- દ્વારકા, સોમનાથ, ગિરનાર, પાલિતાણા જેવા તીર્થધામોની માળખાગત સુવિધા વધારાશે
- અંબાજી મંદિરના વિકાસ માટે રૂ.180 કરોડની ફાળવણી
રાજ્યના લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગો ઉપરાંત સ્ટાર્ટઅપ એકમોની વિવિધ યોજનાઓ હેઠળ સહાય માટે અંદાજે રૂ.3600 કરોડની જોગવાઇ કરાય છે.
ગુજરાત ટેક્સટાઇલ એકમો વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બને તે માટે રાજ્ય સરકાર દ્વારા અમલી ગુજરાત ટેક્સટાઇલ પોલિસી થકી વિવિધ સહાય પૂરી પાડવા આ બજેટમાં રૂ.2000 કરોડની જોગવાઇ કરૂં છું.
કુટીર ઉદ્યોગ ક્ષેત્રમાં સ્વ-રોજગારીને પ્રોત્સાહન આપવા માટે વાજપાઇ બેંકેબલ યોજના હેઠળ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્રોમાં મળતી લોન વધારી રૂ.25 લાખ તથા સબસીડી રકમ વધારી રૂ.3 લાખ 75 હજાર કરવાનો નિર્ણય કરેલ છે. આ યોજનાની જોગવાઇમાં 100% નો વધારો કરીને રૂ.480 કરોડની જોગવાઇ કરાય છે.
આદિજાતિ, અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના યુવાનો માટે સ્વ-રોજગારીની તક વધારવાની રાજ્ય સરકારની નેમ છે. આ માટે નાણાકીય સહાય માટે વ્યાજ સબસીડી આપવાની જાહેરાત કરી છે. આ બેંકેબલ યોજનામાં રૂ.10 લાખ સુધીની લોન ઉપર મહિલા લાભાર્થીઓને 7% તથા પુરુષ લાભાર્થીઓને 6% વ્યાજ સહાયનો લાભ મળશે.
વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિ થકી આજે પ્રવાસન ઝડપથી વિકાસ પામતું ક્ષેત્ર છે. યુનેસ્કોની વિશ્વના સૌથી 7 સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં ભુજનું સ્મૃતિવન સામેલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, ઐતિહાસિક નગરી વડનગર જેવા અનેક સ્થળોની કાયાપલટથી ગુજરાત દેશ વિદેશના પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બન્યું છે. વર્ષ 2024 દરમ્યાન 18 કરોડ 63 લાખ ઘરેલુ અને આંતર રાષ્ટ્રીય પ્રવાસીઓ ગુજરાતના મહેમાન બન્યાં છે. પ્રવાસન જેવા રોજગારલક્ષી ક્ષેત્ર વિકસવાથી આપણા યુવાનોને શહેરી અને ગ્રામ્ય ક્ષેત્રોમાં વિશેષ તકો ઊભી થશે. હોટલ વ્યવસાય, પરિવહન અને હસ્તકલા જેવા અનેક ક્ષેત્રોમાં પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે. આ ક્ષેત્રના વિકાસ માટે પ્રવાસન પ્રભાગના બજેટમાં 31% ના વધારા સહિત વિવિધ વિભાગો હેઠળ રૂ.6505 કરોડ સૂચવું છું.
જેમાં ઇન્ટ્રીગ્રેટેડ ટુરિઝમ ડેસ્ટીનેશન ડેવલપમેન્ટ હેઠળ મહત્વના પ્રવાસન સ્થળોને સાંકળતા 150 જેટલા રસ્તાઓના વિકાસ અને પ્રવાસીઓ માટે નવીન 200 એ.સી.બસો સંચાલિત કરવામાં આવશે. એકાવન શક્તિપીઠો પૈકીના આદ્યશક્તિ માઁ અંબાના ધામ અંબાજીના વિકાસ માટે રૂ.180 કરોડની વિશેષ જોગવાઇ કરાય છે.
ધાર્મિક શહેરોના સર્વાંગી વિકાસના ઉદ્દેશથી દ્વારકા, સોમનાથ, બહુચરાજી, ગિરનાર, પાવાગઢ, સિદ્ધપુર, ડાકોર, પાટણ અને પાલિતાણા જેવા તીર્થસ્થાનોની માળખાગત સુવિધાઓમાં વધારો કરવામાં આવશે. જેનાથી આ શહેરોમાં પ્રવાસન ક્ષેત્રે રોકાણને પ્રોત્સાહન ઉપરાંત સ્થાનિક રોજગારને ઉત્તેજન મળશે.