વિપ્ર યુવકના મોતના જવાબદાર પોલીસ અધિકારીઓ સામે અપહરણ અને હત્યાનો ગુનો નોંધવા બ્રહ્મસમાજ આગેવાનોની માંગ
સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટાફ ખાનગી વાહનમાં બાવળાથી કશ્યપ રાવલને ઉપાડી પોલીસ મથકમાં બેરહેમીથી માર માર્યો?
સુરેન્દ્રનગર કાર લે-વેચના ધંધાર્થીને અરજીના આધારે અટકાયત કરી ઢોર માર મારી મોતને ઘાટ ઉતાર્યાના આક્ષેપ
વિપ્ર યુવક પાસેથી મોટી રકમની ઉઘરાણી પતાવવાનો પોલીસે હવાલો લીધાના આક્ષેપ
સુરેન્દ્રનગરના એમ.પી.શાહ કોમર્શ કોલેજ સામે રહેતા અને કાર લે-વેચનો વ્યવસાય કરતા વિપ્ર યુવાનને અરજીની તપાસ અર્થે બી ડિવિઝન પોલીસ મથકે લવાયા બાદ બેરહેમીથી માર મારવાના કારણે મોત નીપજ્યાના આક્ષેપ સાથે સમગ્ર રાજયના બ્રહ્મ સમાજ આગેવાનો રોષે ભરાયા છે. રાજકોટ હોસ્પિટલ અને સુરેન્દ્રનગર પોલીસ મથકે એકઠા થયેલા બ્રહ્મણ આગેવાનોએ સુરેન્દ્રનગરના જવાબદાર પોલીસ અધિકારીઓ સામે અપહરણ અને હત્યાનો ગુનો નોંધવાની માગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.
સુરેન્દ્રનરના ત્રંબેકેશ્ર્વરનગરમાં રહેતા કશ્યપ હિમાન્શુભાઇ રાવલ નામના ૩૮ વર્ષના વિપ્ર યુવાનું સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ગઇકાલે બેભાન હાલતમાં ગાંધી હોસ્પિટલ સારવાર માટે લઇ જતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ મોતની વિગતો જાણી ગાંધી હોસ્પિટલના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
બપોરે બાર સાડા બાર વાગે કશ્યપ રાવલનું મોત થયું હોવા છતાં બપોરના ત્રણ વાગ્યા સુધી તેના પરિવારને પોલીસે જાણ કરી ન હતી અને બપોર બાદ કશ્યપ રાવલના મોતની જાણ કરતા સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે બ્રાહ્મણ સમાજના ટોળે ટોળા એકઠા થઇ જતાં પોલીસ સ્ટાફ કશ્યપ રાવલનો મૃતદેહ લઇને રાજકોટ ફોરેન્સિક નિષ્ણાંત પાસે પોસ્ટમોર્ટમ કરાવવા મોકલી દીધો હતો.
મૃતકના પરિવારજનો અને બ્રહ્મસમાજના આગેવાનો સુરેન્દ્રનગર પોલીસ મથકે ઘસી ગયા હતા અને પોલીસના મારના કારણે મોત નીપજ્યાના આક્ષેપ કર્યા હતી. કશ્યપ રાવલ કાર લે-વેચનું કામ કરતો હોવાથી તેને અમદાવાદના ત્રિવેદી નામની વ્યક્તિ પાસેથી પાંચેક જેટલી લકઝરીયસ કારની ખરીદી કરી તેનું પેમેન્ટ ન કરી બારોબાર વેચી નાખી ઠગાઇ કર્યા અંગેની પોલીસમાં અરજી આપતા કશ્યપ રાવલ વિરૂધ્ધની અરજીની તપાસ ડીવાય.એસ.પી. વાળંદના માર્ગ દર્શન હેઠળ પી.એસ.આઇ. ડોડીયાએ તપાસ સંભાળી હતી.
પી.એસ.આઇ. ડોડીયાનો આ અંગે સંપર્ક કરતા તેઓએ ચારેક માસ પહેલાં અરજી મળી હોવાનું અને તેનો વારંવાર સંપર્ક કરવા છતાં પોલીસ મથકે ન આવતા તેની બાવળા ખાતેથી અરજી અંગે પૂછપરછ માટે અટકાય કરી હોવાનું જણાવ્યું હતું.
કશ્યપ રાવલ ગઇકાલે બાવળા ખાતે હોવાની પોલીસે મોબાઇલ લોકેશન મેળવી ખાનગી કારમાં ચાર પોલીસ સ્ટાફે અટકાયત કરી તા.૮ મેના રોજ પોલીસ મથકે લાવવામાં આવ્યો ત્યારે કશ્યપ રાવલે તેના પિતા હિમાન્શુભાઇ રાવલનો સંપર્ક કરી સાંજે ઘરે આવી જવાનું જણાવ્યું હતું. ત્યાં સુધી કશ્યપ રાવલ એકદમ સ્વસ્થ હતો અને બપોરે તેને પોલીસ મથકે ઉલ્ટી થતા સારવાર માટે ગાંધી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જયાં તેનું મોત નીપજયું હોવા છતાં તા.૯મીએ બપોરે ત્રણ વાગે કશ્યપ રાવલનું મોત નીપજ્યાનું તેના પિતા હિમાન્શુભાઇ રાવલને જાણ કરવામાં આવી હતી.
સામાન્ય અરજીની તપાસ માટે સુરેન્દ્રનગર ડીવાય.એસ.પી. વાળદને કેમ વધુ રસ હતો અને અરજીની તપાસ સામાન્ય રીતે હેડ કોન્સ્ટેબલ દ્વારા જ કરવામાં આવતી હોય છે તેમ છતાં પી.એસ.આઇ. ડોડીયાને શા માટે સોપવામાં આવી તે અંગે પોલીસ સ્ટાફ દ્વારા કોઇ સંતોષકારક જવાબ રજુ કરવામાં આવ્યો ન હતો. તેમજ ‘અબતક’ દ્વારા ડીવાય.એસ.પી. વાળંદનો સંપર્ક કરવામાં આવતા તેઓએ સવારે પૂજા કરતા હોવાનું જણાવ્યું હતું. જ્યારે પી.એસ.આઇ. ડોડીયાએ કશ્યપ રાવલ સામે ચારેક માસ પહેલાં આર્થિક બાબતની અરજીની તપાસ પોતે સંભાળી હોવાનું જણાવી તેની પૂછપરછ માટે અટકાયત કયાનું કહ્યું હતું.
પી.એસ.આઇ. ડોડીયાએ કશ્યપ રાવલ સામે ગુનો કેમ ન નોંધ્યો અને ગુનો ન નોંધાયો હોવા છતાં તેનું મોબાઇલ લોકેશન કાઢવી ખાનગી કારમાં અટક કરી હોવાથી જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કશ્યપ રાવલના મોત અંગે કસ્ટોડીયલ ડેથ નહી પણ પોલીસ દ્વારા અપહરણ કરી હત્યા કર્યા અંગેનો ગુનો નોંધવા બ્રહ્મ સમાજ દ્વારા માગણી કરવામાં આવી હોવાનું બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન દિપેનભાઇ દવેએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
કશ્યપ રાવલનું પોલીસ મારના કારણે મોત નીપજ્યાની ઘટનાની વાયુવેગે પસરી જતા સુરેન્દ્રનગર પોલીસ મથકે અને રાજકોટ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં બ્રાહ્મણ આગેવાનો એકઠા થયા હતા અને સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર પાઠવી ગુનો નોંધવાની માગણી કરનાર છે.
સુરેન્દ્રનગર ડીવાય.એસ.પી. વાળંદનો એલઆઇબીનો એક કોન્સ્ટેબલ તમામ વહીવટ સંભાળતો હોવાનું અને મોટી રકમનો ‘તોડ’ કરવા માટે કેટલાયે નિદોર્ષને ખોટી રીતે હેરાન કર્યાનું બ્રહ્મ સમાજના આગેવાનોએ આક્ષેપ કરી સુરેન્દ્રનગરના વિજયભાઇ કરપડા નામના કાઠી યુવાને ડીવાય.એસ.પી.વાળંદના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યાનું જણાવ્યું છે.મૃતક કશ્યપ રાવલના પિતા હિમાન્શુભાઇ રાવલ સેન્ટ્રલ એકસાઇઝના નિવૃત કર્મચારી હોવાનું અને તેના એકના એક પુત્રના મોતથી શોક મગ્ન બની ગયા છે. મૃતક કશ્યપભાઇ રાવલ પરિણીત હોવાનું અને તેને સાડા ત્રણ વર્ષનો એક પુત્ર હોવાનું જાણવા મળે છે.
બહારથી ફોરેન્સીક પીએમ માટે આવતી બોડીનો જવાબદાર કોણ ? તબીબ કે એફએસએલ અધિકારી
રાજકોટ મેડિકલ કોલેજ ખાતે સાંજના કે રાત્રીના સમયે જો કોઈ બોડી પેનલ ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે આવે તે દરમિયાન કોઈ પોલીસ તબીબને ઈન્કવેસ આપવા માટે જાય છે ત્યારે હાજર એમબીબીએસ કે એફએસએલ અધિકારી દ્વારા બોડી સ્વીકાર કરવામાં આવતી નથી. બોડી સીધી પોર્સ્ટમોર્ટમ રૂમમાં મુકાવી ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે સુર્યોદયથી સુર્યાસ્તનો સમય હોય ત્યારે જ તબીબો કે એફએસએલ અધિકારી દ્વારા ઈન્કવેસ સ્વીકારી પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે.
આરડીબીમાં આવેલી બોડી સીધી પીએમ રૂમ પર મુકવામાં આવે છે અને પોસ્ટમોર્ટમ માટે સમય મૌલિક રીતે સમય ફાળવવામાં આવે છે પરંતુ બોડી પીએમ રૂમ પર કયારે આવી જેની કોઈ નોંધ કરવામાં આવતી નથી. દરમિયાન જો કોઈ બોડી રાતના સમયે ફોરેન્સીક પીએમ માટે આવે અને ઓનેઓન કોઈ આધાર પુરાવા વગર પીએમ રૂમમાં રાખ્યા બાદ કોઈ બોડી બહારથી લઈ જાય તો તેના માટે જવાબદાર કોણ ?
ડીવાય.એસ.પી.વાણંદના ત્રાસથી યુવાને ઝેર પીધું’તું
સુરેન્દ્રનગરના ડીવાય.એસ.પી. વાળંદના માર્ગ દર્શન હેઠળ પી.એસ.આઇ. ડીડીયાએ થર્ડ ડીગ્રીથી કરેલી પૂછપરછના કારણે નિદોર્ષ બ્રાહ્મણ યુવાનના થયેલા મોતની ઘટનાથી રોષે ભરાયેલા બ્રહ્મસમાજના આગેવાનોએ તાજેતરમાં જ ડીવાય.એસ.એસ.પી. વાળંદના ત્રાસથી કંટાળી સુરેન્દ્રનગરના વિજય અનકભાઇ કરપડા નામના કાઠી યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યાનું જણાવ્યું હતું.