દ્વારકા નગરપાલીકા દ્વારા દ્વારકા યાત્રાધામમાં નાના વેપારીઓ તથા રેકડીધારકો પાસેથી વસૂલાતું દૈનિક ભાડું ૧૦ થી સીધું જ ૩૦ કરી દેતાં વેપારીઓ તથા રેકડીધારકોએ ઉગ્ર રોષ સાથે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતું આવેદનપત્ર પાઠવ્યું છે.
દ્વારકા નગરપાલીકા દ્વારા નગરપાલીકા હદવિસ્તારમાં રેકડી ધારકો તથા નાના વેપારીઓ પાસેથી નગરપાલીકાની જગ્યાના ઉપયોગ બદલ દૈનિક વસૂલાતું ભાડું જે હાલ સુધી દસ રૂપિયા પ્રતિદિન હતું. આ દૈનિક ભાડામાં નગરપાલીકાએ તાજેતરમાં ઠરાવ પસાર કરી રાતોરાત બસ્સો ટકાના વધારા સાથે નવું ભાડું દૈનિક રૂપિયા ત્રીસ કરી દેવાતાં નાના વેપારીઓ તથા રેકડીધારકોમાં દેકારો મચી ગયો છે.
આજરોજ દ્વારકાના નાના વેપારીઓ તથા મોટી સંખ્યામાં રેકડીધારકો તેમજ ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રેઈન મર્ચન્ટ એસોસીએશન, પાનમસાલા એસોસીએશન તથા ન્યૂ વેપારી મંડળના આગેવાનો સહિત માર્કેટ ચોક, ભથાણ ચોક, ત્રણબતી ચોક, મહાજન બજાર, ગોમતી ઘાટ સહિત શહેરના સહિત માર્કેટ ચોક, ભથાણ ચોક, ત્રણબતી ચોક, મહાજન બજાર, ગોમતી ઘાટ સહિત શહેરના વિવિધ વિસ્તારના વેપારીઓ દ્વારા નગરપાલીકા દ્વારા દૈનિક ભાડામાં કરાયેલ વધારાની વિરૂધ્ધ ઉગ્ર રોષ સાથે દ્વારકા પ્રાંત કચેરી, મામલતદાર કચેરી તથા નગરપાલીકા કચેરીએ આવેદનપત્ર પાઠવી આ ત્રણ ગણો ભાવવધારો પરત ખેંચવા માંગ કરી હતી. આ પહેલાં નગરપાલીકા દ્વારા દસ રૂપિયા પ્રતિદિન દૈનિક ભાડું વસૂલવામાં આવતું હતું.
સી કેટેગરી ધરાવતી દ્વારકા નગરપાલીકા દ્વારા નાના વેપારીઓને કમરતોડ ફટકો
સી કેટેગરી ધરાવતી દ્વારકા નગરપાલીકાથી મોટી નગરપાલીકા ગણાતી ઓખા (બી કેટેગરી), પોરબંદર (એ કેટેગરી)માં પણ દૈનિક ભાડું દસ રૂપિયા આસપાસ હાલમાં પણ લેવામાં આવી રહયુ છે જયારે દ્વારકા પ્રમાણમાં નાની કક્ષાની નગરપાલીકા તેમજ યાત્રાધામ હોવા છતાં અહીં નગરપાલીકા દ્વારા હાલમાં વહીવટદાર શાસનમાં ઠરાવ પસાર કરી અચાનક જ ત્રણ ગણો ભાવવધારો કરી ૩૦ રૂપિયા પ્રતિદિન કરી દેવાયો છે. દ્વારકા નગરપાલીકા યાત્રાધામ હોય દરરોજના હજારો યાત્રાળુઓની અવરજવર રહેતી હોય તેમજ કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા અંગત રસ લઈ વિકાસકાર્યો હેતુ કરોડો રૂપિયાની ગ્રાન્ટ મેળવતી હોય નફાનું બજેટ ધરાવતી નગરપાલીકા રહી છે. આમ છતાં કોના ઈશારે યા તો કોને લાભ પહોંચાડવા વહીવટદાર શાસનવાળી નગરપાલીકાએ નાના વેપારીઓને આર્થિક રીતે ન પરવડે તેવો ફટકો પહોંચાડયો છે તેની પણ ચર્ચા ઉઠવા પામી છે.
તો આગામી દિવસોમાં દ્વારકા બંધનું એલાન થશે
દ્વારકાના પ્રાંત અધિકારી, મામલતદાર કચેરી, નગરપાલીકા કચેરીએ આવેદનપત્ર પાઠવ્યા બાદ વિવિધ વેપારી સંગઠનોના આગેવાનોએ મીડીયા સમક્ષ જણાવ્યું છે કે અમોએ આ ર૦૦ ટકાના ભાવવધારા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને આગામી દિવસોમાં જો નગરપાલીકા આ ભાવવધારો પરત નહિં ખેંચે તો અમારે ન છૂટકે દ્વારકા બંધનું એલાન કરવા ફરજ પડશે અને અન્ય જલદ પગલા લેવા ફરજ પડશે તેવું જણાવ્યું હતું.
અગાઉ ભાવવધારાનો વિરોધ છતાં નગરપાલીકા દ્વારા તુઘલઘી નિર્ણય લેતો ઠરાવ..!
વહીવટદાર શાસન ધરાવતી દ્વારકા નગરપાલીકાને આ અગાઉ પણ આશરે ત્રણેક માસ પહેલાં નગરપાલીકા દ્વારા દસ ના ત્રીસ રૂપિયા કરાયેલાં તોતીંગ ભાવવધારાનો વિરોધ કરતું આવેદનપત્ર શાકમાર્કેટ ચોક તથા આસપાસના રેકડીધારકો તથા નાના વેપારીઓ દ્વારા આવેદન પાઠવી વિરોધ કર્યો હતો. ત્યારે નગરપાલીકાએ થોડા સમય માટે ભાવવધારો મોકૂક રાખ્યા બાદ અચાનક જ વેપારી અગ્રણીઓ યા અન્યો સાથે ચર્ચા વિચારણા વગર વહીવટી શાસનમાં તુઘલઘી ફરમાન સમાન ઠરાવ પસાર કરી દેવાતાં અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે.
શાક માર્કેટ ચોકમાં પાલીકાની ઉલ્ટી ગંગા સમાન કાર્યવાહી
દ્વારકા નગરપાલીકા દ્વારા ઠરાવ કર્યા બાદ શાક માર્કેટ ચોકમાં ઉભતાં રેકડીધારકો પાથરણાવાળાઓ પાસેથી દૈનિક રૂપિયા ત્રીસ લેખે વસૂલાત કરાતા માસિક ૯૦૦ રૂપિયા જેટલી વસૂલાતની શરૂઆત કરી છે. જેની સરખામણીએ નગરપાલીકાએ નવી બનાવાયેલ શાક માર્કેટમાં લાઈટ સફાઈની સુવિધા સાથે વેપારીના બ્લોક દીઠ માસિક રૂપિયા પાંચસો વસૂલાય છે જ્યારે માર્કેટની બહાર કોઈપણ સુવિધા વગર ઊભતાં રેકડીધારકો પાસેથી માસિક ૯૦૦ રૂપિયા જેટલી રકમ વસૂલી ઉઘાડી લૂંટ સમાન કાર્યવાહીની શરૂઆત કરતા ઉલ્ટી ગંગા સમાન કાર્યવાહી પણ ચર્ચામાં છે. નગરપાલીકા આવા બ્લોકધારકો કરતાં રેકડીધારકો પાસેથી ઓછું માસિક ભાડું વસૂલે તેવી પણ માંગ ઉઠવા પામી છે.
વેપારીઓ દ્વારા ગાંધીનગર, રાજકોટ સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત
દ્વારકા નગરપાલીકા દ્વારા ઠરાવ પસાર કરી નાના વેપારીઓ પર ઝીંકી દેવાયેલા ભાવવધારા સામે દ્વારકાના વિવિધ વેપારી સંગઠનો દ્વારા ગાંધીનગર નગર નિયામક કચેરી તથા રાજકોટ ખાતેની પ્રાદેશિક નગરનિયામક કચેરી તેમજ સ્થાનીય તથા જિલ્લાકક્ષાની કચેરીએ ભાવવધારો પરત ખેંચતી રજૂઆતો કરી મનઘડંત રીતે ઝીંકી દેવાયેલ ભાવવધારો પરત ખેંચવા યોગ્ય આદેશો કરવા માંગ કરાઈ છે.
દ્વારકા:મહેન્દ્ર કક્કડ