રાજ્યભરમાં વેક્સિનેશનની કામગીરી પુર વેગમાં ચાલી રહી છે ત્યારે વેપારીઓને 31 જુલાઈ સુધીમાં રસી લેવા માટે તાકીદ કરવામાં આવી હતી. જો કે બીજીબાજુ સરકારે બુધવારે અને રવિવારે વેક્સિન સેન્ટર બંધ કરવાનો પણ આદેશ આપ્યો હતો. જો કે હવે વેપારીઓને આ 10 દિવસમાં વેક્સિન લેવાની હોય જેથી કરી રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદ સંબોધીને જણાવ્યું હતું કે, વેપારીઓ, એસટી બસના ડ્રાઈવર ક્ધડકટર અને અન્ય સંસ્થા ધરાવતા વ્યક્તિ માટે આ રવિવારે રાજ્યના 1800 સેન્ટરો પર વેક્સિનેશનની કામગીરી ચાલુ રાખવામાં આવશે.
જેથી કરીને સમગ્ર વેપારીઓ પોતાનો વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવી લે.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલ પરનો ટેકસ ગુજરાત રાજ્યમાં સૌથી ઓછો છે. જો કોઈ અન્ય રાજ્ય પેટ્રોલ-ડીઝલનો ટેકસ હજુ પણ ઓછો કરશે તો ગુજરાત સરકાર પણ વિચારણા કરશે. આ ઉપરાંત કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અંગે સરકાર હાલ ગંભીર વિચારણા કરી રહી છે.
તેમજ ત્રીજી વેવમાં જો વધારે કેસો આવે તો રાજ્ય સરકાર તે માટે પણ સજ્જ છે. હાલ જે રીતે કેસો આવી રહ્યાં છે તે ભૂતકાળ કરતા ખુબજ ઓછા છે પરંતુ અન્ય રાજ્યોની સાપેક્ષે આ કેસો વધારે છે. જો કે હવે ત્રીજી વેવ આવશે તો પણ રાજ્ય સરકાર દ્વારા ઓક્સિજન, બેડ અને દવાનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. જેથી કોરોનાની ત્રીજી લહેરની પણ કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 3 થી 4 દિવસમાં રાજ્ય સરકારનું સંપૂર્ણ ફોકસ વેક્સિન પર જ રહ્યું છે. વધુને વધુ લોકો વેક્સિન લગાવે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી તો રાજ્યમાં 4 લાખથી વધુ લોકો દૈનિક વેક્સિન લગાવી રહ્યાં છે ત્યારે હવે દરરોજ રાજ્યમાં 5 લાખ લોકો વેક્સિન લે તેવું સરકારનું આજથી જ આયોજન કરવામાં આવ્યું છે અને આ માટે સરકાર પાસે હાલ 15 લાખ કરતા પણ વધુ ડોઝ ઉપલબ્ધ છે.