કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ પીપીપી યોજનાથી પ્રવાસન સ્થળ વિકસાવવા નકકી કર્યું હતું પરંતુ પર્યાવરણની બાબત જોતા હવે સરકાર જ વિકાસ યોજના બનાવશે.
કેન્દ્ર સરકાર દ્વારા દ્વારકા, માંડવી સહિત દેશની ૭૮ દિવાદાંડીઓને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી દરિયાકાંઠાના પ્રવાસનને વેગ આપવા માંગતી હોવાનું જાહેર કરી પ્રથમ તબકકામાં ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં સાત દિવાદાંડી સ્થળોને રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા આશા વ્યકત કરી હતી.
શિપીંગ મંત્રાલય અને દરિયાઈ ધોરી માર્ગ વિભાગનાં મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા દરિયાકાંઠાના પ્રવાસનને વિકસાવવાની યોજના અંતર્ગત ૭૮ દિવાદાંડીઓને રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા નકકી કર્યું છે. જેમાં દ્વારકા અને માંડવીની દિવાદાંડીનો સમાવેશ થાય છે.
વધુમાં આ યોજના અંતર્ગત કેરલના એલ્લપી, સાઉથના રામેશ્ર્વરમ, પોટેબ્લેટ, દ્વારકા, માંડવી, ક્ધયાકુમારી, કન્નોજી, બ્રહ્મદીપ સહિતના સ્થળોનો સમાવેશ કરાયો છે. દિવાદાંડીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની યોજના અંતર્ગત આ વિસ્તારમાં હોટલ, વોટર સ્પોર્ટસ, સ્પીડલોટ, આયુર્વેદિક સેન્ટર અને ક્રુઝનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે સરકારે અગાઉ દિવાદાંડીઓને પ્રવાસન સ્થળ તરીકે પીપીપી ધોરણે વિકસાવવા નકકી કર્યું હતું પરંતુ પર્યાવરણીય બાબતોની ગંભીરતા જોતા સરકાર હવે જાતે જ આવા પ્રવાસન સ્થળ વિકસાવવા નકકી કર્યું હોવાનું સતાવાર રીતે જાહેર કર્યું છે.
દરમિયાન શિપિંગ મંત્રી નિતીન ગડકરીએ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં ૭૮ પૈકી ૭ દિવાદાંડીઓને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવનાર હોવાનું અંતમાં જણાવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com