સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત વિદેશોમાં પણ ભાવિક ભક્તો માટે આસ્થાનું પ્રતીક એવા દ્વારકાધીશનું જગતમંદીર વિશ્વભરમાં પ્રખ્યાત છે. દેશ-વિદેશથી આસ્તિકો અહી શીશ જુકાવવા આવે છે. હાલ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, વીજળીના કડાકા સાથે મેઘા મહેરબાન થયા છે. ત્યારે આજરોજ દેવભૂમિ દ્વારકામાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે, ગાજવીજ સાથે મેઘરાજા વરસ્યા છે. પણ આ દરમિયાન આજરોજ જગત મંદિર પર ગજબનો સંયોગ જોવા મળ્યો. ભગવાન શ્રીકૃષ્ણના મંદિરના શિખર પર આકાશી વીજળીનું આલિંગન થયું હતું.
દ્વારકાધીશના જગત મંદિર પર વીજળી પડતાં આમ કોઈ નુકશાની થઈ નથી. જો કે બાવન ગજની જે ધ્વજા ફરકી રહી હતી તેની પર વીજળીનું આલિંગન થતા ધ્વજાને થોડું નુકશાન થયું હતું. જો કે સાત માળના જગત મંદિરને કોઈ અસર થઈ ન હતી. આ સંયોગથી લોકોમાં આશ્ચર્ય થયો છે. જો કે કથા અને પૌરાણિક તથ્યો અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ અને વીજળી વચ્ચે ગાઢ સબંધ છે.
શું સંબંધ છે વીજળી અને ભગવાન શ્રીકૃષ્ણ વચ્ચે ?
શ્રીકૃષ્ણનો જન્મ મથુરાના કારાગૃહમાં થયો હતો. કૃષ્ણની પહેલાં તેમના ૬ ભાઈઓને તેમના મામા કંસે ક્રૂરતાપૂર્વક પોતાના મૃત્યુના ભયથી મારી નાખ્યા હતા. આઠમના રાત્રે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે શ્રીકૃષ્ણને યશોદાજીના પાસે મૂકીને તેમની પુત્રી નંદાને લઈ પાછા મથુરાની કેદમાં ગયા પછી દ્વારપાળ દ્વારા કંસને આઠમા સંતાનની જાણ થતાં કારાગૃહમાં પહોંચી દેવકીના નવજાત શિશુને મારવા તેણે તે શિશુ બાળકી હોવાની જાણ છતાં તેણે તે બાળકીને મારવા દીવાલથી અથડાવવાનો પ્રયાસ કર્યો. પણ તે બાળકી હાથમાંથી છૂટી ગઈ અને વીજળી રુપે આકાશમાં સમાઈ ગઈ, આમ વીજળીના રુપે અલિપ્ત થયેલ મહામાયા ભગવાન શ્રીકૃષ્ણની બહેન ગણાઈ છે.