રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે ચોખવટ કરી
નવાગ્રાહક સુરક્ષા ધારા-૨૦૧૯ની જોગવાઇઓમાંથી ઇ-કોમર્સને બાકાત રાખવામાં આવેલ છે અને લાગુ કરવામાં આવેલ નથી જેથી ગ્રાહકો ગેર માર્ગે દોરાય નહી તેમ રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના અગ્રણી રમાબેન માવાણી તથા રામજીભાઇ માવાણીએ જણાવ્યું કે ગ્રાહક સુરક્ષા ધારા ૨૦૧૯ માં ઇ-કોમર્સ સંબંધે કલમ-૯૪માં ગ્રાહકોની સુરક્ષા સંબંધની જોગવાઇનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કલમ-૯૪ ની આ જોગવાઇઓને ઘ્યાનમાં લઇને ઇલેકટ્રોનિક-પ્રિન્ટ મીડીયામાં ગ્રાહકોને ઇ-કોમર્સથી બચવા સંબંધે માહીતી આપવામાં આવે છે પરંતુ ઇ-કોમર્સ સંબંધેની કલમ-૯૪ ની જોગવાઇઓ અમલમાં મુકવામાં આવી નથી. આ જાહેરાતો શુઘ્ધ બુઘ્ધથી નિદોષ ભુલ સમાન છે અને ગ્રાહકો ગેરમાર્ગે દોરવાય છે.
વાસ્તવિકતામાં ગ્રાહક સુરક્ષા ધારા ૨૦૧૯માં દર્શાવેલ બધા જ પ્રબંધો તા. ર૦ જુલાઇ ૨૦૨૦થી અમલમાં લાગુ કરવામાં આવેલ નથી. અનેક પ્રબંધોને અમલીકરણમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. આ સંબંધે કેન્દ્ર સરકારના ગ્રાહકોની બાબતો, ખોરાક અને જાહેર વિતરણ વિભાગ દ્વારા ગત તા. ૧૫/૭/૨૦ ના નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું હતું.
પ્રસિઘ્ધ થયેલ ગેઝેટમાં નવા ગ્રાહક સુરક્ષા ધારાની અમલમાં આવતી અને અમલમાં ન આવતી જોગવાઇઓ સંબંધે સંપૂર્ણ માહીતી આપવામાં આવી છે. આ ગેઝેટમાં સ્પષ્ટ રીતે પ્રસિઘ્ધ કરવામાં આવેલ છે કે કલમ-૯૪ નો બાકાત રાખવામાં આવેલ છે. પ્રસિઘ્ધ થયેલ ગેઝેટને ઘ્યાનમાં લીધા સિવાય ગ્રાહક સુરક્ષા ધારામાં ઉલ્લેખ થયેલ કલમ-૯૪ ઇ-કોમર્સ લાગુ પડેલ હોવાની જાહેરાત થાય છે. આમ જનતા ગેરમાર્ગે દોરવાય નહીં ખોટી જાહેરાતો પ્રચાર દ્વારા ગ્રાહકોને પરેશાની થાય નહી તેવા શુઘ્ધ હેતુથી નિર્દોષ ભાવે કોઇપણ જાતના રાગદ્રેષ કે પૂર્વગ્રહ વગર આ ખુલાસો અમે કરી રહ્યા છે તેમ માવાણી દંપતિએ જણાવ્યું હતું.