મહેન્દ્ર કક્કડ – અબતક દ્વારકા :
ગુજરાતનું પ્રસીધ્ધ યાત્રાધામ કૃષ્ણનગર દ્વારકામાં આશરે સાડા પાંચ હજાર વર્ષ પ્રાચીન કૃષ્ણકાળમાં રમાયેલા અલૌકિક રાસના ભવ્ય ભૂતકાળનું પુનરાવર્તન થઇ રહ્યું છે. આજે સવારે 5:00 વાગે બ્રહ્મમુહૂર્તમાં નંદગામ પરિસર ખાતે 37,000 આહિરાણીઓ ગ્રાઉન્ડમાં પહોંચી હતી. આહીરાણીએ પારંપરિક પહેરવેશ અને માથે નવલખી ચુંદડી અને ગળામાં સોનાના ઘરેણાં પહેરી 37 હજારથી વધુ આહીરાણીઓ માયાભાઈ આહીર, અનિરુદ્ધ આહિર, સભી બેન આહીર, મેક્સ આહીર, ભાવેશ આહીરની તાલે પારંપરિક રાસ રમ્યો હતો. ગ્રાઉન્ડની વચ્ચે ધર્મ ધજા અને તિરંગો ફરકાવવામાં આવ્યો છે. સવારે 8 વાગ્યે રાસની શરૂઆત થઈ જે સતત દોઢ કલાક સુધી ચાલ્યો હતો. 2 લાખથી વધુ લોકો આ અલૌકિક નજારો જોવા ઉમટ્યાં છે.
ગઈકાલે દ્વારકાધીશ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નંદ ધામ ખાતે થી નીકળી હતી. ત્યારબાદ ધ્વજરોહણ કરવામાં આવ્યું હતું.સાથે જ મહિલાઓ માટે બિઝનેસ એક્સપોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ બિઝનેસ એક્સપો માં મહિલાઓને વધુ તક મળે અને મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ચીજવસ્તુઓનું વેચાણ સીધું જ વેચાણ કરી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું.આ મહારાસમાં સમુહ ભોજન અને ભજન નું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આહીરાણી મહારાસના આ ઐતિહાસિક આયોજનમાં ફક્ત દેવભૂમિ દ્વારકા કે ગુજરાત જ નહીં, પરંતુ દુબઈ, અમેરિકા, સાઉથ આફ્રિકા, કેનેડા સહિતના વિદેશના આહીરાણીઓ પણ આ રાસોત્સવમાં સહભાગી બન્યા છે. દ્વારકામાં રુક્ષ્મણી મંદિર નજીક તૈયાર કરવામાં આવેલા વિશાળ પટાંગણમાં સન્માન સમારોહ, પૂજન-અર્ચન, સમૂહ પ્રસાદ તથા રાત્રે માયાભાઈ આહીર સહિતના કલાકારોના ભવ્ય લોક ડાયરા ઉપરાંત આહિર બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલવામાં આવી હતી.
આ ભવ્ય આયોજનને વિશ્ર્વ વિક્રમથી નવાજવામાં આવશે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમને ઐતિહાસિક અને યાદગાર બનાવવા માટે આહિર સમાજના શ્રેષ્ઠીઓ તેમજ આગેવાનો, કાર્યકરો દ્વારા ખભે-ખભા મિલાવીને જહેમત ઉઠાવવામાં આવી હતી. જે માટે સ્થાનિક તંત્ર દ્વારા પણ સહયોગ સાંપળ્યો હતો. સમગ્ર દ્વારકા નગરી હાલ ભાવિકો, યાત્રાળુઓ તેમજ પર્યટકોથી હાઉસફુલ બની હતી.