અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘સેલિબ્રેટિંગ ઇન્ડિયા 75 આઝાદીકા અમૃત મહોત્સવ’નો પ્રારંભ થયો છે. જેના ઉપલક્ષ્યમાં રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ‘સેલિબ્રેટિંગ ઇન્ડિયા 75 આઝાદીકા અમૃત મહોત્સવ’ કાર્યક્રમનું મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાનાં ભૂલકાઓ અને સ્કૂલના છાત્રો દ્વારા દેશભક્તિ ગીતો, ગાંધીજીના પ્રિય ભજનો, પ્રાર્થના, ગાંધીજીના જીવન આધારિત એ મારા ગાંધી વાલીડા તને જાજી ખમ્મા ગરબો વગેરેની રજૂઆત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિવિધ કોલેજ અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના એન. એસ. એસ. ના 100 જેટલા છાત્રો દ્વારા સવિનયકાનૂન ભંગની દાંડીકુચની યાદગીરી રૂપે ફ્લેગમાર્ચ પણ રજૂ કરવામાં આવી હતી. વિધાર્થીઓની આ કળાથી નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ પણ ગદગદિત થઈ ઉઠ્યા હતા અને ખિસ્સામાંથી પોતાનો મોબાઈલ કાઢી શૂટિંગ કરવા મંડ્યા હતા.
મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં નિતિન પટેલે ઉત્સાહિત થઈ કાર્યક્રમની પળો મોબાઈલમા કેદ કરી હતી. અને પોતાના ફોનમાં દ્રશ્યો કેદ કરતાં નજરે ચડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આજરોજ 1930માં દાંડી યાત્રા રાસ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ યોજી સવિનય કાનૂન ભંગની લડત આપી હતી. જેના અનુસંધાને આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી આજથી શરૂ કરવામાં આવી છે. દેશભરમાં “આઝાદીકા અમૃત મહોત્સવ”નો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યો છે.