બે કંપનીઓ દ્વારા સતત બે દિવસ ઈ-બસ ચલાવવામાં આવશે: જોકે શહેરીજનો મુસાફરી નહીં કરી શકે
સ્માર્ટ સિટી તરીકે પસંદગી પામેલા રાજકોટ શહેરમાં પ્રદુષણનું પ્રમાણ ઘટાડવા માટે કોર્પોરેશન દ્વારા શહેરના બીઆરટીએસ અને સિટી બસ રૂટ પર ઈલેકટ્રોનિક બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલથી સતત બે દિવસ સુધી બે કંપનીઓ દ્વારા બીઆરટીએસ અને આરએમટીએસ પર ઈ-બસનું ટેકનિકલ ટ્રાયલ લેવામાં આવશે. જોકે શહેરીજનો ઈ-બસમાં મુસાફરીનો લાભ લઈ શકશે નહીં.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજકોટમાં ૩ કંપનીઓએ ઈ-બસ ચલાવવા માટે રસ દાખવ્યો છે. જેમાં જેબીએમ ઓટો અને એવરી ટ્રાન્સની એક-એક સહિત બે બસ ગઈકાલે રાજકોટ આવી પહોંચી હતી. આવતીકાલે સવારે ૬ વાગ્યાથી ઈ-બસનું ટેકનિકલ ટ્રાયલ શરૂ કરવામાં આવશે જે બે દિવસ સુધી ચાલશે.
બંને કંપનીઓ દ્વારા બીઆરટીએસ અને આરએમટીએસ પર ઈ-બસ ચલાવવામાં આવશે. એક વખત આ બસ ચાર્જ કર્યા બાદ ૨૨૦ કિલોમીટર સુધી ચાલી શકશે. ન્યારી ફિલ્ટર પ્લાન્ટ ખાતે ચાર્જીંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. અન્ય એક કંપની ટાટા એજન્સી દ્વારા પણ રાજકોટમાં ઈ-બસ ચલાવવા માટે રસ દાખવ્યો છે જોકે તેઓ ચાલુ માસમાં આગામી દિવસોમાં ટ્રાયલ આપશે.