દ્વારકાધીશ જગતમંદિરમાં સતત બીજા દિવસે શ્રીજીને કુંડલા ભોગ મનોરથ યોજવામાં આવ્યો હતો. ગતરોજ સાંજે ઠાકોરજીના ઉત્થાપન સમયે એક ભાવિક ભકત પરિવાર દ્વારા વારાદાર પૂજારીના સૌજન્યથી શ્રીજીને કુંડલા ભોગ મનોરથ યોજવામાં આવ્યો હતો. શ્રીજીના કુંડલા ભોગ મનોરથ દર્શનનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ લાભ લીધો હતો. ઓનલાઈનના વિવિધ માધ્યમોથી પણ ભક્તોએ આ દિવ્ય દર્શનને નિહાળી ધન્યતા અનુભવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાવ, શરદી, ઝાડા, ઉલટીનો વકર્યો રોગચાળો
દર્દીઓથી ઉભરાતી હોસ્પીટલો : ઘેર ઘેર માંદગીના ખાટલા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘણા દિવસથી વાતાવરણમાં ફેરબદલો અને વરસતા વરસાદને લીધે સૂર્ય દેવના દર્શન દૂર્લભ રહ્યા હતા. તેમજ રસ્તાઓમાં વરસાદના પાણી ભરાવાને લીધે પાણીજન્ય રોગોનું પ્રમાણ વધતાં તાવ, શરદી, ઉલટી જેવા રોગો ઘેર ઘેર જોવા મળી રહ્યા છે. આ સીઝનમાં વાતાવરણમાં ફેરબદલીને કારણે સરકારી તથા ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવા લાગી છે. સરકારી દવાખાનામાં ગતરોજ દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી હતી. ચોમાસામાં રસ્તાઓમાં ભરાયેલાં પાણીને લીધે જીવજંતુઓ ઉત્પન્ન થવાનાં લીધે રોગચાળો વધતો જાય છે. જેના લીધે બહારનો ખોરાક ન ખાવા તેમજ ગરમ ખોરાક જ ખાવાનો આગ્રહ રાખવા, વાસી ખોરાક ન ખાવા તેમજ નજીકના પાણીના ખાડામાં બળેલું ઓઈલ કે જંતુનાશક દવાનો છંટકાવ કરવા તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.
ખંભાળીયામાં રોગચાળાને નિમંત્રણ આપતાં કચરાના ઢગલા ડોર-ટુ-ડોર કલેકશન ચુસ્ત બનાવવા ઉઠતી લોકમાંગ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળીયામાં નગરપાલીકા દ્વારા 16 વાહનો તથા 38 નો સ્ટાફ બાજુ પર રાખી દોઢ-બે કરોડના ખર્ચે ડોર-ટુ-ડોર કચરા કલેકશન માટે ખાનગી કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. પણ કોન્ટ્રાકટમાં નિયમિત રીતે દરરોજ કચરો ઉપાડવાને બદલે બે-ત્રણ દિવસે તેમજ સલાયા ગેઈટ ગઢની રાંગ વિસ્તારમાં અઠવાડિયાથી કચરો નથી ઉપડવામાં આવ્યો. તેથી હાલના વરસાદી વાતાવરણમાં ગંદકી પર વરસાદના પાણીને લીધે માખી મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે અને ગંભીર રોગચાળો ફેલાવાની શક્યતાઓ છે. કચરા કલેકશનમાં બેદરકારીની ફરીયાદો વચ્ચે સ્થાનીય આગેવાનો દ્વારા આ અંગે નગરપાલીકાના જવાબદાર તંત્રનું ધ્યાન દોરી ડોર-ટુ-ડોર કલેકશન ચુસ્ત બનાવવા માંગ ઉઠી છે.
દ્વારકાના એસ.ટી. ડેપોમાં વ્યાપક ગંદકીથી મુસાફરો થયાં પરેશાન
દ્વારકા યાત્રાધામની દરરોજ હજારો યાત્રાળુંઓ મુલાકાત લેતાં હોય છે ત્યારે સરકારી પરિવહન સંસ્થા એસ.ટી. વિભાગની બસોમાં પણ દરરોજ સેંકડો યાત્રાળુંઓ સહિત મુસાફરો મુસાફરી કરતા હોય છે. ત્યારે એસ.ટી. વિભાગમાં ગંદકી જોવા મળી રહ્યું છે. વળી યાત્રાધામમાં આવતાં યાત્રીકો દ્વારકા એસટી વિભાગમાં ગંદકી જોઈ નેગેટીવ ઇમેજ સાથે લઈ જતાં હોય ત્યારે એસ.ટી. વિભાગે ડેપો પરિસરમાં ગંદકીને દૂર કરવા યોગ્ય પગલાં ઉઠાવવા જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી.
ખંભાળીયા કલેકટર કચેરી ખાતે ‘મારી કચેરી, હરિયાળી કચેરી’ થીમ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું
પર્યાવરણ પ્રિય જીવનશૈલી અપનાવી વૃક્ષોના સંવર્ધનથી ગ્રીન કવર વધારવા અને કલાઈમેટ ચેન્જ તેમજ ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે પર્યાવરણ સુરક્ષા વધારવાના ભાગરૂપે મારી કચેરી, હરિયાળી કચેરી થીમ હેઠળ વૃક્ષારોપણ કરાયું હતું. તેમજ કલેકટર કચેરી ખંભાળીયા ખાતે જીલ્લા કલેકટર જી.ટી.પંડયા, જીલ્લા વિકાસ અધિકારી એસ.ડી.ધાનાણી, નિવાસી અધિક કલેકટર ભુપેશ જોટાણીયા, પ્રાંત અધિકારી કે.કે.કરમટા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ વૃક્ષારોપણ કરી કચેરીને હરિયાળી બનાવવા સંકલ્પ કર્યો હતો.
મહેન્દ્ર ક્કડ