળવવા કલેકટર અરુણ મહેશબાબુની અપીલ
અબતક, રાજકોટ
જિલ્લા કલેકટર કચેરીના જન સેવા કેન્દ્રમાં ઇ શ્રમ કાર્ડ કાઢી આપવાની સેવા શરૂ કરવામાં આવી છે. વધુને વધુ શ્રમિકોને ઇ શ્રમ કાર્ડ કઢાવીને સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ અપીલ કરી છે.
દૈનિક વેતન ઉપર મજૂરીથી લઇ હેયર ડ્રેસર, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, રીક્ષા-થેલા ચાલકો જેવા મજૂરો અને વર્કર્સ માટે કેન્દ્રની મોદી સરકારે 26 ઓગસ્ટે ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કર્યું છે. આ કાર્ડના આધારે અસંગઠિત શ્રમયોગી કામદારો માટે સરકાર તરફથી ઘણી સુવિધાઓ આપવામાં આવશે.
આ યોજના હેઠળ કામદારો ઇ શ્રમ કાર્ડ બનાવી શકે છે બાદમાં તેના આધારે જરૂરી લાભો આપવામાં આવનાર છે. આ યોજના હેઠળ કરોડો કામદારોને નવી ઓળખ મળશે. ઇ-શ્રમ પોર્ટલ અસંગઠિત ક્ષેત્રના લગભગ 38 કરોડ મજૂરોને 12-અંકનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર અને ઇ-શ્રમ કાર્ડ આપશે. જે દેશભરમાં માન્ય રહેશે. ઇ-શ્રમ કાર્ડ દેશના કરોડો અસંગઠિત કામદારોને નવી ઓળખ આપશે. સ્થળાંતર કામદારોને ટ્રેક કરવામાં મદદ મળશે.
મજૂરોનો ડેટા અને માહિતી એકત્રિત કરવામાં આવશે. સરકાર વતી, દેશના તમામ કામદારોને ઓળખ કાર્ડ અને આધાર કાર્ડની તર્જ પર તેમના કામના આધારે કેટેગરીમાં વહેંચવામાં આવશે. આના માધ્યમથી તેમને સરકારી યોજનાઓનો લાભ મળશે તેમજ રોજગારીમાં મદદ મળશે. આ યોજનાનો વ્યાપ વધારવા કલેકટર અરુણ મહેશબાબુ સતત પ્રયત્નશીલ છે. તેઓના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરી ખાતે કાર્યરત જન સેવા કેન્દ્રમાં ઇ શ્રમ કાર્ડ કઢાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
કેવા લોકો કાર્ડ કઢાવવા માટેની પાત્રતા ?
આ કાર્ડ કઢાવવા માટે વ્યક્તિની ઉંમર 16થી 60 વર્ષ જરૂરી છે. શ્રમિક આવકવેરો ચૂકવતા ન હોવા જોઈએ. શ્રમિકો પી.એફ., ઇએસઆઈસી હેઠળ આવતા ન હોવા જોઈએ.
ઇ- શ્રમ કાર્ડથી મળવા પાત્ર લાભો
ઇ શ્રમ કાર્ડ આખા ભારત દેશમાં માન્ય રાખવામાં આવશે. અકસ્માતથી મૃત્યુ થાય તો 2 લાખ રૂપિયા મળવા પાત્ર છે. આંશિક અપંગતાના કિસ્સામાં એક વર્ષ માટે રૂ. 1 લાખ મળવાપાત્ર છે. મહામારીના સમય દરમિયાન કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા મદદ મળવામાં સરળતા રહેશે.
ઇ-શ્રમ કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટ
ઇ શ્રમ કાર્ડ કઢાવવા માટે વ્યક્તિએ જન સેવા કેન્દ્ર ખાતે આધાર કાર્ડ અને બેન્ક પાસબુક લાવવાની રહેશે. આ સાથે આધાર કાર્ડ સાથે જોડાણ થયેલ મોબાઈલ પણ સાથે રાખવો.
ઇ- શ્રમ કાર્ડ કોણ કઢાવી શકે?
ખેત શ્રમિકો, પશુ પાલન, આરોગ્ય સેવા, આશા વર્કર, આંગણવાડી વર્કર, મધ્યાહન ભોજન કામદાર, સફાઈ કામદાર, રમકડા બનાવનાર, વેલ્ડીંગ કામ કરનાર, બુટ પોલીસ કરનાર, હેર ડ્રેસિંગ, લોન્ડ્રિ કામ, માટી કામ, ઘરેલુ કામ, નાના ઉદ્યોગો, સુરક્ષા સેવા, રીક્ષા/ વાહન ચાલક, દરજી કામ, બાંધકામ કામદારો, ફેરિયા/ શાકભાજી વેચનાર, લારી- ગલ્લા જેવા તમામ વ્યવસાયો સાથે જોડાયેલ વ્યક્તિ ઇ શ્રમ કાર્ડ કઢાવી શકે છે.