- વહેલી સવારથી જ સ્વર્ગ – મોક્ષ દ્વારે ભાવિકો ઉમટયા
દ્વારકા ન્યુઝ : યાત્રાધામ દ્વારકામાં આજરોજ જયેષ્ઠ પૂર્ણિમા તથા વીકેન્ડના લીધે હજારો ભાવિકો વહેલી સવારથી જ યાત્રાધામમાં ઠાકોરજીના દર્શનાર્થે પધાર્યા હતા અને જગતમંદિરના સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર પર ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી. હજારો ભાવિકોએ પ્રથમ પવિત્ર ગોમતી નદીમાં ડૂબકી લગાવી ઠાકોરજીના સ્મરણ સાથે પુણ્યનું ભાથું બાંધી સ્વર્ગ દ્વારેથી જગતગમંદિરમાં પ્રવેશી ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વીકેન્ડની શરૂઆતમાં પૂર્ણિમા હોય બહોળી સંખ્યામાં ભાવિકો ગઈકાલથી જ દ્વારકા પધાર્યા હતા અને આજરોજ પવિત્ર ગોમતી સ્નાન સાથે જગતમંદિરે ઠાકોરજીના દર્શન કર્યા હતા.
ભાવિકોના અભૂતપૂર્વ ઘસારા અને રોડ નિર્માણના કાર્યને લીધે દ્વારકા-ઓખા હાઈવે પર ટ્રાફીક જામ
આજરોજ જયેષ્ઠ માસની પૂર્ણિમાને લીધે દર વખતની જેમ યાત્રાધામ દ્વારકામાં પૂનમ ભરવા આવતા ભાવિકોનો જબરદસ્ત ટ્રાફીક જોવા મળ્યો હતો. હાલમાં દ્વારકા ઓખા હાઈવે વિસ્તૃતીકરણની કામગીરી ચાલી રહી હોય જેના કારણે દ્વારકાથી બેટ દ્વારકા નાગેશ્વર વિગેરે તીર્થસ્થળો તથા પર્યટન સ્થળે જનારા પ્રવાસીઓની ગાડીઓની કતારો દ્વારકાના રબારી ગેઇટથી રૂક્ષ્મણી મંદિરના આશરે બે કિમીના હાઈવે માર્ગ પર ટ્રાફીક જામમાં ફસાઈ હતી. જેના કારણે પ્રવાસીઓને ચોમાસાના ઉકળાટ અને વરાપ જેવી સ્થિતિમાં ભારે ગરમીમાં ઉકળાટનથી પરેશાન થયા હતા.
દ્વારકાને ફરતા રીંગ રોડ નિર્માણથી ટ્રાફીક સમસ્યા મહદંશે હલ નિકળી શકે
દ્વારકામાં ચાલી રહેલા વિકાસકાર્યો પૈકીના એક એવા દ્વારકાને ફરતો રીંગ રોડ બનાવવાની સરકારની મહાત્વાકાંક્ષી યોજના હોય જેના પર લાંબા સમયથી અમલવારી થઈ નથી. જો આ રીંગ રોડ બની જાય તો શિવરાજપુર, બેટ દ્વારકા, નાગેશ્વર જવા ઈચ્છુક વાહનો સીધા જ રીંગ રોડથી પસાર થઈ બારોબાર પહોંચી શકે તેમ હોય વારંવાર દ્વારકાના શહેર મધ્યમાંથી પસાર થતાં હાઈવે પર રોજબરોજ થતાં ટ્રાફીકની સમસ્યા હલ કરવા રીંગ રોડની કામગીરી તૂર્તમાં શરૂ કરવી તે સમયની માંગ હોવાનું જાણકારોનું માનવું છે.
હરીયાણાના ગવર્નર બંડારૂ દત્તાત્રેય પરિવારે દ્વારકાધીશને શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા
આજરોજ હરીયાણાના રાજ્યપાલ બંડારૂ દત્તાત્રેય સપરિવાર યાત્રાધામ દ્વારકામાં પધાર્યા હતા. તેઓએ સૌપ્રથમ દ્વારકાધીશ જગતમંદિરમાં કાળિયા ઠાકોરજીના દર્શન કરી શ્રીજીની પાદુકાનું પૂજન કરી ઠાકોરજીને શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. વારાદાર પૂજારી દ્વારા તેઓને દ્વારકાધીશનું ઉપરણું ઓઢાડી શ્રીજીના આશીર્વાદ પાઠવ્યા હતા. જગતમંદિર તથા તેમની સાથે મંદિર દેવસ્થાન સમિતિના વહીવટદાર તથા પ્રાંત અધિકારી ભગોરા રહયા હતા જેમણે દત્તાત્રેયજીનું દ્વારકાધીશની છબીથી અભિવાદન કર્યુ હતું
વરસાદી ધ્રાબડિયા વાતાવરણમાં દ્વારકાનો દરિયો બન્યો ગાંડોતૂર ભારે કરન્ટ સાથે ૧૫ થી ૨૦ ફૂટ ઊંચા મોજા ઉછળ્યાં : જીવના જોખમે સેલ્ફી લેતાં સહેલાણીઓ
અરબી સમુદ્રમાં વરસાદી માહોલમાં દરીયાના પાણીમાં જબરદસ્ત કરન્ટ જોવા મળી રહયો છે. આજરોજ ધ્રાબડિયા વાતાવરણમાં દ્વારકા શહેરના તમામ દરિયા કાંઠાળા વિસ્તારોમાં દરિયો ગાંડોતૂર બન્યો હોય તેમ ૧૫ થી ૨૦ ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. તંત્ર દ્વારા અવાર નવાર પ્રવાસીઓને માહિતગાર કરવા છતાં દ્વારકાના ભડકેશ્વર બીચ, લાઈટ હાઉસ, ગાયત્રી મંદિર, સંગમનારાયણ મંદિર તથા ગોમતી નદીના ઘાટો પાસે સહેલાણીઓ અસહય ગરમીના માહોલમાં રાહત મેળવવા જીવના જોખમે નહાતા મળ્યા હતા. સેલ્ફી લેતાં ફરી એકવાર જોવા મળ્યા હતા .
મહેન્દ્ર કક્કડ