ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ હાલ વિવિધ પક્ષો દ્વારા ઉમેદવારો પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ભાજપમાં રાજકોટ શહેરમાં પશ્વિમ વિધાનસભા બેઠક માટે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. ત્યારે આજે આ અંગે ભાજપનાં દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાના અંગત મદદનીશ તેજશ ભટ્ટી એ દાવેદારી નોંધાવી છે.
વજુભાઈએ આજરોજ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટમાં ઓબીસીની કોઈ બેઠક નથી. આ બેઠક માટે દાવેદારી નોંધાવનાર તેજસ ભટ્ટી મારો પીએ નહીં પણ ભાજપ કાર્યકર હોવાથી તેણે દાવેદારી નોંધાવી છે. વિજયભાઈ રૂપાણીને આ બેઠક પરથી ટીકીટ મળશે તો પણ તમામ કાર્યકરો તેને જીતાડવા તનતોડ મહેનત કરશે. આ બેઠક ઉપર ઉમેદવાર કોઈપણ હોય ભાજપની જીત નિશ્ચિત હોવાનો દાવો કર્યો છે.
મોરબી દુર્ઘટના વિશે વજુભાઈનું નિવેદન:
મોરબી દુર્ઘટના વિશે વાત કરતા વજુ ભાઈવાળાએ જણાવ્યું હતી કે મોરબી દુર્ઘટના માટે રાજ્ય સરકાર જવાબદાર નથી. વધુમાં ઉમેરતા તેમણે જણાવ્યું હતું કે નગરપાલિકાએ પોતાની રીતે કોન્ટ્રાકટ આપ્યો હતો. અને આ માટે કંપની સક્ષમ છે કે નહીં તેની તપાસ વિના આ કોન્ટ્રાકટ અપાયો હોવાને લઈ આ દુર્ઘટના બની હોવાથી તેમાં રાજ્ય સરકારનો કોઈ દોષ નથી. અને જવાબદારો સામે પગલાં લેવાની સરકાર દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ દુર્ઘટનાની આગામી ચૂંટણી પર કોઈપણ અસર થવાની શક્યતા નથી
ભાજપમાં આંતરિક વિવાદ હોવાની વાતનું વજુભાઈએ કર્યું ખંડન
મીડિયા સાથેની વાતચીતમાં ભાજપના આંતરિક વિવાદની વાતને વજુભાઈએ નકારી હતી. તેમણે કહ્યું હતું કે પાર્ટીમાં દરેક લોકો પોતાની રજૂઆત કરતા હોય છે, સાથે સાથે પોતાની જીતની આશાને કારણે દાવેદારી પણ નોંધાવતા હોય એ સ્વાભાવિક છે. બાકી પાર્ટીમાં 000000.1% પણ આંતરિક વિવાદ હોવાની વાતો પાયાવિહોણી છે.
એકાદ કાર્યકર ભૂલ કરે તો તેને ભાજપે ભૂલ કરી તેમ કહેવું યોગ્ય
પાર્ટીમાં દરેક લોકો પોતાની રજૂઆત કરતા હોય છે, ક્યારેક કોઈ આગેવાન કે કાર્યકર નિયમોનો ભંગ કરીને નિવેદન આપે તો તેની સામે કડક પગલા લેવાતા જ હોય છે પરંતુ એકાદ કાર્યકર ભૂલ કરે તો તેને ભાજપ પક્ષે ભૂલ કરી એમ કહેવું યોગ્ય નથી. ભાજપ શિસ્તબદ્ધ પક્ષ છે, છેલ્લે હાઈકમાન્ડ જેને ટિકિટ આપશે તેની જીત માટે તમામ કાર્યકરો કામ કરશે એ નિશ્ચિત છે.
ભાજપ ગુરૂવારે રાત્રે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરે તેવી સંભાવના
ભાજપ દ્વારા આગામી ગુરૂવારે રાત્રે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના હાલ જણાય રહી છે. સલામત મનાતી અને જ્યાં ઉમેદવારોના નામની જાહેર કરાયા બાદ વિરોધ થવાની દુર-દુર સુધી કોઇ જ સંભાવના નથી તેવી બેઠકો માટે ઉમેદવારો પ્રથમ યાદીમાં જાહેર કરી દેવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દિલ્હી પહોંચી ગયા છે. ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને આજે ઔપચારિક બેઠક મળશે ત્યાર બાદ કાલથી બે દિવસ સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે.