દ્વારકાધીશ જગતમંદિરમાં અક્ષય તૃતીયાથી સતત બે માસ સુધી ગ્રીષ્મકાળ દરમ્યાન દ્વારકાધીશને રાજાધિરાજ સ્વરૂપના સ્થાને ગરમીની ઋતુ હોય ઠંડક આપતાં વાઘા, શણગાર, ભોગ ઈત્યાદિ અર્પણ કરવામાં આવી રહયા છે. આજરોજ સાંજે ઠાકોરજીના ઉત્થાપન સમયે વારાદાર શાંતિલાલ પુજારી પરિવાર તથા સહયોગીઓ દ્વારા ઠાકોરજીને સંપૂર્ણ ચંદનના લેપ સાથેના ચંદનવાઘા શૃંગાર સાથે વિવિધ પુષ્પકલીઓનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. આ દિવ્ય દર્શનનો પ્રત્યક્ષ રીતે તથા ઓનલાઈનના વિવિધ માધ્યમોથી લાખો કૃષ્ણભકતોએ લાભ લીધો હતો.
દ્વારકાના સંકલ્પ N.G.Oને સેવાકીય પ્રવૃત્તિ બદલ Top Pride of Halar એવોર્ડ એનાયત કરાયો
આશરે એક દાયકાથી દ્વારકા તથા આસપાસના વિસ્તારોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા સંકલ્પ એન.જી.ઓ.ને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં દ્વારકાના સંકલ્પ એન.જી.ઓ.ને તેમની ઝુપડપટ્ટી વિસ્તારના બાળકો માટેની શૈક્ષણિક અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ બદલ Top FM અને ETV દ્વારા આયોજિત Top Pride of Halar એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સંકલ્પ એન.જી.ઓ. દ્વારા ૨૦૧૫ના સાલથી દ્વારકા ક્ષેત્રમાં મેડીકલ કેમ્પ, અભ્યાસલક્ષી, પર્યાવરણલક્ષી તથા વિવિધ રચનાત્મક કાર્યક્રમો યોનવામાં આવી રહયા છે. ખાસ કરીને તેઓ દ્વારા દ્વારકાના અલગ અલગ સ્લમ વિસ્તારમાં ઝુપડામાં રહેતાં બાળકોના શિક્ષણ, પૌષ્ટીક આહાર, રમતગમત તથા જન્મદિન ઉજવણી સહિતના કાર્યક્રમો યોજી આ વિસ્તારના બાળકોના સર્વાંગી વિકાસની ભેખ ધરતી કામગીરીની નોંધ લઈ તેમને પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા તાજેતરમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
દ્વારકામાં આવતીકાલે ક્રિષ્ન લીલા આધારિત ‘મારો દેવ દ્વારકાવાળો’ કાર્યક્રમ યોજાશે
દ્વારકાના જાણીતા ઝાંઝરી કલ્ચરલ એજયુ.એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી ભારતીય સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરતો કાર્યક્રમ ‘મારો દેવ દ્વારકાવાળો’ ક્રિષ્નલીલા કાર્યક્રમનું આયોજન આવતીકાલ તા.રપ-૦૬-૨૦૨૪ ને મંગળવારના રોજ દ્વારકાના સન્સેટ પોઈન્ટ સ્ટેજ ખાતે રાત્રે ૯:૦૦ કલાકે યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, અતિથિ વિશેષ તરીકે દ્વારકા પ્રાંત અધિકારી એચ.બી. ભગોરા, દ્વારકાના મામલતદાર અનિરૂધ્ધસિંહ ઝાલા તથા નગરપાલિકાના ચીફ ઓફીસર ઉદય નસિત ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના મુખ્ય કલાકાર હિતેન ઠાકર રહેશે. આ કાર્યક્રમનો લાભ લેવા ઝાંઝરી ગૃપ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.
ધ્રાબડિયા વાતાવરણ વચ્ચે દ્વારકાવાસીઓને હાથતાળી આપતાં મેઘરાજા ઊચાં ઉછળતા મોજાઓ સાથે અરબી સમુદ્રમાં કરન્ટ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના અન્ય તાલુકાઓની સાપેક્ષમાં દ્વારકા તાલુકામાં સીઝનનો સરેરાશ ખૂબ જ ઓછો વરસાદ પડયો છે. ગઈકાલથી સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલમાં જયારે ખંભાળીયા, ભાણવડ, કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાએ છુટાછવાયા વરસાદ સાથે હેત વરસાવ્યા બાદ દ્વારકામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ બંધાયા છતાં મેઘરાજા નહિ વરસતાં અને બપોર બાદ તડકો પણ નિકળી જતાં દ્વારકાવાસીઓમાં અસહય ગરમી અને ઉકળાટભર્યા માહોલમાં ભારે નિરાશા જોવા મળી હતી. આગામી દિવસોમાં રાજ્યભરમાં વરસાદની આગાહી હોય ત્યારે દ્વારકાવાસીઓ પણ સારા વરસાદની આશા સેવી રહયા છે. આ સાથે અરબી સમુદ્રમાં વરસાદી માહોલમાં દરીયાના પાણીનો રંગ બદલાયો હોય તેમ કાળો પડતો જોવા મળ્યો હતો અને દરિયા કિનારાના વિસ્તારોમાં ૧૦ થી ૧૫ ફુટ ઊંચા મોજાં ઉછળતાં જોવા મળ્યા હતા.
મહેન્દ્ર કક્કડ