છેલ્લી છ ટર્મથી દ્વારકા વિધાનસભાની સીટ પરથી અજેય રહેલા પબુભા માણેકે દ્વારકાના પ્રાંત અધિકારીની કચેરી ખાતે સતત સાતમી જીત મેળવવાના અટલ ઈરાદા સાથે ભાજપ પક્ષ તરફથી પુન: એકવાર હજારો ટેકેદારોની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. આજરોજ સવારે ૧૧:૦૦ વાગ્યા આસપાસ સમર્થકો તથા આગેવાનોની હાજરીમાં સનાતન સેવા મંડળ દ્વારકા ખાતેથી રેલી સ્વરૂપે નિકળી સૌપ્રથમ ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ મેળવ્યા બાદ પબુભા માણેકે પ્રાંત અધિકારી કચેરીએ ભાજપ પક્ષના ૮૨-દ્વારકા કલ્યાણપુર મત વિસ્તાર માટે સતત સાતમી વાર ઉમેદવારી નોંધાવી હતી અને જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
પબુભા માણેકએ આ વિસ્તારમાં સતત ૬ ટર્મથી અજેય રહ્યા હોય સમગ્ર ઓખા મંડળ અને બારાડી પંથકમાં ખૂબ જ લોકપ્રિય નેતા છે. ત્રણ વખત અપક્ષ, એક વખત કોંગ્રેસ અને છેલ્લી બે ટર્મથી ભાજપ પક્ષ તરફથી જીવતા આવેલા પબુભા માણેક માટે આ વિસ્તાર ગઢ સમાન છે અને અહીં કયારેય એક પક્ષનું નહી પરંતુ એક વ્યકિતનો દબદબો હોય તેમ તેમની ઉમેદવારી વખતે સમગ્ર ઓખામંડળ તથા બારાડી પંથકના અગ્રણીઓ તથા હજારો ટેકેદારો ઉમટી પડયા હતા અને પબુભાના સમર્થનમાં નારાઓ લગાવ્યા હતા. આ સાથે આ સીટ પરથી કુલ છ ફોર્મ ભરાયા છે. જેમાં એનસીપીના રણમલ માડમ, લખુભાઈ ગોજીયા, અશોક વાઘેલા, ભગવાનજી થોભાણીએ અપક્ષમાં તેમજ નિલેશ પબુભા માણેકે પણ ભાજપ તરફથી ફોર્મ ભર્યું છે.
ફોર્મ ભરાયા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપના ઉમેદવાર પબુભા માણેકે જણાવ્યું હતું કે મારી આ સાતમી વિધાનસભાની ચૂંટણી છે. દર વખતે ચૂંટણીનું ફોર્મ ભર્યા પહેલા પરંપરા મુજબ દ્વારકાધીશના દર્શનની પરંપરા હોય આ વખતે પણ તે પરંપરા નિભાવતા સૌપ્રથમ ભગવાન દ્વારકાધીશના જગતમંદિરે ઠાકોરજીના દર્શનની પરંપરા નિભાવી છે.