દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટયો છે અને પાલિકામાં મંજુર થયેલા પ્લાન કરતા તદન અલગ જ પ્રકારના બાંધકામો કરીને ધનવાન બનેલા તત્વો પાલિકા સાથે મીલી ભગત કરી બેરોકટોક કામો કરી રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે આવા બાંધકામ કરનાર ઈસમો વિરૂધ્ધ ન્યાયમંદિરના દ્વાર પણ ખખડાવવામાં આવ્યા છે. છતાં ં પણ ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે પાલિકાના જ્વાબદાર અધિકારીઓ મૂકપ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યા છે.
દ્વારકાના એક વગદાર વેપારી દ્વારા શહેરના સિધ્ધનાથ મંદિર સામે બેરોકટોક બાંધકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ બાંધકામને લગત વર્ષો જુનું રહેવાસીઓના હવા-ઉજાસને લગતા કાયદેસરના હકકો છીનવી લઈને આ ઈસમ દ્વારા મનસ્વી રીતે બાંધકામ કરવામાં આવી રહયું છે.
આ બાબતે અગાઉ હરીશકુમાર ગોકાણી દ્વારા પાલિકામા ફરીયાદ કરી કોર્ટના પણ દ્વાર ખખડાવેલ છે છતાં પચ્ચાસ દિવસ બાદ પણ કોઈ પ્રત્યુતર નહીં આવતા તેની બાજુમાં રહેતા અન્ય સીનીયર સીટીઝન મહિલા દ્વારા કીર્તિબેન પ્રિતેશ ધોકાઈ તથા ધરાબેન સચીનભાઈ ધોકાઈ વિરૂધ્ધ પાલિકામાં ફરીયાદ દાખલ કરી છે.
સીનીયર સીટીઝન મહિલાએ પાલિકામાં કરેલ ફરીયાદમાં જણાવેલ છે કે હાલમાં અમારા રહેણાંક મકાનને લગત જે બાંધકામ થઈ રહ્યું છે તેના કારણે વર્ષો જુના હવા-ઉજાસના ઈઝમેન્ટ રાઈટસ છીનવાઈ ગયા છે અને હજુ પણ વધુ ગેરકાયદેસર બાંધકામ ચાલી રહયું છે, ત્યારે ઉક્ત બાબતે દ્વારકા સીવીલ કોર્ટમાં કેસની તજવીજ હાથ ધરેલ હોય સીવીલ કોર્ટનો આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી ગેરકાયદેસર બાંધકામને લગત કોઈપણ પ્રકારની એન.ઓ.સી. પાલિકા દ્વારા ન આપવા તથા ગેરકાયદેસર બાંધકામને તાત્કાલિક અસરથી રોકવા રજુઆતમાં જણાવાયું છે.
જીલ્લા કલેકટર પાસે ન્યાયની અપેક્ષા
ગેરકાયદેસર બાંધકામની ઘટના પાલિકાના ચીફ ઓફીસરના કાને છેલ્લા બે માસથી અથડાયા કરે છે છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં કરીને ગેરકાયદેસરનું બાંધકામ કરનાર તત્વોને છાવરી રહયા છે અને આવા ઈસમો વિરૂધ્ધ ફરીયાદો તથા કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે તેમ છતાં બનાવની ગંભીરતાને ધ્યાને લીધા વિના તંત્ર ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં છે. બાંધકામ રોકવા જીલ્લા કલેકટર સીનીયર સીટીઝન મહિલાને ન્યાય અપાવે તેવી માંગ ઉઠવા પામી છે.