- ભાજપનો ગઢ અકબંધ : નેતા-નીતિ નેટવર્ક અભાવ કોંગ્રેસને નડ્યો
- અઘરી ગણાતી રાજકોટ-68 બેઠક પર પણ ઉદયભાઈએ કમાલ કરી
વિધાનસભાની ચૂંટણીના આવેલા પરિણામોમાં ગુજરાતમાં ભાજપનો મહત્વનો અભૂતપૂર્વ જયજયકાર થયો છે. ભાજપે પ્રચંડ વિજય પ્રાપ્ત કર્યો છે. સૌરાષ્ટ્રે પણ મોદીજીને જબ્બર સમર્થન આપ્યું છે. સૌરાષ્ટ્રની રાજધાની રાજકોટને રંગીલું શહેર કહેવામાં આવે છે.ભાજપ તરફી આવેલા પરિણામોના કારણે રાજકોટ કેસરિયા રંગે રંગાઈ ગયું છે ચારે-ચાર બેઠકો જીતીને ભાજપે સપાટો બોલાવી દીધો હતો.
રાજકોટ ભાજપનો ગઢ ગણાય છે. આ ગઢ જળવાઈ રહ્યો છે. આ ચૂટણીમાં વડીલોને ટીકીટ અપાઈ ન હતી. 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન હતું, થોડા વિપરીત મુદ્દાઓ પણ હતા, અને ત્રિપાંખીયો જંગ હતો. આવા તમામ કારણોસર પરિણામો અંગે થોડી આશંકા હતી, પરંતુ મોદીજીના પ્રભાવી ઘોડાપૂરમાં તમામ પડકારો તણાઈ ગયા અને રાજકોટમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો.
રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપના ડો. દર્શિતાબેન શાહનો એક લાખથી પણ વધારે મતોથી વિજય થયો છે. રાજકોટ દક્ષિણ બેઠક પરથી રમેશભાઈ ટીલાણા 78000થી વધારે મતથી વિજય થયો છે. રાજકોટ ગ્રામીણ બેઠક પરથી ભાનુબેનને 48000 થી વધારે મતે જીત્યા છે. આ ત્રણેય બેઠકો પર જીતની આશંકા ન હતી પરંતુ રાજકોટ પૂર્વ બેઠક પર જુદા પ્રકારના પડકારો હતા. અહી ભાજપ જ ભાજપ સામે હોય તેવો અંતરીક માહોલ હતો. જોકે ભાજપના તાકાતવર ઉમેદવાર ઉદય કાનગડે 28000 થી વધારે મતથી સન્માન જનક વિજય પ્રાપ્ત કરીને ડંકો વગાડ્યો છે.આ સામે મુખ્ય હરિફ કોંગ્રેસ વિશેષ કઈ ઉકાળી શકી નહિ.
નેતા-મુદ્દા-રણનીતિ વગેરેના અભાવના કારણે કોંગ્રેસ સાવ ડલ રહી હતી. ’આપ’માં આંટો મારીને આવેલા નેતાને રાતોરાત ટીકીટ આપીને કોંગ્રેસે નિષ્ઠાવાન કોંગી નેતાઓની નારાજગી વહોરી હતી. રાજકોટમાં કોંગ્રેસના દરેક જૂથો એક હોવાનો દેખાવ થયો પરંતુ અંદરખાને બધું બરાબર ન હતું. આ ઉપરાંત કાર્યકરોની ફોજનો અભાવ પણ કોંગ્રેસને નડી ગયો છે. લાગે છે કે, સ્થાનિક સ્તરથી માંડીને પ્રદેશ સુધી લોકોને કોંગ્રેસ પ્રત્યે આશા રહિ નથી, આ કારણે ધારાસભામાં પક્ષને વિપક્ષ પદ માટે પણ લોકોએ લાયક ગણ્યા નથી.
રાજકોટમાં ’આપ’ ગાજ્યું ઘણું,પણ વિશેષ કોઈ પ્રભાવ જોવા નથી મળ્યો. એકાદ બેઠક પર કોંગ્રેસને ’આપ’ નિર્ણાયક રૂપે નડી છે. ત્રિપાંખીયા જંગમાં રાજકોટ કેસરીયું થઇ ગયું છે. જીતનારા ઉમેદવારોને સમર્થકો અભિનંદન આપી રહ્યા છે. લોકકાર્યો કરીને વધારેમાં વધારે લોકકાર્યો કરીને વધારેમાં વધારે લોકપ્રિય બને તેવી શુભેચ્છાઓ સમર્થકો આપી રહ્યા છે.