દ્વારકાના યુવા સામાજીક કાર્યકર તરીકે આગવી ઓળખ ધરાવતા ધવલભાઇ દાવડા દ્વારા ગઇકાલે ગુરુપુનમના શુભ દિવસથી દ્વારકા વિસ્તારના જરુરીયાત મંદ તથા નિરાધાર લોકો માટે નિ:શુલ્ક જલસેવાનો શુભારંભ કર્યો હતો. ગઇકાલે સવારે દ્વારકાના જાણીતા ભાગવતાચાર્ય બકુલભાઇ સાતા દ્વારા વિધિવત પુજન અર્ચન કરાવ્યા બાદ ધવલભાઇ દ્વારા આ મોબાઇલ નિ:શુલ્ક જલસેવાનો આરંભ કર્યો હતો. મોબાઇલ વાનમાં શહેરમાં યાત્રીકોની ભીડભાડવાળા તેમજ જરુરીયાતમંદ વિસ્તારોમાં આ નિ:શુલ્ક જલસેવા આપવામાં આવી રહી છે. જયારે રાત્રીના સમયે સાધુ-સંતો તેમજ નિરાધાર લોકો માટે પાણી ભરેલી બોટલનું વિતરણ પણ શરુ કરાયું છે.
તેમની આ અનોખી સેવા અંગે ધવલભાઇને પૂછતાં તેમણે જણાવેલ કે તેમને બાળપણથી જ સામાજીક કાર્યો કરવાની પ્રેરણા હોય તેમની લાંબા સમયની ઇચ્છા પૂર્ણ કરતા તેમણે આ મોબાઇલ નિ:શુલ્ક જલસેવાની શરુઆત કરી છે. વધુમાં તેમણે જણાવેલ કે સેવા માટે દાન નહી પણ શ્રઘ્ધાની જરુર હોય છે.અને તેમના દ્વારા આ નિ:શુલ્ક જલસેવા અંગે કોઇની પાસેથી કોઇપણ પ્રકારનું દાન લેવામાં આવતું નથી.